વર્તમાન સમયમાં યુવાનો અને ટીનેજર્સને વિશેષ પ્રકારના મુદ્દાઓ અને મુશ્કેલીઓ અસર કરતી હોય છે અને જો તેનું નિરાકરણ વહેલી તકે કરવામાં ન આવે તો તેના ગંભીર પરિણામ આવી શકે છે.
કેટલીક વખત યુવાનો મુશ્કેલીનું સમાધાન ન થઇ શકતા આત્મહત્યા કરવા માટે પ્રેરાય છે. અને ઓસ્ટ્રેલિયામાં યુવાનોના અપમૃત્યુનું સૌથી મોટું કારણ આત્મહત્યા છે, તેથી જ માતા પિતા અને મેન્ટર્સે ટીનેજર્સને સતાવી રહેલી કોઇ સમસ્યા અંગે તેમની સાથે વાત કરી યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી બન્યું છે.
સિડનીના 72 વર્ષીય મેરી માર્ટીન મિડવાઇફ અને નર્સ તરીકે સેવાનિવૃત્ત થયા છે. સમગ્ર જીવન બાળકો અને યુવાનોની સારસંભાળમાં વિતાવ્યા બાદ તેઓ જણાવે છે કે તેમને યુવાનોને અસર કરતા પ્રશ્નોની ઘણી જાણકારી છે.
મેરી યુવાનોને સતાવતી સમસ્યાઓનું નિરાકરણ લાવતી Raise નામની એક સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ જણાવે છે કે વર્તમાન સમયના યુવાનોને એક અલગ જ પ્રકારની સમસ્યા સતાવતી હોય છે.
ટેક્નોલોજીના વધુ પડતા ઉપયોગના કારણે તેમનું સાઇબર બુલિંગ પણ થાય છે અથવા તેઓ પણ કોઇ અન્ય યુવાનનું બુલિંગ કરતા હોય છે તેથી આ ઉંમરમાં તેમને યોગ્ય માર્ગદર્શન મળે તે જરૂરી છે.
Raise સંસ્થાની સ્થાપના વિકી કોન્ડોને કરી હતી. તેમના એક પારિવારીક મિત્રના 14 વર્ષીય પુત્રએ આત્મહત્યા કર્યા બાદ વિકીએ યુવાનોને આ પ્રકારનું ગંભીર પગલું ભરતા અટકાવવાના ઉદ્દેશ્ય સાથે આ સંસ્થા શરૂ કરી હતી.
સંસ્થા દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે દર ત્રણમાંથી એક યુવાન તેના જીવનથી ખુશ નથી. અને, દર ત્રણમાંથી માત્ર એક જ યુવાન તેને પડી રહેલી મુશ્કેલી અંગે મેન્ટર્સ સાથે વાત કરે છે.
વિકીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજીના વિકાસના કારણે યુવાનો પોતાની સરખામણી અન્ય યુવાન સાથે કરે છે અને પછી વિવિધ સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આ પરિસ્થિતીમાં માતા-પિતા અને મેન્ટર્સે યુવાનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી બની જાય છે.
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લગભગ 1000 જેટલા મેન્ટર્સ Raise સંસ્થાના માધ્યમથી અઠવાડિયે 2 કલાક જેટલો સમય ફાળવીને યુવાનોને માર્ગદર્શન આપે છે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરે છે.
માર્ટીનના જણાવ્યા પ્રમાણે જે યુવાનો પોતાને નડી રહેલી મુશ્કેલીઓ અંગે માતા-પિતા સાથે વાત કરતા અચકાય છે તેઓ સંસ્થાના મેન્ટર્સ સાથે ખુલ્લા મનથી વાત કરે છે.
વિકીએ ઉમેર્યું હતું કે, વર્તમાન સમયમાં યુવાનોને અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓ નડે છે. જેમ કે શાળામાં તેમનો અભ્યાસ યોગ્ય રીતે ન થવો, તેમનામાં માનસિક તાણ અને ચિંતા વધવી અથવા તેમને ભવિષ્યમાં પોતાની કારકિર્દીમાં શું કરવું તેની ચિંતા સતાવતી હોય છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, વિક્ટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સના કેટલાક ભાગમાં નોટ ફોર પ્રોફિટ સંસ્થા એડકનેક્ટ (EdConnect) મેન્ટર્સ અને મુશ્કેલીનો સામનો કરી રહેલા યુવાનોને ભેગા કરવાનું કાર્ય કરે છે.
