ઓસ્ટ્રેલિયન મહિલા ફૂટબોલ ટીમે ફ્રાન્સમાં રમાઇ રહેલા ફીફા વિમેન્સ વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. બુધવારે રમાયેલી મેચમાં મટિલ્ડાના નામથી જાણિતી ઓસ્ટ્રેલિયન ટીમે જમૈકાને 4-1થી હરાવીને અંતિમ 16માં પ્રવેશ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી તમામ ગોલ સ્ટાર ખેલાડી સેમ કરે કર્યા હતા. તેણે મેચમાં ચાર ગોલ કરીને ટીમને આગામી રાઉન્ડમાં પ્રવેશ અપાવ્યો હતો.
ઓસ્ટ્રેલિયા ગ્રૂપમાં બીજા સ્થાને
ઓસ્ટ્રેલિયન ટીમ ચાર દેશના ગ્રૂપ - સીમાં હાલમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. તેના ત્રણ મેચમાં બે વિજય તથા એક પરાજય સાથે છ પોઇન્ટ્સ છે. ઇટાલી છ પોઇન્ટ્સ સાથે ગ્રૂપમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ટૂર્નામેન્ટની ફેવરિટ બ્રાઝિલના પણ છ પોઇન્ટ્સ છે. જોકે, ગોલની સરખામણીમાં તે ઓસ્ટ્રેલિયા કરતા પાછળ હોવાના કારણે ત્રીજા સ્થાને સરકી ગઇ છે. જમૈકા પોતાની એક પણ મેચ જીતી શકી નથી અને તે અંતિમ સ્થાને છે.

Sam Kerr celebrates a goal for the Matildas Source: Getty Images
સેમ કરના ચાર ગોલ
ઓસ્ટ્રેલિયન સ્ટાર ખેલાડી સેમ કરે મેચમાં પોતાનું શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ માટે ચાર ગોલ નોંધાવ્યા હતા. સેમ કર ઓસ્ટ્રેલિયન મહિલા ફૂટબોલ ટીમ તરફથી વર્લ્ડ કપમાં હેટ્રિક નોંધાવનારી પ્રથમ ખેલાડી બની ગઇ છે.
તેણે મેચની 11મી મિનીટે પ્રથમ ગોલ કર્યો હતો. ત્યાર બાદ પહેલો હાફ પૂરો થવામાં ત્રણ મિનિટ બાકી હતી ત્યારે 42 મિનીટે બીજો ગોલ કરીને ઓસ્ટ્રેલિયાને 2-0થી લીડ અપાવી હતી. બીજા હાફમાં પણ સેમ કરે જમૈકાની ગોલપોસ્ટ પર પોતાનું આક્રમણ ચાલૂ જ રાખ્યું હતું અને અનુક્રમે 69 તથા 83મી મિનીટે ગોલ કરીને ઓસ્ટ્રેલિયન ટીમને રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ અપાવ્યો હતો.
જમૈકા માટે મેચનો એકમાત્ર ગોલ હવાના સોલાઉને 49મી મિનીટે કર્યો હતો.
રાઉન્ડ ઓફ 16માં નોર્વે સામે ટક્કર
ઓસ્ટ્રેલિયન વિમેન્સ ફૂટબોલ ટીમે જમૈકાને 4-1ના અંતરથી હરાવીને ટૂર્નામેન્ટના અંતિમ 16માં પ્રવેશ કરી લીધો છે. જ્યાં તેનો મુકાબલો નોર્વે સામે થશે. નોર્વે ગ્રૂપ-એમાં બીજા ક્રમે રહ્યું હતું. તેણે મંગળવારે રમાયેલી મેચમાં સાઉથ કોરિયાને 2-1ના અંતરથી હરાવ્યું હતું.

Marta (L) celebrates a goal for Brazil Source: Getty Images
બ્રાઝિલની માર્ટાએ ઇતિહાસ રચ્યો
બ્રાઝિલ ફૂટબોલ ટીમની સ્ટાર ખેલાડી માર્ટાએ વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનો 17મો ગોલ કરીને રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે ઇટાલી સામે બુધવારે રમાયેલી મેચમાં પેનલ્ટી દ્વારા ગોલ કરીને વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી બનવાની સિદ્ધી મેળવી હતી. માર્ટાએ જર્મનીની મેન્સ ફૂટબોલ ટીમના ખેલાડી મિરોસ્લાવ ક્લોસેના 16 ગોલના રેકોર્ડને તોડ્યો હતો.
માર્ટાના ગોલની મદદથી બ્રાઝિલે ઇટાલીને 1-0થી પરાજય આપ્યો હતો.