ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના સિડની શહેરમાં કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા ફરીથી કેટલાક પ્રતિબંધો અમલમાં આવી રહ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના કેસમાં વધારો થતા હવે પબ અને હોટલ જેવા ઇન્ડોર સ્થળો પર 300થી વધુ લોકો એકઠાં થઇ શકશે નહીં તથા મહત્તમ 10 લોકોનું જ ગ્રૂપ બુકિંગ કરી શકાશે.
આ ઉપરાંત, પબ અને હોટલે કોવિડ-19 સેફપ્લાન અમલમાં મૂકી મુલાકાત લેતા ગ્રાહકોની વિગતો નોંધવી પડશે.
જે સ્થળની ક્ષમતા 250 લોકોથી વધુ હશે તેમણે સમગ્ર સમય માર્શલ તહેનાત કરવો પડશે જે કોવિડ-19ના નિયમોનું પાલન સુનિશ્ચિત કરશે.
આ તમામ ફેરફારો સોમવારે રાત્રે યોજાયેલી સરકારના મંત્રીઓની મિટીંગમાં નક્કી કરવામાં આવ્યા હતા.
નવા ફેરફારો ક્લબ્સ, રેસ્ટોરન્ટ્સ અને ધ સ્ટાર કેસિનોને લાગૂ પડતા નથી.

NSW Premier Gladys Berejiklian looks on during a press conference in Sydney, Sunday, July 12, 2020. Source: AAP
27 જૂનથી 10 જુલાઇ વચ્ચે સંક્રમણ વધ્યાનું અનુમાન
ન્યૂ સાઉથ વેલ્સના ચીફ આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે અનુમાન લગાવ્યું હતું કે 27મી જૂનથી 10મી જુલાઇ દરમિયાન સિડનીમાં વાઇરસનું સંક્રમણ ફેલાયું હશે.
ન્યૂ સાઉથ વેલ્સમાં નવા નોંધાયેલા કેસમાંથી 10 કેસ ક્રોસરોડ્સ હોટલ સાથે સંકળાયેલા છે અને તમામ દક્ષિણ-પશ્ચિમ સિડનીના રહેવાસી છે.
ક્રોસરોડ્સ હોટલ સાથે સંકળાયેલા 28 કેસમાંથી 14 લોકોએ હોટલના પબની મુલાકાત લીધી હતી જ્યારે અન્ય કેસ સામુદાયિક સંક્રમણના કારણે નોંધાયા છે.
કસ્યુલા ખાતે આવેલી ક્રોસરોડ્સ હોટલ ટ્રક ડ્રાઇવર્સ અને સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે.
ડો કેરી ચેન્ટે જણાવ્યું હતું કે, હોટલમાં કોરોનાવાઇરસનો કેસ ક્યાંથી આવ્યો તે નક્કી નથી થઇ શક્યું પરંતુ, અનુમાન પ્રમાણે, મેલ્બર્નથી આવેલા મુલાકાતી દ્વારા તેનો ફેલાવો થયો હશે.
હોટલની મુલાકાત લીધી હોય તો ટેસ્ટ જરૂરી
રાજ્યના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, જો કોઇ વ્યક્તિએ હોટલન મુલાકાત લીધી હોય અને ત્યાં તેમની સંપર્કની વિગતો ન નોંધી હોય તો તેમણે ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તેમનો કોરોનાવાઇરસનો ટેસ્ટ નેગેટીવ આવે તો પણ તેમણે 14 દિવસ સેલ્ફ આઇસોલેટ થવું જરૂરી છે.
ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, જે લોકો ક્રોસરોડ્સ હોટલની મુલાકાતથી સંક્રમિત થયા હતા તેઓ સ્ટાર સિટી કેસિનો, પ્લેનેટ ફિટનેસ નામના સ્થાનિક જીમ તથા કેન્ટરબરી લીગ્સ ક્લબ અને વિલાવૂડ ખાતેના ઝોન બોલિંગની મુલાકાતે ગયા હતા.
જો તમે 3થી 10 જુલાઇ દરમિયાન કસ્યૂલા ખાતેની ક્રોસરોડ્સ હોટલ અથવા 4,5,9 કે 10 જુલાઇએ પીક્ટન હોટલની મુલાકાતે ગયા હોય તો તાત્કાલિક ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમારામાં કોઇ લક્ષણ ન જણાય તો પણ સેલ્ફ આઇસોલેટ થઇ એજ કેરની સુવિધાથી દૂર રહેવું જરૂરી છે.
કોરોનાવાઇરસનું સંક્રમણ ધરાવતા લોકોએ આ જાહેર સ્થળોની મુલાકાત લીધી હોવાનું મનાય છે.
- ધ સ્ટાર કેસિનો – 4થી જુલાઇ
- ધ કેન્ટરબરી લીગ્સ ક્લબ – 4થી જુલાઇ
- પ્લેનેટ ફિટનેસ કસ્યૂલા જીમ – 6થી 10 જુલાઇ
- નારેલાન ટાઉન સેન્ટર – 6 જુલાઇ
- ઝોન બોલિંગ વિલાવૂડ – 27 જૂન
પીક્ટન પાસે આવેલી ફાર્મસીની દુકાનમાં વીકેન્ડ દરમિયાન નોકરી કરતા કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન થયું છે.
આ ઉપરાંત, કસ્યૂલા મોલ ખાતે કેમાર્ટ સ્ટોરના કર્મચારીમાં પણ વાઇરસનું નિદાન થતા સ્ટોરને સાફ સફાઇ માટે બંધ કરાયો છે અને તમામ સહ-કર્મચારીઓને સેલ્ફ આઇસોલેશન કરવા જણાવાયું છે.
સિડનીના આ વિસ્તારની મુલાકાત લેનારા લોકો ક્વિન્સલેન્ડ નહીં જઇ શકે
ક્વિન્સલેન્ડ સરકારે સિડનીના લિવરપુલ અને કેમ્પબેલટાઉન વિસ્તારને કોરોનાવાઇરસના હોટસ્પોટ્સ જાહેર કર્યા છે.
ક્વિન્સલેન્ડ સિવાયના અન્ય લોકોએ જો કેમ્પબેલટાઉન અને લિવરપુલ સિટીના વિસ્તારોની મુલાકાત લીધી હશે તો તેમને મંગળવાર બપોરથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશ મળશે નહીં.
બીજી તરફ, સાઉથ ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર સ્ટીવન માર્શલે જાહેર કર્યું હતું કે, કોરોનાવાઇરસના વધતા ભયને ધ્યાનમાં રાખીને આગામી અઠવાડિયાથી ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાંથી રાજ્યમાં પ્રવેશવા અંગેના પ્રતિબંધો હળવા કરાશે નહીં.