વિક્ટોરીયામાં છેલ્લા 2 અઠવાડિયામાં કોરોનાવાઇરસના કેસમાં વધારો નોંધાતા વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેની સરહદ મંગળવારથી બંધ થવા જઇ રહી છે.
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આ બંને રાજ્યો વચ્ચેની સરહદ બંધ થશે. ઉલ્લેખનીય છે કે સત્તાવાર રીતે, અગાઉ વર્ષ 1919માં સ્પેનિશ ફ્લુની મહામારીને રોકવા માટે બંને રાજ્યો વચ્ચે અવરજવર પર પ્રતિબંધ લગાવાયો હતો.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય સાથેની સરહદ બંધ
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે 24 કલાકમાં કોરોનાવાઇરસના નવા 127 કેસ આવતા સોમવારે સવારે આ અંગે જાહેરાત કરી હતી. વડાપ્રધાન સ્કોટ મોરિસન, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાન સાથે ચર્ચા કર્યા બાદ બોર્ડર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મંગળવારે રાત્રે 11.59 વાગ્યાથી બંને રાજ્યો વચ્ચેની બોર્ડર બંધ
પ્રીમિયર એન્ડ્યુસે ઉમેર્યું હતું કે, કોરોનાવાઇરસનો વધુ ફેલાવો ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસ સામે લડવા માટે વધુ સ્ત્રોત અને કર્મચારીઓની જરૂરિયાત હોવાથી ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય તરફથી બોર્ડર બંધ કરવામાં આવશે.
તેમણે વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સની બોર્ડર પાસેના અલ્બરી અને વોડોન્ગા વિસ્તારના લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે તેમની માફી માંગી હતી. અને, તેમના માટે પરમીટની વ્યવસ્થા કરવાની દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું જણાવ્યું હતું.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર બેરેજીક્લિયાને પણ વિક્ટોરીયા સાથેની સરહદ બંધ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. જોકે, તેમણે અન્ય રાજ્યોને ન્યૂ સાઉથ વેલ્સ સાથેની સરહદો બંધ ન કરવા માટે વિનંતી પણ કરી હતી.
ક્વિન્સલેન્ડના પ્રીમિયર અનાસ્તાસિયા પલાસઝૂકે ટ્ટવિટરના માધ્યમથી વિક્ટોરીયા અને ન્યૂ સાઉથ વેલ્સ વચ્ચેની સરહદો બંધ કરવાના નિર્ણયની પ્રશંસા કરી હતી.
24 કલાકમાં 127 નવા કેસ
વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાઇરસના નવા 127 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, 90 વર્ષીય એક વ્યક્તિનું મૃત્યુ પણ થતા ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કુલ મૃત્યુઆંક 105 થયો છે.
શનિવારે પણ વિક્ટોરીયામાં 108 નવા કેસ નોંધાયા હતા. ત્યાર બાદ, નોર્થ મેલ્બર્ન અને કેન્સિંગ્ટન ખાતેના પબ્લિક હાઉસિંગ 9 બ્લોકને ઓછામાં ઓછા 5 દિવસ માટે લોકડાઉનમાં મૂકવામાં આવ્યા છે.
પબ્લિક હાઉસિંગના 9 બિલ્ડીંગમાં કોરોનાવાઇરસના કુલ 53 કેસ નોંધાયા છે. અને, હાલમાં વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના કુલ સક્રિય કેસની સંખ્યા 650 જેટલી થઇ ગઇ છે.
ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં પણ છેલ્લા 24 કલાકમાં 10 નવા કેસ નોંધાયા હતા.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ સમૂહમાં ભેગા થવા વિશે તમારા રાજ્યોની સરકારે નક્કી કરેલા પ્રતિબંધો તપાસો.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.