અમેરિકાએ ગુરુવારે કરેલી જાહેરાત પ્રમાણે, જે સગર્ભા મહિલા ટુરિસ્ટ વિસા પર અમેરિકા પ્રવેશીને બાળકને જન્મ આપવા માંગતી મહિલાઓને વિસા આપશે નહીં.
શુક્રવારથી અમલમાં આવી રહેલા વિસા અંગે વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, આ વિસા હેઠળ અમેરિકન ધરતી પર બાળકને જન્મ આપીને તેમને સીધા જ અમેરિકન નાગરિક બનાવવામાં આવતા હતા. તેથી જ સગર્ભા મહિલાઓને ટુરિસ્ટ વિસા નહીં આપવાનો નિયમ અમલમાં લાવવામાં આવ્યો છે.
વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકાની સુરક્ષા અને તેની અખંડિતતા પર કોઇ ખતરો પેદા થવા દેવામાં આવશે નહીં.
આ ઉપરાંત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “બર્થ ટુરિઝમ”ના કારણે દેશની હોસ્પિટલો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલી સર્વિસ પર ભારણ વધ્યું છે અને ગુનાખોરીની પ્રવૃત્તિમાં પણ વધારો થયો છે.

Source: AP
શું છે નવો નિયમ?
નવા નિયમ પ્રમાણે જે પ્રવાસી – બી વિસા મેળવવા માટે અરજી કરશે તેમની અધિકારીઓ પૂછપરછ કરશે અને જો તેમને એમ જણાશે કે પ્રવાસીનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા જઇને બાળકને જન્મ આપવાનો છે તો તેમને વિસા નહીં મળી શકે.
ઉલ્લેખનીય છે કે અમેરિકન ધરતી પર જન્મ લેનારું કોઇ પણ બાળક સીધું જ અમેરિકન નાગરિક બની જાય છે.
એક આંકડા પ્રમાણે, અમેરિકામાં વર્ષ 2017માં લગભગ 10 હજાર પ્રવાસીઓએ બાળકને જન્મ આપ્યો હતો જ્યારે વર્ષ 2007માં 7800 બાળકોએ અમેરિકાની ધરતી પર જન્મ લઇને અમેરિકન નાગરિકતા મેળવી હતી.
આ ઉપરાંત આરોગ્ય સેવા લેવા અંગેના વિસાના નિયમો પણ કડક કરવામાં આવ્યા છે. આરોગ્ય સાથે સંકળાયેલા વિસા મેળવવા માટે અરજીકર્તાએ અમેરિકામાં આવવાનો તેમનો ઉદ્દેશ્ય અને તેમના સારવારના ખર્ચાની પણ માહિતી આપવી પડશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ પણ દેશની ઇમિગ્રેશન પોલિસી વધુ કડક કરવાની દિશામાં પગલા લેવાના સંકેત આપ્યા છે અને “બર્થરાઇટ સિટીઝનશિપ” પણ રદ કરવા અંગે કહ્યું છે.