વિક્ટોરિયન સરકારે પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ અમલમાં મૂકી છે જેના દ્વારા વિક્ટોરિયાના નાગરિકોએ તેમણે સેવન કરેલી દવાઓની માહિતી મેળવીને તેમને ડ્રગ ઓવરડોઝથી બચાવી શકાશે.
સૌ પ્રથમ, સેફસ્ક્રીપ્ટ સિસ્ટમને વર્ષ 2018માં પશ્ચિમ વિક્ટોરિયામાં અમલમાં મૂકવામાં આવી હતી. તેના સતત નિરાકરણ બાદ સરાકાત્મક પરિણામ મળતા તેને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સેફસ્ક્રીપ્ટની મદદથી ડોક્ટર્સ અને ફાર્માસિસ્ટ જે-તે દર્દીએ અગાઉ લીધેલી દવાઓ અને ડોક્ટર્સની મુલાકાતની માહિતી મેળવી શકશે.
વિક્ટોરિયાના આરોગ્ય મંત્રી જેન્ની મિકાકોસે SBS ને જણાવ્યું હતું કે ગયા વર્ષે પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓના સેવનના કારણે વિક્ટોરિયામાં 400 નાગરિકોના મૃત્યુ થયા હતા. નવી સિસ્ટમ દ્વારા હાનિકારક પેઇનકિલર્સ, મોર્ફિન, બેન્ઝોડીઝાપાઇન અને કોડેઇન (morphine, benzodiazapine and codeine) જેવી દવાઓના સેવનની જાણકારી મળશે અને તેના ઓવરડોઝ કે નુકસાનથી બચી શકાશે.
Image
અન્ય રાજ્યોને પણ સિસ્ટમ દાખલ કરવા માંગ
આલ્કોહોલ અને ડ્રગ ફાઉન્ડેશન પોલિસી મેનેજર જ્યોફ મુનરોએ સરકારની નવી પહેલને આવકારી છે અને આશા વ્યક્ત કરી હતી કે ઓસ્ટ્રેલિયાના અન્ય રાજ્યો તથા પ્રદેશો પણ એકસમાન પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ દાખલ કરે.
“કેન્દ્રીય સરકારે રાજ્ય સરકારોને નવી સિસ્ટમ અમલમાં મૂકવા માટે ફંડ આપ્યું છે પરંતુ, રાજ્યોએ તે ભંડોળના ઉપયોગથી પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ અમલમાં મૂકવી જોઇએ. કારણ કે, કોઇ પણ વ્યક્તિ બીજા રાજ્યમાં જાય તો ત્યા પણ તેને મોનિટરીંગ સિસ્ટમનો લાભ મળે તે જરૂરી છે.”
કેન્દ્રીય સરકારે ગયા વર્ષે નેશનલ ડેટા એક્સચેન્જ અમલમાં મૂકવાની યોજના ઘડી હતી. પરંતુ, એ ત્યારે જ સંભવ છે જ્યારે દરેક રાજ્ય અને પ્રદેશ સૌ પ્રથમ પોતાની સિસ્ટમ અમલમાં મૂકે.
વિક્ટોરિયા રાજ્યએ રાષ્ટ્રીય યોજનામાં સામેલ ન થઇને પોતાની જ સિસ્ટમ અમલમાં મૂકવાનું નક્કી કર્યું હતું.
આરોગ્ય મંત્રી મિકાકોસે જણાવ્યું હતું કે, વિક્ટોરિયા રાષ્ટ્રીય યોજનાને સમર્થન આપે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રીય સરકાર નવી સિસ્ટમ અંગે કોઇ નિર્ણય ન લઇ શકતા વિક્ટોરિયન સરકારે પોતાની સિસ્ટમ અમલમાં મૂકી દીધી છે.

Source: Tetra images RF
“વિક્ટોરિયન સરકારે પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ માટે 29.5 મિલિયન ડોલર જેટલું ફંડ ખર્ચ કર્યું છે.”
વિક્ટોરિયા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી અને તાસ્માનિયા બાદ નવી પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ શરૂ કરનારું ત્રીજું રાજ્ય બની ગયું છે.
આલ્કોહોલ અને ડ્રગ ફાઉન્ડેશન પોલિસી મેનેજર જ્યોફ મુનરોએ જણાવ્યું હતું કે મોટાભાગની દવાઓ ઓછા સમય માટે જ અસરકારક હોય છે. લાંબા ગાળા માટે તેનું સેવન કરવામાં આવે તો દર્દી તેના પર આધારિત થઇ જાય છે. તેથી જ ઓસ્ટ્રેલિયાના નાગરિકોને ડોક્ટર અને ફાર્માસિસ્ટ દ્વારા આપવામાં આવતી દવાઓની યાદી કે રેકોર્ડ રહે તે જરૂરી છે.
દર્દીની ગોપનીયતા સાથે છેડછાડ નહીં
નવી સિસ્ટમનો મુખ્ય ચિંતાજનક મુદ્દો દર્દીની વ્યક્તિગત ગોપનિયતા છે. તાજેતરમાં જ કેન્દ્રીય સરકારની માય હેલ્થ રેકોર્ડ સ્કીમમાં લગભગ 20 હજાર જેટલા નાગરિકોએ ગોપનિયતાનું કારણ દર્શાવીને પોતાનું નામ પરત ખેંચ્યું હતું.
પરંતુ વિક્ટોરિયના આરોગ્ય મંત્રી જેની મિકાકોસનું માનવું છે કે નવી પ્રિસ્ક્રીપ્શન મોનિટરીંગ સિસ્ટમ સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તેનો માય હેલ્થ સિસ્ટમ સાથે કોઇ સંબંધ નથી.
“સેફસ્ક્રીપ્ટ સિસ્ટમમાં વ્યક્તિની ગોપનીયતાને મહત્વ આપવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ માહિતીનો દૂરપયોગ કરતો જણાશે તો એની સામે દંડનીય કાર્યવાહી થઇ શકે છે.”
“નવી સિસ્ટમ અંતર્ગત કોઇ દર્દીની માહિતી દવાનું ઉત્પાદન કરતી કંપનીને નહીં આપવામાં આવે. દર્દીની સારવાર કરી રહેલા ડોક્ટર અને ફાર્માસિસ્ટ જ તે માહિતીનો ઉપયોગ કરી શકશે,” તેમ મિકાકોસે ઉમેર્યું હતું.
Share


