ઓસ્ટ્રેલિયાએ ભારતને કોરોનાવાઇરસની મહામારીમાં મદદ કરવા માટે જરૂરી સાધન સામગ્રીનો જથ્થો રવાના કરી દીધો છે.
ક્વોન્ટાસની ચાર્ટર્ડ ફ્લાઇટ બુધવારે સવારે સિડનીથી રવાના થઇ હતી. જેમાં 1056 વેન્ટીલેટર્સ, 43 ઓક્સિજન કોન્સન્ટ્રેસર્સ મોકલવામાં આવ્યા છે.
આ સાધનસામગ્રી ભારતના આરોગ્ય અધિકારીઓને કોરોનાવાઇરસ સામે ઝઝૂમી રહેલા દર્દીઓની સારવારમાં ઉપયોગી થશે.
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ સામગ્રી ઇન્ડિયન રેડ ક્રોસ તથા સ્થાનિક સરકારને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેન્દ્રીય સરકાર હાલમાં ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરી સાથે મળીને વધુ સાધન સામગ્રી ભારત મોકલવા પર કાર્ય કરી રહી છે.

Source: AAP
બીજી તરફ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પ્રીમિયર માર્ક મેકગોવાને પણ ભારતને મદદ મળી રહે તે માટે 2 મિલીયન ડોલરનું દાન કર્યું છે.
રાજ્ય સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ભારતમાં કોરોનાવાઇરસની મહામારી મદદ કરી રહેલી સ્થાનિક સામાજિક સંસ્થાઓને 2 મિલીયન ડોલરનું દાન કરવામાં આવ્યું છે.
આ રકમ ભારતમાં સામાજિક સંસ્થાઓને ફાળવવામાં આવશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો પણ તેમનું દાન નોટ - ફોર - પ્રોફિટ સંસ્થા Sewa International Australia ને આપી શકશે. આ દાનની રકમ ભારતમાં કાર્યરત આ સંસ્થાને પૂરી પાડવામાં આવશે.
રાજ્યના પ્રીમિયર માર્ક મેકગોવાને જણાવ્યું હતું કે, ભારતના આ મુશ્કેલ સમયમાં અમે તેમને પૂરતો સહયોગ આપવા કટિબદ્ધ છીએ. ફંડની મદદથી ભારતમાં સ્થાનિક સ્તરે કાર્ય કરતી સંસ્થાઓને મદદ મળી રહેશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ 50,000 ડોલરનું દાન કર્યું
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિયેશન તથા યુનિસેફ ઓસ્ટ્રેલિયા સાથે મળીને ફંડ એંકઠું કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 50,000 ડોલરનું દાન કરવાનો નિર્ણય લીધો છે અને સંસ્થાએ ઓસ્ટ્રેલિયાના લોકોને પણ દાન આપવા અપીલ કરી છે.

