Coming Up Wed 4:00 PM  AEST
Coming Up Live in 
Live
Gujarati radio

તમારી ભાષામાં COVID-19ની કઇ જાણકારી તમારે જાણવી જરૂરી છે

In Australia testing for COVID-19 is on the rise Source: Getty Images/LEREXIS

SBS દ્વારા તમને કોરોનાવાઇરસ (Covid-19) વિશે તમારી જ ભાષામાં સચોટ માહિતી મળી રહે તેવો પ્રયાસ કરાઇ રહ્યો છે. આ અહેવાલમાં સમુદાય માટે વાઇરસને લગતી તમામ જરૂરી માહિતી આપવામાં આવી છે.


ઘરે રહો, સુરક્ષિત રહો, જોડાયેલા રહો, જીવન બચાવો.


SBS દરેક રાજ્યોની માહિતી માટે અહીં ક્લિક કરો

નાણાકિય મુશ્કેલી

જો તમે નાણાકિય મુશ્કેલી અનુભવી રહ્યા હોય તો www.moneysmart.gov.au ની મુલાકાત લો અથવા નેશનલ ડેબ્ટ હેલ્પલાઇનનો 1800 007 007 પર સંપર્ક કરો.

જોબસિકર અને જોબકિપરની ચૂકવણી

જોબકિપર પેમેન્ટ માર્ચ 2021 સુધી લંબાવવામાં આવ્યું છે જ્યારે, જોબસિકર ડિસેમ્બર 2020 સુધી. આગામી મહિનાઓમાં સરકાર વર્ષ 2021 માટે જોબસિકરના આયોજનની જાહેરાત કરશે. 

સપ્ટેમ્બર 2020થી તેની ચૂકવણીમાં ઘટાડો કરવામાં આવશે. 

જોબસિકર

  • વર્તમાન સમયમાં - 1115 ડોલર
  • સપ્ટેમ્બર 2020થી - 815 ડોલર

સપ્ટેમ્બરના અંતથી પખવાડિયે 300 ડોલરની આવક સુધી જોબકિપર પેમેન્ટ મેળવી શકાશે, જેની મર્યાદા અગાઉ 106 ડોલર સુધીની હતી. 

4થી ઓગસ્ટથી બેરોજગારીના લાભ મેળવતી વ્યક્તિએ નાણાકિય સહાય પ્રાપ્ત કરવા માટે એમ્પલોમેન્ટ સર્વિસમાં નામ નોંધાવવું પડશે અને દર મહિને નોકરી માટે ચાર અરજી કરવી પડશે.

જોબકિપર

બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે, એક ફૂલ - ટાઇમ માટે અને બીજું, પાર્ટ - ટાઇમ કર્મચારીઓ માટે. 

ફૂલ ટાઇમ કર્મચારીઓની પખવાડિક ચૂકવણી - 

  • વર્તમાન - 1500 ડોલર
  • સપ્ટેમ્બર 2020થી - 1200 ડોલર
  • જાન્યુઆરી 2021થી - 1000 ડોલર

પાર્ટ - ટાઇમ કર્મચારીઓની પખવાડિક ચૂકવણી - 

  • વર્તમાન - 1500 ડોલર
  • સપ્ટેમ્બર 2020થી - 750 ડોલર
  • જાન્યુઆરી 2021થી - 650 ડોલર 

COVID-19 કેવી રીતે ફેલાય છે? 

COVID-19 એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.

• જે વ્યક્તિ COVID-19 થી સંક્રમિત હોય ત્યારે તેના નજીક આવવાથી અથવા લક્ષણો દેખાય તેના 24 કલાક અગાઉ સંપર્કમાં આવવાથી.
• જે વ્યક્તિને ચેપ લાગ્યો હોય અને તેને ખાંસી અથવા ઘણી છીંક આવતી હોય તેના સંપર્કમાં આવવાથી.
• સંક્રમિત વ્યક્તિએ અડકેલી કોઇ પણ વસ્તું (જેમ કે બારણાંનું હેન્ડલ, ટેબલ) બીજી કોઇ વ્યક્તિ અડકે તો ચેપ લાગી શકે છે.

ઓસ્ટ્રેલિયન સરકાર તમામ રહેવાસીઓને COVIDSafe ડાઉનલોડ કરવા માટે સલાહ આપે છે. વધુ વિગતો અહીં મેળવો. 

