કોરોનાવાઇરસના કારણે ભારતમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર બંધ થઇ જતા વિદેશમાં અટવાયેલા હજારો ભારતીય પ્રવાસીઓને વતન પરત લાવવા માટે સરકારે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે.
જે અંતર્ગત ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા ભારતીયો માટે સાત ફ્લાઇટ્સ મુકવામાં આવી છે. સોમવારે 25મી મેના રોજ ઓસ્ટ્રેલિયાના સિડનીથી એર ઇન્ડિયાની AI301 ફ્લાઇટ અમદાવાદ માટે રવાના થઇ હતી.
જેમાં 225 મુસાફરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇકમિશને ટ્વિટર તથા ફેસબુકના માધ્યમથી આ અંગે જાણકારી આપી હતી.
ટ્વિટર, ફેસબુક પર સંદેશ
ભારતીય હાઇકમિશને ટ્વિટર અને ફેસબુક પર મૂકેલા સંદેશમાં જણાવ્યું હતું કે, શુભ યાત્રા, એર ઇન્ડિયાના ખાસ વિમાન AI301 એ સિડનીથી અમદાવાદ માટે ઉડાન ભરી છે. જેમાં 225 પેસેન્જર્સનો સમાવેશ થાય છે. વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને વતન પરત લઇ જવાનો આનંદ છે.
પ્રથમ લિસ્ટમાં પસંદ ન થયેલા પેસેન્જર્સનો પણ સમાવેશ
સિડનીથી અમદાવાદ જવા માટે ઇચ્છુક પેસેન્જર્સે ભારતીય હાઇકમિશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અને, વિવિધ પ્રાથમિકતાના આધારે પેસેન્જર્સને પસંદ કરવામાં આવ્યા હતા. હાઇકમિશને ટ્વિટરના માધ્યમથી જણાવ્યું હતું કે, જે પેસેન્જર્સની પસંદગી થઇ ગઇ છે તેમને જાણ કરી દેવામાં આવી છે.
જોકે, ત્યાર બાદ શનિવારે મોડીરાત્રે અન્ય પેસેન્જર્સ કે જેમને અગાઉ પસંદ કરવામાં આવ્યા ન હતા તેમને પણ હાઇકમિશન અને એર ઇન્ડિયા દ્વારા પસંદગીની જાણ કરવામાં આવી હતી.
આ અંગે, ત્રણ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં ફસાઇ ગયેલા ભારતીય પ્રવાસી જલ્પા પટેલે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સિડનીથી અમદાવાદ જનારી ફ્લાઇટ માટે બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં તેમનો સમાવેશ કરાયો નહોતો. જોકે, આશ્ચર્યજનક રીતે શનિવારે રાત્રે તેમને સોમવારે સવાર જનારી ફ્લાઇટમાં પસંદગી થઇ હોવાની જાણ કરવામાં આવી હતી.

Air India special flight to Ahmedabad takes off from Sydney. Source: Twitter/India in Australia
ફ્લાઇટમાં જતા અગાઉ આરોગ્યની ચકાસણી, સામાન્ય કાર્યવાહી
મેલ્બર્ન સ્થિત હાર્દિક સાંચલાના માતા-પિતાની સિડનીથી અમદાવાદની ફ્લાઇટ માટે પસંદગી કરવામાં આવી હતી. SBS Gujarati સાથે વાત કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, સોમવારે સવારે ફ્લાઇટના નિર્ધારિત સમય અગાઉ 4.30 કલાક પહેલા જ તમામ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.
સૌ પ્રથમ મુખ્ય પ્રવેશદ્વાર પાસે ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સના અધિકારીઓ દ્વારા પેસેન્જરના પાસપોર્ટ અને ટિકીટની તપાસ કરવામાં આવી હતી. મુસાફરને જ મુખ્ય પ્રવેશદ્વારની અંદર પ્રવેશ અપાયો હતો. વિઝીટર્સને અંદર જવા દેવામાં આવ્યા નહોતા.
ત્યાર બાદ બે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. અને આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.
હાર્દિકે જણાવ્યું હતું કે જે પેસેન્જર્સ પાસે નિર્ધારીત મર્યાદા કરતા બે કે ત્રણ કિલો વધુ સામાન હતો તેમનો સામાન પણ સ્વીકારી લેવામાં આવ્યો હતો.
પેસેન્જર્સે માસ્ક અને સેનિટાઇઝર સાથે જ રાખવા વધુ હિતાવહ હોવાનું હાર્દિકે ઉમેર્યું હતું.