ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે કોરોનાવાઇરસના અત્યાર સુધીના સૌથી વધુ 44 કેસ નોંધાયા છે.
કુલ નોંધાયેલા કેસમાંથી 29 કેસ સમુદાયમાં સંપર્કમાં આવ્યા હોવાના કારણે આગામી દિવસોમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા વધે તેવી શક્યતા છે.
રાજ્યમાં વધી રહેલા કોવિડ-19 કેસને ધ્યાનમાં રાખીને પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને શુક્રવાર સાંજે 5 વાગ્યાથી ગ્રેટર સિડની, સેન્ટ્રલ કોસ્ટ, બ્લૂ માઉન્ટેન્સ, વોલોંગોન્ગ તથા શેલહાર્બરમાં વિવિધ નિયંત્રણો અમલમાં મુકવાની જાહેરાત કરી છે.
રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં વર્તમાન નિયંત્રણોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જે અંતર્ગત સાંજે 5 વાગ્યાથી...
- 10 કિલોમીટરની ત્રિજ્યામાં મુસાફરી કરવાનો નિયમ લાગૂ થશે.
- ઘરની એક જ વ્યક્તિ 10 કિલોમીટરના અંતરમાં ખરીદી કરવા જઇ શકશે.
- દુકાન કે શોપિંગ મોલમાં સામાન શોધવા કે માત્ર જોવા માટે ફરવા પર પ્રતિબંધ
- કારમાં અન્ય ઘરની વ્યક્તિને બેસાડી શકાશે નહીં.
- આઉટડોર મેળાવડામાં મહત્તમ 2 લોકો ભેગા થઇ શકશે.
રાજ્યના પ્રીમિયરે લોકડાઉન હેઠળ હોય તેવા રહેવાસીઓને જરૂરીયાત હોય ત્યારે જ ઘરમાંથી બહાર જવા અંગે અનુરોધ કર્યો હતો.
કસરત
- બે વ્યક્તિની જોડીમાં, ઘર સિવાયની અન્ય એક વ્યક્તિ સાથે કસરત કરી શકાશે.
- 10 કિલોમીટરના અંતર બહાર કરસત કરવા જઇ શકાશે નહીં.
- અંતિમ સંસ્કારમાં 10 લોકોને ભેગા થવાની પરવાનગી.

NSW Premier Gladys Berejiklian Source: AAP
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં હાલમાં કોવિડ-19ના કારણે 10 દર્દી આઇસીયુમાં સારવાર હેઠળ છે. જેમાંથી એક 20 વર્ષીય, એક 30 વર્ષ, એક 50 વર્ષ તથા પાંચ દર્દી 60 વર્ષ અને 2 દર્દી 70 વર્ષની વયજૂથમાં છે.
કોરોનાવાઇરસનો વધુ ભય ધરાવતા સિડનીના વિસ્તારો
સધરલેન્ડ, કેરિલો, સિલ્વેનિયા, હર્સ્ટવિલ, મરુબ્રા વિસ્તારોના રહેવાસીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર છે તથા તેમણે આરોગ્યલક્ષી તમામ નિયમોનું પાલન કરી જરૂરીયાત જણાય તો કોવિડ-19 ટેસ્ટ કરાવવા આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આ ઉપરાંત બોસ્લી પાર્ક, સ્મિથફિલ્ડ, ફેરફિલ્ડ, ગ્લેનફિલ્ડ, વેસ્ટ હોક્ષટન, બાસ હિલ, સેન્ટ જ્હોન્સ પાર્ક, બોનીરીગ હાઇટ્સ, બેન્ક્સટાઉન, કેનલી વેલ, આરમાર્ક, ચેસ્ટરહિલ, એડમંડસન પાર્ક, ગ્રીનફિલ્ડ પાર્ક, મોરબેન્ક, નારેલી અને ડેલ વિસ્તારોમાં પણ કોરોનાવાઇરસના કેસ વધ્યા છે.
વિક્ટોરીયા પણ હાઇએલર્ટ પર
વિક્ટોરીયાના આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે હજારો વિક્ટોરીયન્સ આગામી દિવસોમાં શાળાની રજાઓ પૂરી થયા બાદ ન્યૂ સાઉથ વેલ્સથી પરત ફરશે ત્યારે રાજ્યમાં કોવિડ-19ના કારણે પરિસ્થિતી વણસે નહીં તે માટે રાજ્ય હાઇ એલર્ટ પર છે.