ભારતીય લોકોમાં પાન ખાવું એ એક સામાન્ય બાબત બની ગઇ છે અને કેટલીય વખત જોવામાં આવ્યું છે કે લોકો પાન-મસાલા ખાઇને ગમે ત્યાં થૂંકીને આસપાસનો વિસ્તાર ગંદો કરતા હોય છે.
ભારત બહાર વિદેશમાં સ્થાયી થયેલા લોકો પણ પાન-મસાલા ખાઇને ગમે ત્યાં થૂંકતા હોવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ફોટોમાં લોકોની પાન-મસાલા ખાઇને થૂંકવાની આદતના કારણે બ્રિટનના લેસ્ટશર શહેરના સિટી કાઉન્સિલ દ્વારા ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં નાગરિકોને પાન ખાઇને રસ્તા પર ન થૂંકવાની ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વાઇરલ ફોટોના સાઇન બોર્ડમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતી ચેતવણીમાં લખ્યું છે કે, "પાન ખાઇને સ્ટ્રીટમાં થૂંકવું એ આરોગ્ય માટે નુકસાનકારક અને અસામાજિક છે, આપને દંડ થઇ શકે છે £ 150."
ચેતવણી મુજબ, જો કોઇ પણ વ્યક્તિ પાન ખાઇને સ્ટ્રીટમાં થૂંકતા પકડાશે તો એને 150 પાઉન્ડ્સ એટલે કે લગભગ 13,000 ભારતીય રૂપિયા, 273.73 ઓસ્ટ્રેલિયન ડોલર જેટલો દંડ થઇ શકે છે.
સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ પર છેલ્લા કેટલાક દિવસોમાં આ પોસ્ટ ઘણી વાઇરલ થઇ જોવા મળી છે. માનવામાં આવી રહ્યું છે કે લેસ્ટશર વિસ્તારમાં ઘણા ગુજરાતી મૂળના લોકો રહે છે અને તમામ લોકો સુધી ચેતવણી પહોંચે તે માટે અંગ્રેજી ઉપરાંત ગુજરાતી ભાષામાં પણ સાઇન બોર્ડ લગાવ્યું હોઇ શકે છે.
વિદેશમાં ભારતીય ભાષાઓના સાઇનબોર્ડ
છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય મૂળના લોકોએ વિદેશ સ્થાયી થયા છે અને ત્યાં તેમને જે-તે દેશની સ્થાનિક ભાષામાં નિયમો અને સૂચનાઓની જાણકારી મળી રહેતા તે માટે તે દેશની સંસ્થાઓ અને સરકાર તેમની માતૃભાષામાં સાઇનબોર્ડ લગાવતી જોવા મળે છે.
Image
ઓસ્ટ્રેલિયાના મેલ્બર્ન શહેરમાં તાજેતરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વિક્ટોરિયા દ્વારા વિવિધ સંસ્કૃતિના લોકોને તેમની મૂળભાષામાં જ સૂચનાની જાણકારી મળી રહે તે માટે સાઇન બોર્ડ મૂકવામાં આવ્યું હતું. જેમાં હિન્દી તથા પંજાબી સહિત વિશ્વની 12 ભાષાઓમાં સૂચના લખાઇ હતી.
Image
સ્વિટ્ઝર્લેન્ડમાં હિન્દી ભાષામાં સૂચના
મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સ્વિટ્ઝર્લેન્ડ ફરવા માટે જાય છે. અને તેમને પોતાની જ ભાષામાં સૂચના મળી રહે તે માટે દેશના પ્રખ્યાત ટિટલિસ પહાડો પર લગાવવામાં આવેલા સાઇનબોર્ડમાં હિન્દી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Image
મલેશિયામાં તમિલ ભાષાનો ઉપયોગ
મલેશિયાના કુઆલાલુમ્પુરમાં ઘણા વર્ષોથી ભારતની તમિલ ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં અંગ્રેજી ઉપરાંત, મેન્ડરિન અને તમિલ ભાષામાં પણ શિક્ષણ અપાય છે. મલેશિયાના કુઆલાલુમ્પુર શહેરના રેલવે સ્ટેશન પર લગાવવામાં આવેલા બોર્ડમાં તમિલ ભાષામાં "કુઆલાલુમ્પુર" લખેલું જોવા મળે છે.
Share




