વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના કેસ વધતા રાજ્ય સરકારને વાઇરસના પ્રતિબંધો ફરીથી લાગૂ કરવાની ફરજ પડી છે.
શનિવારે રાજ્યમાં 25 નવા કેસ નોંધાયા હતા જ્યારે રવિવારે 19 નવા કેસ સામે આવતા રાજ્ય સરકારે વધુ પ્રતિબંધો યથાવત્ રાખવાનો નિર્ણય લીધો છે.
વિક્ટોરીયા રાજ્યમાં 19મી જુલાઇ સુધી ઇમરજન્સી ચાલૂ રહેશે.
વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના પ્રતિબંધો
- વિક્ટોરીયા રાજ્યમાં રવિવાર 21મી જૂન મધ્યરાત્રિથી, મહત્તમ 5 લોકોને અન્ય ઘરની મુલાકાતની પરવાનગી આપવામાં આવી છે.
- આઉટડોર મેળાવડામાં 20 લોકોની સંખ્યા ઘટાડીને 10 કરી દેવામાં આવી છે.
- રેસ્ટોરન્ટ્સ, કેફે અને પબમાં 20 લોકોની પરવાનગી
- કમ્યુનિટી હોલ, ગેલેરી, મ્યુઝીયમ, લાઇબ્રેરીમાં 20 લોકોની પરવાનગી
- આલ્કોહોલ અને ખાદ્યસામગ્રી પીરસતા બાર, ક્લબ, નાઇટક્લબ્સમાં 20 લોકોને બેસવાની મંજૂરી
- સ્કી સિઝન અને રહેવાની સુવિધા શરૂ થઇ શકશે પરંતુ વાઇરસની ચકાસણી અને તેને રોકવા માટેના પગલાં લેવા જરૂરી

Source: AAP
- ઇન્ડોર સિનેમા, થિયેટર અને કોન્સર્ટના સ્થળોમાં મહત્તમ 20 લોકોની મંજૂરી
- ધાર્મિક પ્રવૃત્તિ દરમિયાન 20 લોકોની પરવાનગી
- ઘર અને રીયલ એસ્ટેટની હરાજીમાં 20 લોકોની મંજૂરી
- સ્કૂલ કેમ્પ શરૂ થઇ શકશે
- પ્રવાસન સ્થળો પર કેમ્પિંગની પરવાનગી
- જીમ, ઇન્ડોર સ્પોર્ટ્સ સેન્ટર જેવા સ્થળો પર 20 લોકોની પરવાનગી
- સ્વિમીંગ પૂલમાં ચેન્જ રૂમ, શાવરની સુવિધા શરૂ કરી શકાશે
આ ઉપરાંત, રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે, જ્યાં વાઇરસનું સંક્રમણ સૌથી વધુ થઇ રહ્યું છે તેવા કેટલાક ચોક્કસ વિસ્તારમાં મુસાફરી પણ પ્રતિબંધિત થઇ શકે છે.
તેમણે શક્ય હોય તો 31મી જુલાઇ સુધી લોકોને ઘરેથી જ કાર્ય કરવા માટે પણ વિનંતી કરી હતી.
1500 ડોલરની સહાયતા
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે રાજ્યમાં કોરોનાવાઇરસના વધતા કેસ રોકવા માટે વિવિધ પ્રતિબંધો અમલમાં મૂકવાની સાથે 1500 ડોલરના સહાયતા પેકેજની પણ જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને બિમારીના કારણે ઘરે જ આરામ કરવાની ફરજ પડી છે તેમને નાણાકિય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે 1500 ડોલરની સહાયતા કરવામાં આવશે.
સૌથી વધુ પ્રભાવિત વિસ્તારની મુલાકાતથી બચો
ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રોટેક્શન પ્રિન્સિપાલ કમિટીએ કોરોનાવાઇરસથી સૌથી વધુ પ્રભાવિત વિક્ટોરીયાના કેટલાક વિસ્તારોની મુલાકાત ન લેવાની સલાહ આપી છે.
વિક્ટોરીયન સરકારે કોરોનાવાઇરસના સૌથી વધુ જોખમી વિસ્તારોમા હ્યુમ, કેસી, બ્રિમબેન્ક, મોરલેન્ડ, કાર્ડિનીયા અને ડારેબિન વિસ્તારનો સમાવેશ કર્યો છે. અને, આ વિસ્તારોની મુલાકાત ન લેવા અંગે જણાવ્યું છે.

A map showing the coronavirus hotspots in Victoria as identified by the state's health department. Source: Victorian Department Of Health And Human Services
સાઉથ ઓસ્ટ્રેલિયા વિક્ટોરીયા સાથેની બોર્ડર બંધ રાખશે
સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યની સરકારે વિક્ટોરીયા સાથેની તેમની બોર્ડર રાજ્યના રહેવાસીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
સાઉથ ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી સ્ટીફન વેડે જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતી સામાન્ય નહીં થાય ત્યાં સુધી વિક્ટોરીયા રાજ્ય સાથેની બોર્ડર બંધ રહેશે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના રહેવાસીઓના આરોગ્યની જાળવણી તેમની પ્રાથમિકતા છે.
મેલ્બર્નની મુલાકાત બાદ ક્વોરન્ટાઇન જરૂરી
ક્વિન્સલેન્ડ સરકારે મેટ્રોપોલિટન મેલ્બર્નને સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. કોઇ પણ વ્યક્તિ તે વિસ્તારની મુલાકાત બાદ ક્વિન્સલેન્ડ રાજ્યમાં પ્રવેશશે તો તેણે 14 દિવસ ક્વોરન્ટાઇનમાં પસાર કરવા પડશે, તેમ ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્ય અને ટેરીટરીમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો વિશે જાણો.
કોરોનાવાઇરસનો ટેસ્ટ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ છે જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
કેન્દ્રીય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી કોરોનાવાઇરસ ટ્રેસિંગ એપ COVIDSafe તમારા ફોનના એપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે.
SBS ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોને કોરોનાવાઇરસ વિશેની તમામ માહિતી આપવા માટે કટિબદ્ધ છે. સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.