ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ નવા અઠવાડિયાની શરૂઆત કોવિડ-19 નિયંત્રણો હેઠળ કરવા જઇ રહ્યા છે.
દેશના વિવિધ રાજ્યો અને ટેરીટરીની સરકારોએ રવિવારે તેમના રાજ્યોમાં નિયંત્રણો અમલમાં મૂક્યા હતા.
જાણો, તમારા રાજ્યો અને ટેરીટરીમાં હાલમાં કયા નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે.
ન્યૂ સાઉથ વેલ્સ
રાજ્યમાં રવિવારે 30 કેસ નોંધાયા હતા. હાલમાં ગ્રેટર સિડની, વોલોંન્ગોગ, બ્લૂ માઉન્ટેન્સ તથા સેન્ટ્રલ કોસ્ટ વિસ્તારો 2 અઠવાડિયાના લોકડાઉન હેઠળ છે.
જે અંતર્ગત 4 કારણો સિવાય ઘરની બહાર જવા પર પ્રતિબંધ લાગૂ કરવામાં આવ્યો છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં રવિવારે સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો એક પણ કેસ નોંધાયો નહોતો પરંતુ બ્રિસબેનથી આવેલી ફ્લાઇટમાં કોરોનાવાઇરસના એક ચેપનું નિદાન થતા રાજ્યમાં ચેતવણી અપાઇ છે.
રવિવારે મેલ્બર્ન એરપોર્ટને સંક્રમણનો ભય ધરાવતા સ્થળોની યાદીમાં મૂકવામાં આવ્યું છે.
વિક્ટોરીયાએ ગ્રેટર ડાર્વિનને રેડ ઝોન જાહેર કર્યું છે.
વિક્ટોરિયા સિવાયના રહેવાસીઓએ જો આ રેડ ઝોનની મુલાકાત લીધી હશે તો તેમને મંજૂરી વગર રાજ્યમાં પ્રવેશ મળશે નહીં.
પરત ફરતા રાજ્યના રહેવાસીઓએ ઊતરાણ બાદ 14 દિવસ ક્વોરન્ટાઇન થવું પડશે.
ગ્રેટર બ્રિસબેન, પર્થ મેટ્રોપોલિટન રીજયન તથા પીલ રીજયનને પણ ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
નોધર્ન ટેરીટરી
ગ્રેટર ડાર્વિનમાં 48 કલાકનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
સેન્ટ્રલ ઓસ્ટ્રેલિયન ગોલ્ડ માઇન ખાતે કાર્યરત કર્મચારીને કોરોનાવાઇરસનું નિદાન થયા બાદ રાજ્યમાં પાંચ કેસ નોંધાયા છે.
જેમાંથી ચેપ ધરાવતી એક વ્યક્તિ ડાર્વિન ગઇ હતી. તેણે જે ફ્લાઇટમાં મુસાફરી કરી હતી તેની સાથેના તમામ 80 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા

Members of the public are seen wearing masks in Yagan Square, Perth. Source: AAP
એક મહિલાને કોરોનાવાઇરસનું નિદાન થયા બાદ રાજ્ય સરકારે પર્થ તથા પીલ વિસ્તારોમાં નિયંત્રણો અમલમાં મૂક્યા છે.
આ ઉપરાંત, ક્વિન્સલેન્ડ, નોધર્ન ટેરીટરી અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીથી આવતા મુસાફરો માટે નવા સરહદીય પ્રતિબંધો પણ અમલમાં મૂકવામાં આવ્યા છે.
રવિવારે બપોરે 12 વાગ્યાથી લાગૂ કરવામાં આવેલા નિયંત્રણો અંતર્ગત ઇન્ડોર સ્થળે તથા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે
આ ઉપરાંત, 2 સ્ક્વેયર મીટરે એક વ્યક્તિનો નિયમ લાગૂ કરાયો છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
દેશમાં કોવિડ-19 ના કેસ નોંધાયા બાદ પ્રથમ વખત કેનબેરાના રહેવાસીઓને માસ્ક પહેરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
મધ્યરાત્રીથી તમામ ઇન્ડોર સ્થળ, શોપિંગ સેન્ટર્સ, કેફે, જીમ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં હાલમાં એક પણ પોઝીટીવ કેસ નથી પરંતુ અન્ય રાજ્યોમાં વધી રહેલા કેસના કારણે ચેતવણીના ભાગરૂપે નિયંત્રણો અમલમાં છે.
શનિવારે રાત્રે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ ન્યૂ સાઉથ વેલ્સના લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા ગ્રેટર સિડનીના 50 લોકોને પરત ફરવા માટે જણાવ્યું હતું.
ક્વિન્સલેન્ડ

People wearing protective face masks are seen in the CBD of Brisbane. Source: AAP
ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસનો ત્રીજો કેસ નોંધાયો છે.
જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં આગામી બે અઠવાડિયા સુધી માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે રવિવારે કોરોનાવાઇરસના સંક્રમણનો ભય ધરાવતા 20થી વધુ સ્થળોની યાદી બહાર પાડી છે.
હાલમાં રાજ્યના એક પણ વિસ્તારમાં લોકડાઉન લાગૂ કરાયું નથી પરંતુ સરકાર પરિસ્થીતી પર નજર રાખી રહી છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા
સાઉથ ઓસ્ટ્રેલિયામાં હાલમાં કોરોનાવાઇરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી પરંતુ રાજ્ય સરકારે ક્વિન્સલેન્ડ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી તથા નોધર્ન ટેરીટરી સાથેની સરહદો બંધ કરી દીધી છે.
રાજ્યમાં પરત ફરતા રહેવાસીઓ તથા જરૂરિયાતની સેવામાં કાર્યરત કર્મચારીઓને જ રાજ્યમાં પ્રવેશની પરવાનગી અપાશે.
રીજનલ વિક્ટોરીયા તથા ગ્રેટર મેલ્બર્નના લોકોએ રાજ્યમાં પ્રવેશ કરતી વખતે ટેસ્ટ કરાવવો જરૂરી છે.
100 કિલોમીટરના ક્રોસ - બોર્ડર વિસ્તારના રહેવાસીઓ સિવાયના ન્યૂ સાઉથ વેલ્સના રહેવાસી માટે રાજ્યની સરહદો બંધ છે.
ફક્ત તાસ્મેનિયાના મુસાફરો જ નિયંત્રણ વગર રાજ્યમાં પ્રવેશ કરી શકે છે.
તાસ્મેનિયા
તાસ્મેનિયાએ ગ્રેટર સિડની, સેન્ટ્રલ કોસ્ટ, બ્લૂ માઉન્ટેન્સ અને વોલોંગોન્ગના મુસાફરો માટે રાજ્યની સરહદો બંધ કરી છે.
21 જૂન બાદથી આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને તાત્લાકિલ સેલ્ફ આઇસોલેટ થઇ ટેસ્ટ કરાવવા સલાહ આપવામાં આવી છે.