સંસ્થામાં કાર્ય કરતા મોટાભાગના મેન્ટર્સની ઉંમર આશરે 55 વર્ષની આસપાસ છે. સંસ્થાના સીઇઓ ગેરી ક્લેએ આ અંગે જણાવ્યું હતું કે કેટલાક મેન્ટર્સના પૌત્ર કે પૌત્રીઓ અન્ય રાજ્યોમાં વસવાટ કરતા હોવાથી તેઓ તેમની સાથે સંપર્કમાં રહી શકતા નથી. અને, તેમના પૌત્રોની યાદ આવતી હોવાથી તેઓ અહીં સંસ્થામાં આવીને સ્વયંસેવક તરીકે પોતાની સેવાઓ આપે છે.
ભૂતપૂર્વ એન્જીનિયર એલન બેર્નય સાત વર્ષ અગાઉ નિવૃત્ત થયા હતા. ત્યાર બાદ તેઓ એડકનેક્ટ સંસ્થા સાથે જોડાયા અને અત્યાર સુધીમાં 13થી 15 વર્ષની ઉંમરના સાત યુવાનોના માર્ગદર્શક બન્યા છે.
સ્કૂલમાં ઉપલબ્ધ ન હોય તેવી મેડિટેશન અને ધ્યાનને લગતી પ્રવૃત્તિઓ દ્વારા એલને યુવાનોને માર્ગદર્શન આપ્યું છે.
એલને જણાવ્યું હતું કે દરેક ઉંમરના લોકોને પોતપોતાની સમસ્યાઓ હોય છે. અમારા સમયમાં અલગ સમસ્યાઓ હતી. અત્યારે યુવાનો મોબાઇલ અને કમ્પ્યુટર પાછળ ઘણો સમય ગાળતા હોવાથી તેમને એ પ્રકારની સમસ્યાઓ નડે છે.
એડકનેક્ટ સંસ્થાના સીઇઓ ગેરી ક્લેના જણાવ્યા પ્રમાણે, મેન્ટર્સ પ્રોગ્રામ અંતર્ગત નિવૃત્ત સિટીઝન્સ અઠવાડિયાનો ઓછામાં ઓછો એક કલાક જેટલો સમય વિવિધ સામાજિક પ્રવૃત્તિ પાછળ ફાળવે તો તેમની શારીરિક તથા માનસિક સ્થિતિમાં પણ સુધારો થાય છે.
મેરી માર્ટીને જણાવ્યું હતું કે મેન્ટરશીપ પ્રોગ્રામમાં જોડાયા બાદ છેલ્લા છ વર્ષમાં તેમણે હતાશ થઇ ગયેલા યુવાનોમાં એક પ્રકારનો બદલાવ જોયો છે.
જીંદગીમાં કોઇ સમસ્યાના કારણે નિરાશામાં ગરકાવ થઇ ગયેલા યુવાનો પણ મેન્ટરશીપ પ્રોગ્રામ બાદ એક પ્રકારનો સુખદ અનુભવ કરતા હોય છે અને તેમના શારીરિક દેખાવ તથા માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળે છે, તેમ મેરી માર્ટીને જણાવ્યું હતું.
SBS ની ચાર ભાગમાં વહેંચાયેલી શ્રેણી “ધ હંન્ટીંગ” આજના યુવાનોને સોશિયલ મીડિયા પર થઇ રહેલા અનુભવો પર આધારિત છે. વધુ માહિતી માટે તથા અગાઉ પ્રસારિત થયેલા એપિસોડ જોવા માટે SBS On Demand ની મુલાકાત લો.
ઓનલાઇન સેફ્ટી અંગેના વિવિધ મુદ્દાઓ માટે eSafety વેબસાઇટની મુલાકાત લો.