સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્ય પોતાની સરહદો શરૂ કરશે નહીં. અગાઉ સાઉથ ઓસ્ટ્રેલિયાએ 20મી જુલાઇથી રાજ્યની સરહદો શરૂ કરવાનો નિર્ણય લીધો હતો.
પરંતુ સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટીવન માર્શલે જણાવ્યું હતું કે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી હાલમાં તે રાજ્ય માટે સરહદો શરૂ કરવી યોગ્ય નથી.
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના વધી રહેલા કેસ કાબુમાં આવે તેવી આશા છે પરંતુ હાલના સમયમાં 20મી જુલાઇએ વિક્ટોરીયા માટે સરહદો શરૂ થાય તેમ લાગી રહ્યું નથી.
આ ઉપરાંત, પ્રીમિયરે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન ફૂટી લીગમાં ભાગ લેવા માટે સાઉથ ઓસ્ટ્રેલિયા આવનારી વિક્ટોરીયન ટીમ અથવા સાઉથ ઓસ્ટ્રેલિયન ટીમ વિક્ટોરીયા જશે અને ત્યાંની ટીમ સામે રમશે તો તેમણે સાઉથ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા બાદ બે અઠવાડિયા માટે એકાંતવાસમાં રહેવું પડશે.
NSW, ACT અંગે કોઇ નિર્ણય નહીં
પ્રીમિયર માર્શલે જણાવ્યું હતું કે, ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી માટે સાઉથ ઓસ્ટ્રેલિયાની બોર્ડર શરૂ કરવી કે કેમ કે અંગે શુક્રવારે યોજાનારી બેઠકમાં નિર્ણય લેવાશે.
ઉલ્લેખનીય છે કે, સાઉથ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, નોધર્ન ટેરીટરી, તાસ્માનિયા અને ક્વિન્સલેન્ડ રાજ્યો માટે પોતાની સરહદો શરૂ કરી દીધી છે.