ન્યૂ સાઉથ વેલ્સના સિડની અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતીનું નિર્માણ થયું છે.
છેલ્લા 20 વર્ષમાં પડેલા ભયાનક વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરના પાણી ભરાઇ ગયા છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં પણ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે.
ભારે વરસાદના કારણે નોર્થ સિડનીના નારાબીન લાગૂન વિસ્તારના રહેવાસીઓને રવિવારે સાંજે સુરક્ષિત સ્થાને પહોંચવા માટે જણાવાયું હતું.
વિવિધ નદીઓમાં પાણીનું સ્તર ભયજનક સપાટી વટાવી ગયું
સિડનીના નોર્થ રીચમંડ, વિન્ડસર અને હોક્સબરી નદીમાં રવિવારે રાત્રે પૂરની સ્થિતીનું નિર્માણ થયું હતું જોકે હવે તે નદીઓમાં જળસ્તર ઘટી ગયું છે.
નેપીયન નદીમાં પાણીના સ્તરમાં વધારો થયો છે જ્યારે અપર કોક્સ અને મેકડોનાલ્ડ નદીમાં પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.
Image
રાજ્યની 60 સ્કૂલ બંધ
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ન્યૂ સાઉથ વેલ્સમાં 60 સ્કૂલને સોમવારે બંધ રાખવામાં આવી હતી. તથા, રાજ્યની ઇમરજન્સી સર્વિસે લોકોને શક્ય હોય તો ઘરે જ રહેવા માટે અપીલ કરી હતી.
બીજી તરફ, સિડનીમાં વરસાદના કારણે રેલ વ્યવહાર અને ફેરી સર્વિસને પણ અસર પહોંચી હતી.
પૂરમાં કાર તણાઇ, તપાસ શરૂ
મળતી માહિતી પ્રમાણે, સિડનીમાં પડેલા ભારે વરસાદમાં ગેલસ્ટોન વિસ્તારમાં કાર તણાઇ જતા એક વ્યક્તિ ગૂમ થઇ છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ ફોર્સના જણાવ્યા મુજબ હોર્ન્સબરી વિસ્તારમાં પૂરના પાણીમાં રવિવારે સાંજે કાર તણાઇ ગઇ છે જેમાં રહેલા એક વ્યક્તિને શોધવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
વૃક્ષ ધરાશાયી, કાર અકસ્માત
છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સિડનીના વિવિધ વિસ્તારોમાં ઘર અને કાર પર વૃક્ષ પડી જવાના તથા કાર અકસ્માતના બનાવો નોંધાયા છે. તેમ ન્યૂ સાઉથ વેલ્સ એમ્બ્યુલન્સના પ્રવક્તા જાઇલ બુચાનને જણાવ્યું હતું.
150,000 ઘરોમાં વિજળી બંધ
સિડની અને તેની આસપાસના લગભગ 150,000 ઘરોમાં રવિવાર રાત્રીથી વિજળી બંધ થઇ જવાના સમાચાર મળ્યા છે. હોર્ન્સબરી અને સેન્ટ્રલ કોસ્ટ વિસ્તારના આશરે 13,000 ઘરોમાં વિજળી સપ્લાય ફરીથી શરૂ કરવામાં સફળતા મળી છે.
Share


