ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ (ATO) હવે વિવિધ વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોની ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ પાસેથી માહિતી મેળવી શકશે.
તેમાં લોકોને ઓસ્ટ્રેલિયા સ્થાયી કરવામાં મદદ કરતા માઇગ્રેશન એજન્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, અમે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ પાસેથી વર્તમાન તથા તાજેતરમાં જ ગ્રાન્ટ કરવામાં આવેલા વિસાની માહિતી મેળવીશું.
મેળવેલી માહિતીની મદદથી વિસાધારકો ટેક્સ તથા સુપરએન્યુએશન સહિતની બાબતો યોગ્ય રીતે અનુસરે છે કે કેમ તે અંગેની નોંધ રાખવામાં આવશે.
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ જોબકિપર તથા કોરોનાવાઇરસ સાથે સંકળાયેલી અન્ય સહાયતા મેળવવા માટે હકદાર હતા કે કેમ તે અંગેની પણ વિગતો નોંધશે.
ATO એ જણાવ્યું હતું કે 1લી માર્ચ 2020થી 28 માર્ચ 2021 સુધીના વિસાની વિગતો મેળવીને કોરોનાવાઇરસ સહાયતા પેકેજ તથા જોબકિપરની યોજના મેળવનારા લોકોની લાયકાતની તપાસ કરવામાં આવશે.
હોમ અફેર્સ પાસેથી વિગતો મેળવીને સરકારી યોજનામાં થતી છેતરપીંડી સામે તપાસ કરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવાશે, તેમ ATO એ જણાવ્યું હતું.
ટેક્સ ભરતા તમામ વિસાધારકોની ચકાસણી નહીં થાય: ATO
હોમ અફેર્સ પાસેથી 2020-21 અને 2022-23 નાણાકિય વર્ષની વિગતો મેળવવામાં આવશે અને દર નાણાકિય વર્ષે 10 મિલિયન લોકોની વિગતોની ચકાસણી થશે.
જોકે, ATO એ સ્પષ્ટ કર્યું હતું કે, ટેક્સ ભરતા વિસાધારકો કે માઇગ્રેશન એજન્ટ્સની આ યોજના અંતર્ગત ચકાસણી કરવામાં આવશે નહીં.
ATO વિસાની માહિતી કેમ મેળવે છે?
વિઝીટર, અભ્યાસ કે માઇગ્રેશન વિસા હેઠળ ઘણા લોકો ઓસ્ટ્રેલિયા દર વર્ષે ઓસ્ટ્રેલિયા આવે છે. અને, જે-તે વિસાહેઠળ તેમની ટેક્સ અને સુપરએન્યુએશન સહિતની શરતો પણ અલગ અલગ હોય છે.
ATO એ જણાવ્યું હતું કે વિવિધ વિસાધારકો તથા તેમના નોકરીદાતાએ યોગ્ય રીતે ટેક્સની પ્રક્રિયા કરી છે કે કેમ તથા ઓસ્ટ્રેલિયા છોડતા લોકોની સુપરએન્યુએશન ઉપાડની લાયકાત સહિતની વિવિધ બાબતોની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે ATO વર્ષ 2009થી આ પ્રકારની માહિતી મેળવી રહ્યું છે. આ પ્રક્રિયા અંતર્ગત વિસાની અરજીકર્તા લોકો તથા તેમના સ્પોન્સરના સરનામું, તેમની ઓસ્ટ્રેલિયામાં ઊતરાણ અને પ્રસ્થાનનો સમય અને વિદ્યાર્થીઓના શિક્ષણ સંસ્થાનની માહિતી મેળવવામાં આવશે.
Share


