ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો કોવિડ-19 મહામારીના કારણે છેલ્લા 20 મહિના સુધી બંધ કરવામાં આવી હતી.
તે સમય દરમિયાન ફક્ત ઓસ્ટ્રેલિયાના નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડન્ટ્સ તથા તેમના નજીકના પરિવારજનો જ ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરી શકતા હતા.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકોને ઓસ્ટ્રેલિયા પ્રવાસ કરવાની પરવાનગી પ્રાપ્ત થઇ નહોતી.
અને, તેના કારણે દેશ બહાર ફસાઇ ગયેલા મોટાભાગના ટેમ્પરરી ગ્રેજ્યુએટ (સબક્લાસ 485) વિસાધારકોના વિસા સમાપ્ત થવા આવ્યા હતા.
જોકે સરકારે, જે ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારક દેશ બહાર ફસાઇ ગયા છે અને તેમના વિસા સમાપ્ત થવા આવ્યા છે તેમને તેટલા જ સમય માટે વિસા બદલી આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
આ અંગે ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના સરહદીય પ્રતિબંધોના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ ન કરી શકનારા 485 વિસાધારકોના વિસા બદલી આપવામાં આવશે.
પરંતુ, તે પ્રક્રિયા 1લી જુલાઇ 2022 સુધી શરૂ થઇ શકશે નહીં.
એક આંકડા પ્રમાણે, કોવિડ-19 મહામારી દરમિયાન 14,000 ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયા હતા.
સરકારના આ નિર્ણય બાદ, ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા સપના વર્માએ જણાવ્યું હતું કે, તેઓ માર્ચ 2020માં પરિવારને મળવા ભારત ગયા હતા અને ત્યાર બાદ કોવિડ-19ના કારણે ઓસ્ટ્રેલિયાની સરહદો બંધ થતા તેઓ ભારતમાં જ ફસાઇ ગયા હતા.

સપનાએ સરકારના આ નિર્ણય સામે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ટેમ્પરરી વિસાધારકોએ ઓસ્ટ્રેલિયા આવવા માટે અગાઉથી જ 21 મહિના સુધી રાહ જોઇ છે. અને, હજી પણ નવા વિસા બદલી આપવાની પ્રક્રિયા જુલાઇ 2022થી શરૂ કરવાનું આયોજન છે.
તેમણે જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રક્રિયામાં હજી એક વર્ષ રાહ જોવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
ઉલ્લેખનીય છે કે 15મી ડિસેમ્બર 2021થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા કેટલાક સ્કીલ્ડ વર્ક વિસાધારકો મુસાફરીની મંજૂરી વિના ઓસ્ટ્રેલિયા આવી શકે છે.
સરકારના આ નિર્ણય બાદ ગ્રીન્સ પક્ષ તરફથી ઇમિગ્રેશન એન્ડ જસ્ટિસના પ્રવક્તા નિક મેકિમે ઇમિગ્રેશન મંત્રી એલેક્સ હૉકને પત્ર લખ્યો હતો અને તેમને 1લી જુલાઇ 2022નો સમય નક્કી કરવા અંગે પ્રશ્ન કર્યા હતા.
SBS News દ્વારા આ બાબત અંગે અભિપ્રાય જાણવા મંત્રી એલેક્સ હૉકની ઓફિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે બાબત ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સને મોકલવામાં આવી હતી.
ડીપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માઇગ્રેશન રેગ્યુલેશન્સ 1994 અંતર્ગત આ વિસામાં કેટલાક સુધારા કરવા જરૂરી છે. આ ઉપરાંત, આ વિસા યોગ્ય રીતે લાગૂ થાય તે માટે ટેક્નોલોજી સાથે સંકળાયેલા અન્ય કેટલાક સુધારા પણ જરૂરી હોવાથી રીપ્લેસમેન્ટ ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસા 1લી જુલાઇ 2022થી લાગૂ થશે.