COVID-19 ના લક્ષણો શું છે?

કેન્દ્રીય સરકારની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, સામાન્ય તાવથી લઇને ન્યૂમોનિયા થવો તે કોરોનાવાઇરસના લક્ષણોમાં ગણાય છે.

COVID-19 ના લક્ષણો અન્ય સામાન્ય તાવ જેવા જ હોય છે જેમાં...

  • તાવ
  • શ્વવસનને લગતા લક્ષણો
  • ઉધરસ આવવી
  • ગળું સૂકાવું 
  • શ્વાસ લેવામાં તકલીફ થવી
  • અન્ય લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, માથું દુખવું, સ્નાયુંમાં દુખાવો, ઉબકા આવવા, ડાયેરીયા, ઉલ્ટી થવી, સૂંઘવાની શક્તિ ગુમાવવી, સ્વાદ પારખી ન શકવો, ભૂખ ન લાગવી અને થાક.

અધિકારીઓએ COVID19 Symptom Checker બનાવ્યું છે જેનો તમે ઘરમાં રહીને ઉપયોગ કરી શકો છો.

https://www.healthdirect.gov.au/symptom-checker/tool/basic-details

જો મને લક્ષણો જણાય તો મારે શું કરવું જોઇએ?

તમને ઓસ્ટ્રેલિયા આવ્યાના 14 દિવસની અંદર લક્ષણો જણાય તો અથવા જે વ્યક્તિને કોરોનાવાઇરસ થયો છે તેના સંપર્કમાં આવ્યાના 14 દિવસની અંદર તમારા ડોક્ટરને ફોન કરી સમય નક્કી કરો અથવા કોરોનાવાઇરસ નેશનલ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800020080 પર સંપર્ક કરો. દવાખાના કે હોસ્પિટલને તમારા લક્ષણો જણાવ્યા વિના તેમની મુલાકાત ન લો.

તમે પહોંચો તે અગાઉ ફોન પર, હોસ્પિટલના સ્ટાફને તમારી મુસાફરીની વિગતો આપો અથવા તમે જો કોઇ વ્યક્તિના નજીકના સંપર્કમાં આવ્યા હોય તેમની વિગતો આપો. જ્યાં સુધી તમને ડોક્ટર તમારી સામાન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે ન જણાવે ત્યાં સુધી તમારે ફરજીયાત રીતે ઘરમાં, હોટલમાં અથવા હોસ્પિટલમાં જ રહેવું જોઇએ.

જો તમારે કોઇની સાથે તમારા લક્ષણો વિશે વાત કરવી હોય તો, નેશનલ કોરોનાવાઇરસ હેલ્પલાઇનનો સલાહ માટે સંપર્ક કરો. લાઇન અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ચાલૂ રહે છે. 1800020080

ઓસ્ટ્રેલિયન સરકાર લોકોને જો ઓછાથી સામાન્ય કોરોનાવાઇરસના લક્ષણ (તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ગળું સૂકાવું અથવા થાક) હોય તે માટે દેશમાં ખાસ દવાખાના શરૂ કરી રહી છે.

તમારા રાજ્ય કે ટેરીટરીમાં આ પ્રકારના દવાખાના શરૂ કરવામાં આવ્યા છે કે કેમ અને તેની એપોઇન્ટમેન્ટ લેવાની પદ્ધતિ શું છે તે અહીં જાણો. 

જો આ પ્રકારની સર્વિસ તમારા વિસ્તારમાં ઉપલબ્ધ ન હોય તો, હેલ્થ ડીરેક્ટ અથવા તમારા રાજ્ય કે ટેરીટરી હેલ્થ ડીપાર્ટમેન્ટ વેબસાઇટની મુલાકાત લો અને ફીવર ક્લિનીક્સ તથા અન્ય ઉપલબ્ધ સર્વિસ વિશે માહિતી મેળવો. 

જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય અને મેડિકલ ઇમરજન્સીની જરૂરિયાત જણાય તો 000 પર સંપર્ક કરો.

0:00

શું મારો COVID-19 નો ટેસ્ટ થઇ શકે?

