ફીફા વર્લ્ડ કપના ગ્રૂપ બીમાં પોર્ટુગલ તથા સ્પેન નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશવાના દાવેદાર ગણાય છે પરંતુ મોરોક્કો તથા ઇરાન વિરોધીઓની વર્લ્ડ કપ જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે ત્યારે SBS Gujarati નું ગ્રૂપ બીમાં રહેલી ટીમોની વર્તમાન સ્થિતિ તથા તેમની રણનિતીનું એનાલિસીસ.
ગ્રૂપ: બી
દેશ: પોર્ટુગલ, સ્પેન, મોરોક્કો, ઇરાન
ગ્રૂપ બીની મેચનો કાર્યક્રમ
16મી જૂન મોરોક્કો વિ. ઇરાન
16મી જૂન પોર્ટુગલ વિ. સ્પેન
20મી જૂન પોર્ટુગલ વિ. મોરોક્કો
21મી જૂન ઇરાન વિ. સ્પેન
26મી જૂન ઇરાન વિ. પોર્ટુગલ
26મી જૂન સ્પેન વિ. મોરોક્કો
સિનિયર ખેલાડીઓનું ફોર્મ ચિંતાનો વિષય
સિનિયર ખેલાડીઓ યુક્ત રક્ષાપંક્તિ હોવા છતાં મોટાભાગના ખેલાડીઓનું આઉટ ઓફ ફોર્મ રહેવું વર્તમાન યુરોપીયન ચેમ્પિયન પોર્ટુગલ માટે ચિંતાનો વિષય બન્યું છે જોકે તેમનો સ્ટાર ખેલાડી ક્રિસ્ટીયાનો રોનાલ્ડો એકલા હાથે મેચનું પાસું પલટી શકવાની ક્ષમતા ધરાવે છે.
કોચ ફર્નાન્ડો સાન્તોસની ટીમ પોર્ટુગલના મોટાભાગના ખેલાડીઓ યુરોપીયન ક્લબમાં ફૂટબોલ રમવાનો અનુભવ ધરાવતા હોવાથી તે પોતાની ટીમના સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. તેમના પ્રશિક્ષણ નીચે પોર્ટુગલનો 29 મેચમાં વિજય તથા માત્ર એક જ મેચમાં પરાજય થયો છે. કોચ સાન્તોસે જણાવ્યું હતું કે,
"2016માં યુરોપીયન ચેમ્પિયનશિપ જીતનારી ટીમમાં જેવો આત્મવિશ્વાસ દેખાયો હતો તેવો જ આત્મવિશ્વાસ હું આ વખતે વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમમાં પણ દાખવી રહ્યો છું. 2016 અગાઉ પોર્ટુગલ ક્યારેય યુરોપીયન ચેમ્પિયન બન્યું નહોતું. તે ટીમ શાનદાર હતી. આ વર્લ્ડ કપમાં પણ મારે ટીમને ચેમ્પિયન બનતી જોવી છે".
સ્પેન પોર્ટુગલ સામે દિવાલ બનીને ઉભું રહેશે
છેલ્લા ઘણા સમયના નબળાં ફોર્મમાંથી બહાર આવીને 2010ના વર્લ્ડ ચેમ્પિયન સ્પેને પોતાની લય પ્રાપ્ત કરી લઇને ક્વોલિફાઇંગ ગેમ્સમાં 36 ગોલ ઉપરાંત પોતાના કટ્ટર હરીફ ઇટાલીને 3-0થી પરાજય આપ્યો હતો. કોચ જુલેન લોપેટેગુઇએ વર્લ્ડ કપ માટે સિનિયર તથા યુવા ખેલાડીઓની મિશ્રિત ટીમ બનાવી છે.
ટીમમાં આન્દ્રેસ ઇનિએસ્તા, સર્જીયો રામોસ તથા ઇંગ્લિશ પ્રીમિયર લીગની ટીમ માન્ચેસ્ટર સિટીનો ખેલાડી ડેવિડ સિલ્વા અને માન્ચેસ્ટર યુનાઇટેડનો ગોલકીપર ડેવિડ ડે ગેઆ છે. ફર્નાન્ડો સાન્તોસના જણાવ્યા પ્રમાણે,
"આ મેચ લોકપ્રિય ટીમ સ્પેન તથા વિજયની દાવેદાર પોર્ટુગલ વચ્ચે રમાશે. મને આશા છે કે તે એક શાનદાર મેચ બની રહેશે. સ્પેન એક ખતરનાક ટીમ છે તેમાં કોઇ શંકાને સ્થાન નથી જોકે અમે ફક્ત સ્પેન સામે જ નહીં રમીએ. ગ્રૂપમાં રહેલી અન્ય ટીમો મોરોક્કો અને ઇરાન પણ મજબૂત ટીમો છે."
20 વર્ષના વનવાસ બાદ મોરોક્કો વર્લ્ડ કપમાં
મોરોક્કોની ટીમ 20 વર્ષના વનવાસ બાદ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઇ છે. જોકે તેનું તાજેતરનું ફોર્મ જોતા લાગે છે કે તે મોટી ટીમો સામે અપસેટ સર્જી શકે છે. મોટાભાગના ખેલાડીઓ યુરોપમાં રમી ચૂકેલા છે અને ફ્રેન્ચ કોચ હાર્વે રેનાર્ડ પાસે ટ્રેનિંગ લઇ રહ્યા છે.
વર્લ્ડ કપમાં તેની સફળતાનો આધાર મિડફિલ્ડર નાબિલ દિરાર પર રહેશે જે હાલમાં તુર્કીના ક્લબ ફેનેરબાસમાંથી રમી રહ્યો છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે જ તેની જૂની ટીમ મોનાકો ફ્રેન્ચ લીગ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી.
ઇરાન અપસેટ સર્જવા આતુર
1997ના ક્વોલિફાયરમાં ઓસ્ટ્રેલિયાને પરાજય આપનારી ઇરાનની ટીમ વર્તમાન સમયમાં શ્રેષ્ઠ ફોર્મ ધરાવી રહી છે. ઇરાન છેલ્લી 18 મેચથી અપરાજિત છે અને નવ મેચથી તેની વિરુદ્ધ એક પણ ગોલ થયો નથી. કોચ કાર્લોસ ક્યુઇરોઝે ચેતવણી આપતા જણાવ્યું હતું કે,
"તેની ટીમ રશિયા એક પ્રવાસી તરીકે નથી જઇ રહી. 22 વર્ષીય સ્ટાર ખેલાડી સરદાર એઝમૌને અત્યાર સુધીમાં 22 આંતરરાષ્ટ્રીય ગોલ કરી દીધા છે. ઇરાન પાસે રશિયામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની તક રહેલી છે. "
More world cup stories on SBS Gujarati

Analysis of Group - A teams of FIFA World Cup 2018