ભારત દેશમાં હવે આપાતકાલિન સેવા (Emergency Service) માટે અલગ અલગ નંબર ડાયલ નહીં કરવા પડે. ભારત સરકારે એક જ નંબર દ્વારા પોલીસ, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા અન્ય પ્રકારની મેડિકલ ઇમરજન્સીની મદદ મળી રહે તે માટેની "ઇમરજન્સી રીસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ" નામની સેવા શરૂ કરી દીધી છે.
મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી રાજનાથ સિંઘે આ સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો.
112 નંબર ડાયલ કરી સેવા મેળવી શકાશે
અગાઉ વિવિધ સેવાઓ માટે અલગ અલગ નંબર ડાયલ કરવા પડતા હતા પરંતુ, હવે આ સેવાનો પ્રારંભ થયા બાદ ફક્ત 112 નંબર જ ડાયલ કરીને જરૂરી સેવા મેળવી શકાશે.
દેશના 16 રાજ્યોમાં સેવા લાગૂ કરાઇ
ઇમરજન્સી રીસ્પોન્સ સર્વિસ દેશના કુલ 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરાઇ છે. ગુજરાત સહિત ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, કેરલ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પોન્ડિચેરી, લક્ષ્યદ્વીપ, આંદામાન, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં આ સેવા શરૂ કરવામાં આવી છે.
સરકારની માર્ગદર્શિકા પ્રમાણે દરેક રાજ્યએ આ સેવાના નિયમન માટે અલગ સપોર્ટ સેન્ટર શરૂ કરવું પડશે અને મદદ માંગનાર વ્યક્તિને આ સેન્ટર દ્વારા યોગ્ય માર્ગદર્શન આપી શકાશે.
Image
મોબાઇલ એપ્લિકેશનની સુવિધા
ગૂગલ પ્લે તથા એપલ સ્ટોર પર "112 ઇન્ડિયા" નામની મોબાઇલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. એપ્લિકેશન દ્વારા પણ કટોકટીના સમયે મદદ મેળવી શકાય છે. જે વ્યક્તિ પાસે સ્માર્ટફોન ન હોય તે લાંબા સમય સુધી 5 કે 9 નંબરનું બટન દબાવીને મદદ મેળવી શકે છે.
Image
આગામી સમયમાં સેવામાં ઝડપ આવશે
સરકારના અનુમાન પ્રમાણે આગામી 6થી 8 મહિના સુધી આ સેવાનો લાભ 10થી 12 મિનિટમાં મળી રહેશે અને ત્યાર બાદ તેમાં ઝડપ લાવીને તેને 8 મિનિટ સુધીનો કરાશે.
મહિલાઓની સુરક્ષા માટે વિવિધ સેવાનો પણ પ્રારંભ
મંગળવારે "ડાયલ 112" સેવાના પ્રારંભની સાથે મહિલાઓની સુરક્ષાને લગતી "સેફ સિટી પ્રોજેક્ટ્સ" ની સેવાનો પણ પ્રારંભ થયો હતો. 2919 કરોડ રૂપિયાના ખર્ચે દેશના આઠ શહેરો અમદાવાદ, બેંગલોર, ચેન્નાઇ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ અને મુંબઇમાં આ સેવા શરૂ કરવામાં આવી છે.
READ MORE

ગુજરાતમાં ગમખ્વાર અકસ્માત
Share

