જો કોઇ વ્યક્તિ ઉધરસ કે છીંક ખાય તો તેના જંતુઓ હવામાં ઉડે છે અને તેનો ચેપ અન્ય વ્યક્તિને લાગે છે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, ઠંડા અને સૂકા વાતાવરણમાં તે જંતુઓ હવામાં વધારે સમય સુધી રહે છે અને દૂર સુધી પરિવહન કરતા હોવાથી વધારે લોકોને તેનો ચેપ લાગે છે.
શું કોરોનાવાઇરસ અન્ય વાઇરસની જેમ જ ફેલાય છે?
ઓસ્ટ્રેલિયામાં આગામી સમયમાં શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે, આરોગ્ય વિશેષજ્ઞો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા દેશોએ કોરોનાવાઇરસને નિયંત્રણમાં લાવવા માટેના અનુભવ મુજબ રણનીતિ ઘડી રહ્યા છે.
અમેરિકા, ઇટાલી, સ્પેનમાં કોરોનાવાઇરસના કારણે સૌથી વધારે મૃત્યુ થયા છે. જ્યારે યુનાઇટેડ કિંગડમમાં 20,000 થી પણ વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચેપને લગતા રોગના નિષ્ણાત અને માઇક્રોબાયોલોજીસ્ટ પ્રોફેસર પીટર ગોલિંગનોને જણાવ્યું હતું કે શિયાળાનું ઠંડુ વાતાવરણ કોરોનાવાઇરસ શરદી કે તાવના રૂપમાં ત્રાટકી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ઇટાલી, યુરોપ અને અમેરિકામાં જ્યાં સુધી વૃદ્ધ લોકોના મૃત્યુની ઘટનાઓ સામે ન આવી ત્યાં સુધી શિયાળમાં આ વાઇરસની ભયાનકતા વિશે જાણ ન થઇ. પરંતુ, ઓસ્ટ્રેલિયામાં કોઇ પણ વ્યક્તિને શરદી થાય તો તેનો તરત જ ટેસ્ટ કરવામાં આવતો હોવાથી શિયાળામાં કોરોનાવાઇરસનો ખતરો વધશે નહીં.
યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડના વાઇરૉલજિસ્ટ ડો ક્રિસ્ટી શોર્ટના જણાવ્યા પ્રમાણે, શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ ઘટી જતી હોવાથી કોરોનાવાઇરસ સામે મુશ્કેલી પડી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે દક્ષિણ ગોળાર્ધમાં હાલમાં શિયાળાની શરૂઆત થઇ રહી છે. સામાન્ય રીતે, ઓસ્ટ્રેલિયામાં શિયાળામાં તાવ આવવાનું પ્રમાણ વધી જતું હોવાથી કોરોનાવાઇરસ અથવા અન્ય ચેપ લાગવાનું પણ જોખમ વધે છે.
તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે ઠંડા વાતાવરણમાં ઘરની અંદર કે ઇન્ડોર સ્થાને રહેવાથી વાઇરસનું પરીક્રમણ ઝડપથી થાય છે.
ઓસ્ટ્રેલિયાના લોકોએ શિયાળામાં શું ધ્યાન રાખવું જોઇએ
યુનિવર્સિટી ઓફ સિડનીના પ્રોફેસર ગ્રેગ ફોક્સે લોકોને સલાહ આપતા જણાવ્યું હતું કે, શિયાળાની શરૂઆતમાં જ લોકોએ તાવ ન આવે તે માટે રસી મૂકાવવી જરૂરી છે. આ ઉપરાંત, તાવથી બચવાની સામાન્ય તકેદારી રાખવી જરૂરી છે.
જેમ કે,
- સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું,
- વારંવાર હાથ ધોવા,
- ઉધરસ કે છીંક યોગ્ય રીતે કરવી,
- તાવ આવ્યો હોય તો જાહેર સ્થળોની મુલાકાત ન લેવી.