ઓસ્ટ્રેલિયન નેશનલ કેબિનેટે સામાન્ય તાવ ધરાવતા દેશના તમામ લોકોનો ટેસ્ટ કરીને ઝડપથી કોરોનાવાઇરસના પોઝીટીવ કેસ શોધવાની દિશામાં નિર્ણય લીધો છે.

વાઇરસની કેવી રીતે સારવાર કરાય છે?

કોરોનાવાઇરસની કોઇ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી પરંતુ મોટાભાગના લક્ષણોમાં સામાન્ય સારવાર કરવામાં આવે છે. એન્ટીબાયોટીક્સ આ વાઇરસ સામે કારગર નથી.

કઇ વ્યક્તિને આ વાઇરસનો ચેપ લાગી શકે છે?

જે કોઇ વ્યક્તિ ચેપગ્રસ્ત થઇ છે તે માંદી પડે તેવું જરૂરી નથી. કેટલાક લોકોમાં સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે જે આસાનીથી સ્વસ્થ થઇ શકે છે. કેટલાક લોકો ખૂબ જ માંદા પડી શકે છે, કોરોનાવાઇરસના ભૂતકાળના અનુભવના આધારે વાઇરસનો ગંભીર ચેપ આ લોકોને લાગવાની શક્યતા સૌથી વધુ છે....

  • 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના એબઓરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો કે જેમને લાંબા સમયથી જ કોઇ બિમારી હોય.
  • લાંબા સમયથી કોઇ બિમારી ધરાવતા 65 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો. નવા સબૂત મળશે તેમ “લાંબા સમયની બિમારી” ની વ્યાખ્યામાં સુધારો કરાશે.
  • 70 વર્ષ કે તેથી મોટી ઉંમરના લોકો
  • ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો

COVID-19 નો ફેલાવો કેવી રીતે અટકાવી શકાય?

યોગ્ય રીતે હાથ સાફ કરવા, ઉધરસ કે છીંક ખાતી વખતે તથા સામાન્ય સંજોગોમાં જો તાવ આવ્યો હોય તો અન્ય વ્યક્તિથી અંતર રાખવાથી વાઇરસનો ફેલાવો અટકે છે. તમારે...

  • જરૂરિયાત હોય તો જ ઘરમાંથી બહાર નીકળવું
  • 1.5 મીટર જેટલું સોશિયલ ડીસ્ટન્સિંગ રાખો અને 4 સ્ક્વેર મીટર દીઠ એક વ્યક્તિના નિયમનું પાલન કરો.
  • ખાદ્ય પદાર્થ આરોગતા પહેલા અને બાથરૂમનો ઉપયોગ કર્યા બાદ સાબૂ તથા પાણીથી તમારા હાથ વ્યવસ્થિત રીતે સાફ કરો.
  • ઉધરસ કે છીંક ખાતી વખતે રૂમાલનો ઉપયોગ કરો, ટીસ્યૂ વાપર્યા બાદ તરત ફેંકી દો, આલ્કોહોલયુક્ત સેનીટાઇઝર વાપરો.
  • જો તમે માંદા હોય તો, અન્ય વ્યક્તિઓ સાથે ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર રાખો.
  • જાતે જ પોતાની જવાબદારી સમજીને શક્ય હોય ત્યાં સુધી ઘરે જ રહો.

કોણે એકાંતમાં જવું પડશે?

(1) 15મી માર્ચ 2020થી જે કોઇ પણ વ્યક્તિ ઓસ્ટ્રેલિયા આવી છે અથવા જેમને લાગે છે કે તેઓ કોરોનાવાઇરસ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે તેમને 14 દિવસ સુધી જાતે જ એકાંતમાં રહેવું જરૂરી છે.

(2) 28મી માર્ચ 2020 મધ્યરાત્રિથી ઓસ્ટ્રેલિયા આવનારા તમામ લોકોને ફરજિયાત પણે 14 દિવસ સુધી નિયુક્ત કરવામાં આવેલી જગ્યામાં એકાંતવાસ પસાર કરવો પડશે. (દાખલા તરીકે, હોટલ).

મુસાફરોને ઇમિગ્રેશન, કસ્ટમ્સ અને આરોગ્યની ચકાસણી બાદ તરત જ નિયુક્ત કરવામાં આવેલી જગ્યાઓ પર મોકલી દેવામાં આવશે.

