છેલ્લા કેટલાક સમયમાં ન્યૂ સાઉથ વેલ્સ સહિતના ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાં વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ વધ્યો છે અને માર્ગ અકસ્માતના પ્રમાણમાં પણ વધારો જોવા મળ્યો છે.
ઓસ્ટ્રેલિયન સરકારના માર્ગ સલામતીના આંકડા પ્રમાણે ઓગસ્ટ 2018 સુધીમાં કુલ 770 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ 565 લોકોએ વાહન ચલાવતી વખતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.
મોબાઇલ ફોનના વપરાશના કારણે વધી રહેલા માર્ગ અકસ્માત રોકવા માટે ન્યૂ સાઉથ વેલ્સમાં માર્ગ સલામતીના નિયમો વધુ કડક બન્યા છે. જેમાં 17મી સપ્ટેમ્બર 2018થી નવો માર્ગ સલામતી નિયમ અમલમાં આવતા હવે જો વાહન ચલાવતી વખતે ડ્રાઇવર મોબાઇલ ફોનનો વપરાશ કરતો પકડાશે તો તેને ચારથી પાંચ ડીમેરિટ પોઇન્ટ્સ સુધીનો દંડ થઇ શકે છે. જ્યારે ડબલ ડીમેરિટ પોઇન્ટ્સના સમયે જો કોઇ પણ ડ્રાઇવર જો આ નિયમનો ભંગ કરતા ઝડપાશે તો તેને 10 ડિમેરિટ પોઇન્ટ્સ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

A man using his mobile phone while driving. Source: AAP/Barry Batchelor/PA Wire

Legal phone cradle for GPS. Source: Pixabay (Creative Commons)
પ્રવિઝનલ લાઇસન્સ ધારક માટેના નિયમ :
- P1 અને P2 લાઇસન્સ ધારક વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો વપરાશ કરી શકશે નહીં જેમાં ટ્રાફિક લાઇટ્સ તથા સિગ્નલ પર ટ્રાફિકના સમયનો પણ સમાવેશ થાય છે. મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા માટે વાહનને રોડની એકબાજુ પાર્ક કરીને વપરાશ કરવો જરૂરી છે.
- P1 લાઇસન્સ ધારકને વાહન ચલાવતા દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવા બદલ ચાર ડીમેરિટ પોઇન્ટ્સ તથા ત્રણ મહિના સુધી લાઇસન્સ રદ્દ થાય તેવા દંડની જોગવાઇ કરવામાં આવી છે.
- P2 લાઇસન્સ ધારક આ નિયમનું ઉલ્લંઘન કરતો પકડાશે તો તેને ત્રણ ડીમેરિટ પોઇન્ટ્સ સુધીનો દંડ થઇ શકે છે.
જોકે સંપૂર્ણપણે યોગ્ય લાઇસન્સ ધરાવતા ડ્રાઇવર્સ વાત કરવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકશે પરંતુ તે માટે મોબાઇલ ક્રેડલ પર સેટ કરેલો હોય અથવા મોબાઇલને હાથમાં લીધા વિના બ્લૂટૂથ દ્વારા વાત થતી હોય તે જરૂરી છે. જો કે તેઓ પણ વાહન ચલાવતી વખતે મેસેજ કરવા, ઇ-મેઇલ કરવા કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહીં.
નવા નિયમ અંગે ન્યૂ સાઉથ વેલ્સના માર્ગ, સમુદ્રી તથા માલ મંત્રી મેલિન્ડા પાવીએ જણાવ્યું હતું કે, "વધુ ડીમેરિટ પોઇન્ટ્સનો નિયમ અમલમાં આવતા વાહનચાલકો વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ ઓછો કરશે તેવી આશા છે."

A driver holds a mobile phone whilst driving in Melbourne. Source: AAP Image/Julian Smith
"અમે અગાઉથી જ માર્ગ સલામતી વધુ અસરકારક બનાવવા માટે આધુનિક કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છીએ જેનાથી મોબાઇલ ફોનનો વપરાશ ઘટે તેવી આશા છે."
ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યોમાં વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવા પર પણ કડક કાયદા બનાવવામાં આવ્યા છે.
- ક્વીન્સલેન્ડમાં 1લી જુલાઇ 2018થી અમલમાં આવેલા નવા નિયમ પ્રમાણે જો કોઇ ડ્રાઇવર મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં પકડાય છે તો તેને $391 અને 3 ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ કરવામાં આવે છે જ્યારે એક જ વર્ષની અંદર ફરીથી મોબાઇલ ફોનનો વપરાશ કરતા ઝડપાય તો તેને બે ગણા ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ કરવામાં આવે છે.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં આ પ્રકારના નિયમના ઉલ્લંઘન બદલ $334 તથા 3 ડિમેરીટ પોઇન્ટ્સ ગુમાવવા સુધીનો દંડ કરાય છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના વપરાશ બદલ $400 તથા 3 ડિમેરીટ પોઇન્ટ્સનો દંડ કરાય છે.
- વિક્ટોરીયામાં $484 તથા 4 ડિમેરીટ પોઇન્ટ્સ સુધી દંડ ફટકારાય છે.પૂર્ણ લાઇસન્સ ધરાવતા વાહનચાલક પણ મોબાઇલના સીધા સંપર્કમાં આવ્યા વિના તેને ક્રેડલ દ્વારા ઉપયોગ કરી શકે છે. જોકે શિખાઉ, P1 તથા P2 ડ્રાઇવર્સ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. આ પ્રકારના વાહનચાલક જો 5 ડિમેરીટ પોઇન્ટ્સ સુધી પહોંચે તો તેમનું લાઇસન્સ રદ્દ થઇ શકે ત્યાં સુધીની જોગવાઇ કરવામાં આવી છે.