ચીનના વુહાન શહેરમાં ફસાયેલા 243 જેટલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સને લેવા ગયેલી ફ્લાઇટને 14 કલાકની જહેમત બાદ ઉડાન ભરવા અંગે મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં જીવલેણ કોરોનાવાઇરસનો ઉદ્ભભવ થયો છે અને આ ચેપી રોગ વિશ્વના વિવિધ દેશોમાં ફેલાઇ રહ્યો છે. જેના પગલે ઓસ્ટ્રેલિયન સરકારે ચીનમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડેન્ટ્સને બચાવવા માટે ખાસ વિમાન ચીનના વુહાન શહેરમાં મોકલ્યું હતું.
ઓસ્ટ્રેલિયા પરત આવવા માંગતા લોકોને રવિવારે સાંજે 6 વાગ્યે એરપોર્ટ પર આવવા માટે જણાવાયું હતું જોકે સોમવાર સવાર સુધી વિમાનને ઉડવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
વિદેશ મંત્રી મેરિસ પાયનેએ જણાવ્યું હતું કે ચીનની સરકારે આખરે વિમાનને વુહાન છોડવાની મંજૂરી આપી દીધી છે.

Passengers wearing a protective masks on arrival at Sydney International Airport in Sydney. Source: AAP Image/ Joel Carrett
ઓસ્ટ્રેલિયન્સને ઉગારવા માટે ગયેલા ક્વોન્ટાસના વિમાનમાં માસ્ક, ગ્લોવ્સ અને આરોગ્યને લગતી સામગ્રીઓ પણ લઇ જવામાં આવી હતી.
વુહાનથી ઉડાન ભરેલા વિમાનને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા લઇ જવાશે ત્યાર બાદ તેમને મિલીટ્રીના વિમાનમાં ક્રિસમસ આઇલેન્ડમાં મોકલવામાં આવશે જ્યાં તેમને 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ પાબંધી જાતિવાદ નથી
હાલમાં જ ઓસ્ટ્રેલિયન સરકારે નિવેદન આપ્યું હતું કે જે પ્રવાસીઓ ચીનથી ઓસ્ટ્રેલિયા આવતા હશે તેમને ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
ત્યાર બાદ 71 જેટલા પ્રવાસીઓને ઓસ્ટ્રેલિયા આવતા વિમાનમાં બેસવા દેવામાં આવ્યા નહોતા અને 12 જેટલા વિમાનો રદ કરવામાં આવ્યા હતા.

Passengers arriving at airport wearing masks Source: EPA
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન નાગરિક, પર્મેનન્ટ રેસીડેન્ટ્સ, તેમના પરિવારજનો અને માતા-પિતાને જ ઓસ્ટ્રેલિયા આવવાની છૂટ આપવામાં આવી છે.
સેનેટર પાયનેએ આ મુદ્દે જણાવ્યું હતું કે ચીનથી ઓસ્ટ્રેલિયા આવતા લોકોને રોકવા એ જાતિવાદનો ભાગ નથી. દેશના નાગરિકોની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ ન થાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
ક્રૂ મેમ્બર્સ પણ સાવચેતી રાખશે
ચીનમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લેવા માટે ગયેલા ક્વોન્ટાસ વિમાનના તમામ ક્રૂ મેમ્બર્સ વોલન્ટિયર્સ છે.
ક્વોન્ટાસના ચીફ એક્સીક્યુટીવ એલન જોયસે જણાવ્યું હતું કે તમામ ક્રૂ મેમ્બર્સ ફ્લાઇટ દરમિયાન સાવચેતી રાખસે.
પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સ વચ્ચે વધારે સંપર્ક ન થાય તે માટે પેસેન્જર્સને ઓછી માત્રામાં સર્વિસ અને ખોરાક આપવામાં આવશે.

Qantas air plane Source: pexels.com/Pascal Renet
વિમાનની સફાઇ થશે
ક્વોન્ટાસના ખાસ વિમાન કે જેના દ્વારા વુહાનમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને પરત લાવવામાં આવી રહ્યા છે તેના તમામ ક્રૂ મેમ્બર્સને માસ્ક, ગ્લોવ્સ અને અન્ય રક્ષાત્મક સાધન સામગ્રી આપવામાં આવી છે.
આ ઉપરાંત એક્સમાઉથ મિલીટ્રી બેસ ખાતે ઊતરાણ બાદ વિમાન સિડની પરત ફરશે જ્યાં તેની સંપૂર્ણ સફાઇ કરવામાં આવશે.
વિમાનના ઓશીકા, તકીયા, સીટ સહિતના ઉપકરણોને એક ખાસ ટીમ દ્વારા સાફ કરવામાં આવશે.