રાજ્ય અને ટેરીટરીની સરકારોના નિર્દેશ પ્રમાણે ADF અધિકારી એકાંતવાસમાં રહેતા ઓસ્ટ્રેલિયન્સના ઘરની મુલાકાતના પ્રયાસોમાં સ્થાનિક પોલિસને સહયોગ આપશે અને જે-તે વ્યક્તિ તેના ઘરે જ હતો કે કેમ તે અંગે સ્થાનિક પોલિસને માહિતી આપશે.

(3) જો તમારામાં કોરોનાવાઇરસનું નિદાન થયું હોય તો તમારે ઘરે જ રહેવું જરૂરી છે...

• જાહેર સ્થળો જેમ કે, ઓફિસ, સ્કૂલ, શોપિંગ સેન્ટર, ચાઇલ્ડ કેર અથવા યુનિવર્સિટીમાં ન જાઓ.
• કોઇને તમારા માટે કરિયાણું કે ખાર્દ્યપદાર્થો આપી જવા અને તેને ઘરના દરવાજા બહાર મૂકી જવા જણાવો
• બહારની કોઇ વ્યક્તિને ઘરમાં ન બોલાવો, સામાન્ય રીતે તમારી સાથે રહેતા પરિવારજનો જ ઘરમાં રહી શકે છે.

સોશિયલ ડિસ્ટન્સીંગ (social distancing)

સોશિયલ ડિસ્ટન્સીંગ દ્વારા કોરોનાવાઇરસ ફેલાતો અટકે છે. તમારી અને અન્ય વ્યક્તિ વચ્ચે જેટલું વધારે અંતર હશે તેટલો જ વાઇરસ ઓછો ફેલાશે.

જેમાં, કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ જો બારણાંનું હેન્ડલ અને ટેબલને સ્પર્શી હોય તો તે વસ્તુઓ તેના કફ અને છીંકથી સંક્રમિત થઇ શકે છે તેથી તે ચીજવસ્તુઓને અડવી નહીં. 

ઘરે રહેવું

નેશનલ કેબિનેટે તમામ ઓસ્ટ્રેલિયન્સને નીચેના કારણો સિવાય ઘરમાં જ રહેવાની સલાહ આપી છે,

  • ખાદ્ય પદાર્થો – જીવન જરૂરિયાતની વસ્તુની ખરીદી
  • મેડિકલ અથવા આરોગ્ય સાથે જોડાયેલી સર્વિસ, વ્યાજબી કારણોસર બહાર જઇ શકાય છે
  • લોકમેળાવડાના નિયમને ધ્યાનમાં રાખીને કસરત કરી શકાય
  • જો ઘરે બેસીને કાર્ય અથવા અભ્યાસ ન થાય તો તે કાર્યસ્થળ, શિક્ષણ સંસ્થાનમાં બહાર જઇ શકાય

શું હું એજ કેરમાં રહેતા મારા પરિવારજન કે મિત્રની મુલાકાત લઇ શકું?

જો તમને નિચેની બાબતો લાગૂ પડતી હોય તો એજ કેરની મુલાકાત ન લેવી જોઇએ...

  • છેલ્લા 14 દિવસમાં વિદેશથી આવ્યા હોય.
  • છેલ્લા 14 દિવસમાં કોરોનાવાઇરસ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય.
  • તાવના લક્ષણો હોય. (ઉધરસ, ગળું સૂકાવું, શ્વાસ લેવામાં તકલીફ જણાય)
  • 1લી મેથી તમારે એજ કેરની મુલાકાત લેવી હશે તો ઇન્ફ્લુએન્ઝાની રસી મૂકાવવી જરૂરી છે.

ધ્યાન રાખો, રાજ્યો અને ટેરીટરીની સરકારોના તેમના અધિકારક્ષેત્રોમાં પોતપોતાના નિયમો છે, જોકે, તે રાષ્ટ્રીય કેબિનેટે કરેલી ભલામણોને વિરોધાભાસી ન હોઇ શકે.

શું હું સર્જીકલ માસ્ક પહેરી શકું?

ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા કેટલાક રાજ્યો અને ટેરીટરીમાં લોકોને માસ્ક પહેવારની સલાહ આપવામાં આવી રહી છે. 

