બોલિવૂડના અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે રવિવારે મુંબઇ ખાતેના પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી હતી. મુંબઇ પોલિસના જણાવ્યા પ્રમાણે, 34 વર્ષીય અભિનેતા સુશાંતના નોકરને સૌપ્રથમ ઘટનાની ખબર પડી હતી.
જોકે, તેની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી પરંતુ તે ડિપ્રેશનથી પીડાતો હતો તેમ મનાય છે.
કાઇપો છે પ્રથમ ફિલ્મ
21 જાન્યુઆરી 1986ના રોજ બિહારના પટણામાં જન્મેલા સુશાંતે ગુજરાતમાં બનેલી વિવિધ ઘટનાઓ પર આધારિત ફિલ્મ – કાઇપો છેથી બોલિવૂડની શરૂઆત કરી હતી. તેણે ત્યાર બાદ, એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરી તથા છીછોરે જેવી સુપરહિમ ફિલ્મ્સમાં પણ મુખ્ય ભૂમિકા અદા કરી હતી.
સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાના સમાચાર મળ્યા બાદ રાજનેતા, અભિનેતા, ક્રિકેટર્સ તથા જાણિતી હસ્તીઓએ ઉંડા આઘાત અને શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી
માનસિક તણાવથી પીડાતા હોય તો વાત કરવી જરૂરી
અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતની આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ તે છેલ્લા કેટલાક મહિનાઓથી માનસિક તણાવથી પીડાતો હોવાનું મનાય છે. તેની આત્મહત્યા બાદ જે લોકો માનસિક તણાવથી પીડાતા હોય તેમને તેમના નજીકના લોકો, સંબંધી, કે મિત્રો સાથે વાત કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
બોલિવૂડના જાણિતા અભિનેતા અનિલ કપૂરે સુશાંત સિંઘની આત્મહત્યા બાદ ટ્વિટર પર એક સંદેશો આપતા જણાવ્યું છે કે, જે લોકો આ પ્રકારની પરેશાનીનો સામનો કરતા હોય તેમણે સંબંધી કે મિત્રો સાથે પોતાની પરેશાની વહેંચી તેમની ચિંતા જણાવવી જોઇએ.
બીજી તરફ અભિનેત્રી દીપિકા પાદુકોણે પણ ટ્વિટરના માધ્યમથી માનસિક તાણનો સામનો કરતા લોકોને મદદ મેળવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, વાત કરો, સંવાદ કરી તમારી મુશ્કેલી વહેંચો અને મદદ મેળવો.
તેણે લોકોને એકલતા નહીં અનુભવીને એકબીજાનો સાથ મેળવી અને યોગ્ય ઉકેલ લાવવાની આશા વ્યક્ત કરી હતી.
માનસિક તણાવનો સામનો કરતા હોય તો ઓસ્ટ્રેલિયામાં વિવિધ પ્રકારની સર્વિસ ઉપલબ્ધ
ઓસ્ટ્રેલિયામાં માનસિક તણાવ કે એકલતાનો સામનો કરતા હોય તેવા લોકો માટે વિવિધ પ્રકારની સર્વિસ ઉપલબ્ધ છે. વિવિધ સંસ્થાનો સંપર્ક કરી તેમની સર્વિસનો લાભ લઇ શકાય છે.
જે કોઇ પણ વ્યક્તિ માનસિક તણાવનો સામનો કરતી હોય તેઓ તેમના ડોક્ટરની મદદ લઇ શકે છે. આ ઉપરાંત, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા આવેલી માઇગ્રન્ટ વ્યક્તિને ભાષા તથા સંસ્કૃતિના કારણે ઓસ્ટ્રેલિયન સમાજમાં ભળવામાં મુશ્કેલી પડી રહી હોય તો તે તેમના સ્થાનિક રીસોર્સ સેન્ટરનો સંપર્ક કરી મદદ મેળવી શકે છે.
1300 22 4636 હેલ્પલાઇન પર beyondblue નો સંપર્ક કરી શકાય છે. અથવા, 13 11 14 પર Lifelineનો સંપર્ક કરી મદદ મેળવી શકાય છે. Lifeline એ અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ઉપલબ્ધ સર્વિસ છે.
અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ન હોય તો 13 14 50 પર સંપર્ક કરી અનુવાદકની સર્વિસ મેળવી શકાય છે.