મેલ્બર્નમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના વપરાશ માટે હવે Myki કાર્ડ સાથે રાખવાની જરૂર નથી. વિક્ટોરિયન સરકારે લોન્ચ કરેલી એપ્લિકેશન દ્વારા હવે મોબાઇલથી પણ Touch on/off કરીને મુસાફરી કરી શકાશે.
જોકે આ સુવિધા હાલમાં એન્ડ્રોઇડ મોબાઇલ પર જ ઉપલબ્ધ છે પરંતુ વિક્ટોરિયન સરકારના નિવેદન પ્રમાણે આગામી સમયમાં એપ્પલના ફોનમાં પણ Mobile Myki શરૂ કરવામાં આવશે.
વિક્ટોરિયન સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રી મેલીસા હોર્નના જણાવ્યા પ્રમાણે, આગામી 28મી માર્ચે ગુરુવારથી Mobile Mykiની નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવશે. અને, તે વિક્ટોરિયાની ટ્રેન, ટ્રામ્સ તથા બસમાં વાપરી શકાશે.
અત્યારે રાજ્યમાં લગભગ 33 ટકા જેટલા લોકો એન્ડ્રોઇડ ટેક્નોલોજીનો વપરાશ કરે છે. આ નવી સુવિધા દ્વારા તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરવા માટે મોબાઇલનો ઉપયોગ કરી શકશે.
4000 લોકોએ Mobile Mykiનું પરીક્ષણ કર્યું
મેલીસા હોર્ને જણાવ્યું હતું કે આ સુવિધા શરૂ કર્યા પહેલા 4000 જેટલા લોકોએ તેનું પરીક્ષણ કર્યું હતું અને તેમણે હકારાત્મક પ્રતિભાવ આપતા તેને અમલમાં મુકવામાં આવી રહી છે.
વર્તમાન Myki કાર્ડ અમલમાં રહેશે
Mobile Mykiની સુવિધા શરૂ થયા બાદ પણ Myki કાર્ડનો વપરાશ અમલમાં રહેશે. હાલના Myki કાર્ડ દ્વારા Touch on/off કરીને વિક્ટોરિયામાં પલ્બિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે હાલના Myki કાર્ડ દુનિયાની સૌથી મોટી ટીકિટ સિસ્ટમમાંની એક સિસ્ટમ છે. જેમાં 15 મિલિયન જેટલા એક્ટિવ કાર્ડ છે અને દર વર્ષે 7000 મિલિયન જેટલા વ્યવહાર કરવામાં આવે છે.
Mobile Mykiનો ઉપયોગ 28મી માર્ચ 2019ના રોજ સવારે 7 વાગ્યાથી કરી શકાશે.