વિક્ટોરીયામાં ફેસમાસ્ક પહેરવું જરૂરી અથવા સલાહભર્યું છે. (તમે રાજ્યમાં ક્યાં રહો છો તેની પર નિર્ભર છે) રાજ્યમાં કોરોનાવાઇરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. https://www.dhhs.vic.gov.au/face-coverings-1159pm-wednesday-22-july

ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસીઓ જો કોરોનાવાઇરસના હોટસ્પોટ વિસ્તારમાં રહેતા હોય અને કાર્ય કરતા હોય અથવા જ્યાં શારીરિક અંતર જાળવવું શક્ય ન હોય ત્યાં તેમને ફેસમાસ્ક પહેરવા જણાવાઇ રહ્યું છે. 

માસ્કને તકેદારીના વધુ એક સ્વરૂપે ગણવામાં આવી રહ્યું છે. તમારે નીચેની બાબતો પણ અનુસરવી જરૂરી છે...

  • જો બિમારી હોય તો ઘરે જ રહેવું.
  • જાહેર સ્થળ પર અન્ય વ્યક્તિ સાથે 1.5 મીટરથી પણ વધુ અંતર રાખવું.
  • ભીડભાડ ધરાવતા ઇન્ડોર કે અન્ય સ્થળોની મુલાકાત ટાળવી.
  • હાથ અને શ્વસન સંબંધી ચોખ્ખાઇ રાખવી

જો તમારા રાજ્ય કે ટેરીટરીની પરિસ્થિતી બદલાય તો માસ્કને લગતા નિયમોમાં પણ ફેરફાર આવી શકે છે. તેથી જ, તમારા વિસ્તારની માહિતીથી અવગત રહેવું જરૂરી છે. તમારા રાજ્ય કે ટેરીટરીની સરકાર આ માર્ગદર્શન ઉપલબ્ધ કરાવે છે. 

https://www.health.gov.au/news/health-alerts/novel-coronavirus-2019-ncov-health-alert/how-to-protect-yourself-and-others-from-coronavirus-covid-19

ઓસ્ટ્રેલિયાથી બહાર જવાની કે આવવાની કાળજી

ઓસ્ટ્રેલિયન્સ બિનજરૂરી આંતરિક પ્રવાસ ન કરે. રાજ્યો અને ટેરીટરી તેમના પોતાના પ્રતિબંધો લાગૂ કરી શકે છે, જેમાં તેઓ રાજ્યોની સરહદ બંધ કરવાનો નિર્ણય લઇ શકે છે.

જાહેર વાહન વ્યવહાર

જાહેર વાહન વ્યવહાર એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર રાજ્યો અને ટેરીટરી સરકારની જવાબદારી છે. અને, નેશનલ કેબિનેટે તેમાં મુસાફરી કરનારા લોકો તથા કાર્ય કરતા કર્મચારીઓના આરોગ્યની સલામતી માટે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. જેમાં, માંદગી હોય તો મુસાફરી ન કરવી, ડ્રાઇવર અને અન્ય પેસેન્જર સાથે શારીરિક અંતર રાખવું અને રોકડ નાણાને અડવું નહીં. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ પહેરવું હિતાવહ છે. કોરોનાવાઇરસ દરમિયાન પબ્લિક ટ્રાન્સપોર્ટ વિશેના મહત્વના દિશાનિર્દેશ અહીંથી મળશે -

https://www.infrastructure.gov.au/transport/files/COVID19_public_transport_principles_29052020.pdf

આંતરરાષ્ટ્રીય મુસાફરી

ઓસ્ટ્રેલિયા આવનારા તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો તેમની રાષ્ટ્રીયતા કે તેમના ઉદ્દગમ સ્થાનને ધ્યાનમાં લીધા વિના, નક્કી કરવામાં આવેલા સ્થાનો પર 14 દિવસ સુધી એકાંતવાસમાં રહ્યા બાદ જ પોતાના ઘરે જઇ શકે છે.

ઓસ્ટ્રેલિયાના આવનારા દરેક મુસાફરનો ક્વોરન્ટાઇનની શરૂઆત અને અંતમાં કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવામાં આવશે.

તમારે ક્વોરન્ટાઇનનો ખર્ચ પણ ઉઠાવવો પડશે. આ નિયમ રાજ્યો અને ટેરીટરીની સરકાર દ્વારા સંચાલિત થાય છે. 

ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સ કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે વિદેશ પ્રવાસ કરી શકતા નથી.

