ઓસ્ટ્રેલિયાની ટોચની રીસાઇક્લિંગ સંસ્થાના જણાવ્યા મુજબ, કોરોનાવાઇરસના પ્રતિબંધો અમલમાં આવ્યા અને લોકો ઘરમાં જ સમય પસાર કરતા હોવાથી પ્લાસ્ટિક અને અન્ય ચીજવસ્તુઓને કચરા તરીકે નિકાલ કરવાના પ્રમાણમાં 10 ટકા જેટલો વધારો નોંધાયો છે.
કચરાના પ્રમાણમાં વધારાનું મુખ્ય કારણ
કોરોનાવાઇરસના કારણે વિવિધ પ્રતિબંધો અમલમાં આવ્યા અને વેપાર ઉદ્યોગો, રેસ્ટોરન્ટ્સે તેમની સર્વિસમાં ફેરફાર કરવો પડ્યો હતો. ટેક – અવે પદ્ધતિ અમલમાં આવતા વિવિધ પ્રકારના પ્લાસ્ટિકના ડબ્બા અને ડીશનો ઉપયોગ વધ્યો છે. અને, કચરાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે.
કચરાનું પ્રમાણ વધવાના અન્ય કારણો
- પ્રતિબંધો અમલમાં આવતા શોપિંગ સેન્ટર્સ બંધ થયા અને ઓનલાઇન શોપિંગના પ્રમાણમાં વધારો થતા પેકેજીંગ મટીરીયલનો વધુ નિકાલ થઇ રહ્યો છે.
- ઘરની મરામત અને સાફ-સફાઇનું પ્રમાણ વધતા બિનજરૂરી ચીજવસ્તુઓના નિકાલનું પ્રમાણ વધ્યું
- ઘરેથી જ કાર્ય કરતા હોવાથી ટેબલ, ખુરશી, ઓફિસના સાધનો વિકસાવામાં આવ્યા, જૂની વસ્તુનો નિકાલ વધ્યો
- આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા માસ્ક, ગ્લોવ્સ, ગાઉન્સનો ઉપયોગ વધતા પણ પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.
કચરાનું પ્રમાણ વધવું ચિંતાજનક
ઓસ્ટ્રેલિયન કાઉન્સિલ ઓફ રીસાઇક્લિંગના સીઇઓ, પેટે સ્મીગેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયમાં દેશના નાગરિકોની ચીજવસ્તુની ખરીદી અને તેનો વપરાશ કરવાની પદ્ધતિ બદલાઇ હોવાના કારણે કચરાનું પ્રમાણ વધી રહ્યું છે.
અને, કચરાના ખોટી રીતે નિકાલના દરમાં પણ ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, એક અહેવાલમાં પ્રકાશિત થયેલી વિગતો પ્રમાણે, સિટી ઓફ મેલ્બર્ન કાઉન્સિલે જણાવ્યું હતું કે, ઘરની બહાર ગેરકાયદેસર રીતે કચરાનો નિકાલ કરવાના મામલામાં એપ્રિલ 2019ની સરખામણીમાં આ વર્ષે 70 ટકા જેટલો વધાયો નોંધાયો હતો.
સિટી ઓફ સિડની કાઉન્સિલે પણ ગેરકાયદેસર રીતે કચરાના નિકાલનું પ્રમાણ 35 ટકા જેટલું વધ્યું હોવાનું નોંધ્યું છે.
ઓસ્ટ્રેલિયા ઉપરાંત, વિશ્વના અન્ય દેશોમાં પણ ખોટી રીતે કચરાના નિકાલના પ્રમાણમાં વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં મેડિટેરાનિયન સમુદ્રમાંથી મેડિકલ સાથે જોડાયેલો કચરો જંગી માત્રામાં મળી આવ્યો છે.
જ્યાં કોરોનાવાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હતો તે ચીનના વુહાન શહેરમાં સરકારે નવી હોસ્પિટલ બનાવવાની સાથે સારવારમાં ઉત્પન્ન થતા કચરાના નિકાલ માટે પણ એક પ્લાન્ટ બનાવવો પડ્યો હતો.