કોઇ પણ માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયા આવે છે ત્યારે તેઓ આ દેશના નાગરિક બનવાની ઇચ્છા ધરાવતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયન નાગરિક બનવાની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
વર્ષ 2018-19ના આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં કાયમી વસવાટની માન્યતા ધરાવતા 138,000 લોકોએ ઓસ્ટ્રેલિયન સિટીઝન બનવાની અરજી કરી હતી. જે તે અગાઉના વર્ષની સરખામણીએ 42 ટકા જેટલી ઓછી છે.
માઇગ્રેશન કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયાના સીઇઓ ક્લારા વિલશાયરના જણાવ્યા પ્રમાણે, સિટીઝનશિપની અરજીમાં ઘટાડો ઘણા બધા પરિબળો પર અસર કરે છે. જેમાંનું એક પરિબળ સિટીઝનશિપ મેળવવાની અરજી પર બે વર્ષ બાદ લેવામાં આવતો નિર્ણય મુખ્ય છે.
Image
વર્ષ 2017-18માં જંગી વધારો
વર્ષ 2017માં સરકારે સિટીઝનશિપ મેળવવાની પ્રક્રિયા કડક કરવા અંગે વિચારણા કર્યા બાદ વર્ષ 2016-17 અને 2017-18માં ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્ટ્સ દ્વારા ઓસ્ટ્રેલિયન નાગરિક બનવા માટેની અરજીમાં જંગી વધારો જોવા મળ્યો હતો. આ બે વર્ષોમાં 440,000 જેટલી અરજી મળી હતી.
જોકે, ભલામણ કરવામાં આવેલા ફેરફારો ક્યારેય લાગૂ કરવામાં આવ્યા નહોતા.
સિટીઝનશિપની અરજીમાં થયેલા વધારાને કારણે અરજીઓનો ભરાવો થયો અને તેની મંજૂરીની પ્રક્રિયા લંબાતી ગઇ.
115 કર્મચારીઓની ભરતી કરાઇ
સરકારના જણાવ્યા પ્રમાણે વધી રહેલી ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજીનો નિકાલ કરવા માટે 115 જેટલા ફૂલટાઇમ નોકરીકર્તાઓની નિમણૂંક કરવામાં આવી છે. તેમણે ગયા વર્ષના ઓક્ટોબર મહિના સુધીમાં 147,000 જેટલી અરજીનો નિકાલ કરી દીધો છે.
50 વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહેતા હોવા છતા નાગરિકતા ન સ્વીકારી
ઓસ્ટ્રેલિયાની નાગરિકતા સ્વીકારવી કે નહીં સ્વીકારવી તે અંગેનો નિર્ણય જે-તે વ્યક્તિનો પોતાનો છે. તેમના વતન સાથેની લાગણી, ઓળખ અને રાષ્ટ્રીય ગર્વ પણ જોડાયેલું હોય છે. ઇન્ડોનેશિયન મહિલા તૂટી ગુનાવાન છેલ્લા 50 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે પરંતુ તેમણે ઓસ્ટ્રેલિયન નાગરિકતા સ્વીકારી નથી.
સિટીઝનશિપની સંખ્યામાં ઘટાડો થશે
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજીમાં હજી પણ ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. કેન્દ્રીય સરકારે કાયમી માઇગ્રેશનની સંખ્યા ઓછી કરી દેતા તેની અસર સિટીઝનશિપ પર પણ પડે તેમ લાગી રહ્યું છે.
છેલ્લા બે વર્ષમાં સરકારે 160,000 વિસા જ મંજૂર કર્યા હોવાથી કામચલાઉ વિસા, સ્ટુડન્ટ વિસા અને વર્કિંગ હોલ-ડે વિસા મેળવનારા લોકોની સંખ્યા વધી ગઇ છે.