જોકે, તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. જોકે, તે માટે નીચેનામાંથી કોઇ પણ એક બાબત તમને લાગૂ પડતી હોવી જોઇએ.

  • તમારો પ્રવાસ કોરોનાવાઇરસ મહામારીને લગતી પ્રવૃત્તિ કે સહાયતોનો એક ભાગ હોય.
  • તમારો પ્રવાસ જરૂરિયાત ધરાવતા ઉદ્યોગ અને વેપાર (આયાત અને નિકાસ કરતા ઉદ્યોગ) ને લગતો હોય.
  • તમે ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ ન હોય તેવી આરોગ્યની સારવાર લેવા માટે વિદેશ જતા હોય.
  • તમે અનિવાર્ય અને અતિ આવશ્યક વ્યક્તિગત વેપાર – ઉદ્યોગ માટે પ્રવાસ કરો.
  • દયા અથવા માનવતાના આધારે.
  • દેશહિતમાં કરવામાં આવતો પ્રવાસ.

ટ્રાન્ઝિસ્ટ હબ્સ

પ્રવાસને લગતા નિયમો ઝડપથી બદલાઇ રહ્યા છે, જો તમે ઓસ્ટ્રેલિયા પરત આવવાનું નક્કી કરી લીધું હોય તો,

  • તમારા પ્રવાસનો રસ્તો તપાસી લો અને એરલાઇન તથા ટ્રાવેલ એજન્ટના સંપર્કમાં રહો.
  • ટ્રાન્ઝિસ્ટ એરપોર્ટ્સ તથા સરકારી સંસ્થાઓ દ્વારા આપવામાં આવતી સૂચના પર ધ્યાન રાખો.
  • જે-તે દેશમાંથી પસાર થઇ રહ્યા છો તે દેશની પ્રવેશ અને બહાર જવાની શરતો વિશે કંઇ મૂંઝવણ હોય તો નજીકની એમ્બેસી તથા કોન્સ્યુલેટનો સંપર્ક કરો.

વધુ માહિતી માટે www.smartraveller.gov.au ની મુલાકાત લો

ઓસ્ટ્રેલિયન સરકાર કેવી રીતે નિયંત્રીત કરી રહી છે?

વડાપ્રધાને Emergency Response Plan for Novel Coronavirus (COVID-19) અમલમાં મૂક્યો છે.

ઓસ્ટ્રેલિયાના ગવર્નર જનરલે હ્યુમન બાયોસિક્યોરીટી ઇમરજન્સીની અવધિને ત્રણ મહિના લંબાવીને 17મી જૂનથી 17 સપ્ટેમ્બર સુધી કરી છે. 

વિજળી, પાણી જેવી બાબતોમાં સહાય

જે ઘરો અને નાના વેપારો વર્તમાન સમયમાં તેમના બિલ ભરવા અક્ષમ હોય તેમના માટે સરકારે વિવિધ નિર્ણયો લીધા છે.

  • નાણાકિય મુશ્કેલીનો સામનો કરતા લોકોના ઘરનો સપ્લાય બંધ ન કરવો.
  • આપેલી લોન પરત મેળવવાની પ્રક્રિયા તથા ક્રેડિટ ડિફૉલ્ટ રેટીંગ હાલ મુલતવી રાખવી
  • મોડી ભરવામાં આવેલી ફી અથવા દેવા પર લેવામાં આવતા વ્યાજને મુલતવી રાખવું
  • મહત્વપૂર્ણ સર્વિસમાં નક્કી કરેલો કાંપ ઓછો કરવો
  • જે લોકો પોતાના બિલ ભરવા માટે સક્ષમ હોય તેમણે પોતાના બિલ ભરવા. જેથી, વિવિધ પ્રકારની સર્વિસ આપતી કંપનીઓ કોઇ પણ મુશ્કેલી વિના પોતાની સર્વિસ ચાલૂ રાખી શકે.

કેટલાક વિસાધારકોને છૂટછાટ

વર્કિંગ હોલિડે વિસાધારકો: એક જ વ્યવસાય સાથે છ મહિનાની નોકરીમાં છૂટછાટ. જો તેઓ જરૂરિયાત ધરાવતી શ્રેણી એટલે કે આરોગ્ય, એજ કેર, ડિસેબિલીટી કેર, ચાઇલ્ડકેર, એગ્રિકલ્ચર અને ફૂડ જેવા વ્યવસાયોમાં કાર્ય કરતા હોય અને તેમના વિસા આગામી છ મહિનામાં પૂરા થતા હોય તો તેઓ વિસા લંબાવવા માટે લાયક છે.

સિઝનલ વર્કર પ્રોગ્રામ અને પેસિફીક લેબર સ્કીમધારકો તેમના વિસા એક વર્ષ સુધી લંબાવી શકે છે.

ટેમ્પરરી સ્કીલ્ડ વિસાધારકો: જે ટેમ્પરરી એમ્પલોયર સ્પોન્સર્ડ વિસાધારકો, જેમ કે 457, 482 હેઠળ ઓસ્ટ્રેલિયામાં છે અને તેમણે નોકરી ગુમાવી દીધી છે. તેમણે 60 દિવસની અંદર અન્ય સ્પોન્સર શોધવો પડશે અથવા ઓસ્ટ્રેલિયા છોડવું પડશે.

જેમની નોકરી હાલમાં બંધ છે પરંતુ તેમને નોકરીમાંથી છૂટા નથી કર્યા અથવા જેમના કામના કલાકો ઓછા થયા છે. તેમણે વિસાની શરતનો ભંગ કર્યો છે તેમ ગણાશે નહીં. તેઓ આ નાણાકિય વર્ષ દરમિયાન 10,000 ડોલર સુધીનું સુપરએન્યુએશન ઉપાડી શકે છે.

આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ

  • જેમની પાસે નોકરી છે તેઓ ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે. જો તેમની પાસે નોકરી, પરિવારનો સહયોગ કે નાણાકિય બચત નથી, તેઓ અન્ય વ્યવસ્થા અંગે વિચારી શકે છે.
  • એજ કેર અથવા નર્સ તરીકે કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના અઠવાડિયાના 20 કલાકની મર્યાદાથી વધુ કાર્ય કરી શકે છે.
  • જો તેઓ 12 કે તેથી વધુ મહિનાથી ઓસ્ટ્રેલિયામાં હશે તો તેઓ સુપરએન્યુએશન ફંડમાંથી ઉપાડ કરી શકે છે.
  • વિક્ટોરીયામાં, રાજ્ય સરકારના ઇમરજન્સી સપોર્ટ પેકેજ અંતર્ગત હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 1100 ડોલર સુધીનું રાહત પેકેજ મેળવવાને પાત્ર છે.

પ્રવાસીઓ - જે પ્રવાસીઓ પાસે પરિવારનો સહયોગ પ્રાપ્ત નથી તેમણે વતન પરત ફરવું જોઇએ.

માનસિક આરોગ્ય માટે સહાયતા

કોરોનાવાઇરસની મહામારીના બીજા તબક્કામાં જે વિસ્તારોને અસર પડી છે તે વિસ્તારમાં રહેતા લોકો માટે સરકારે સબ્સિડી ધરાવતા 10 મેડિકેર સાઇકોલોજીકલ થેરાપી સત્રની જાહેરાત કરી છે. 

સાઇકોલોજીસ્ટ, મનોચિકીત્સક, GP  અને અન્ય આરોગ્ય અધિકારી પાસેથી તેમના માનસિક સ્વાસ્થ્યને લગતી સેવા યથાવત રાખવા માટે લોકોને મેન્ટલ હેલ્થ ટ્રીટમેન્ટ પ્લાન https://www.healthdirect.gov.au/mental-health-care-plan અને GP ની સમીક્ષા જરૂરી છે. 

સરકારના ડીઝીટલ મેન્ટલ હેલ્થ પોર્ટલ (www.headtohealth.gov.au), પરથી કોરોનાવાઇરસ દરમિયાન એકાંતવાસમાં કેવી રીતે માનસિક આરોગ્ય જાળવવું તે વિશેની માહિતી અને માર્ગદર્શન સહિતની માહિતી મળી રહે છે. આ ઉપરાંત, બાળકો, પરિવારજનોની સાર-સંભાળ અને માનસિક આરોગ્યને લગતી સર્વિસનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ માહિતી મળી રહેશે.


 

સરકારી માહિતી


ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.

https://www.sbs.com.au/language/english/how-australia-s-states-and-territories-are-relaxing-coronavirus-restrictions

જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.

સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.