ઓસ્ટ્રેલિયાની કેન્દ્રીય સરકારે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારતીય પ્રવાસીઓ વર્લ્ડ કપ દમરિયાન મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયા આવે તે માટે સરકાર લગભગ 5 મિલિયન ડોલરનો ખર્ચ કરી વિવિધ પ્રકારના કેમ્પેઇન હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020ના ફેબ્રુઆરી મહિનામાં ઓસ્ટ્રેલિયામાં વિમેન્સ ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે જ્યારે ઓક્ટોબર મહિનામાં મેન્સ ટી20 વર્લ્ડ કપ રમાશે.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસન મંત્રી સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા ટી20 વર્લ્ડ કપની યજમાની કરવા માટે આતુર છે. આ વર્લ્ડ કપના આયોજનથી દેશમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે.
વર્લ્ડ કપ દરમિયાન ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ઓસ્ટ્રેલિયા 5 મિલિયન ડોલરનો ખર્ચ કરી વિવિધ પ્રકારના કેમ્પેઇન કરશે, તેમ બર્મિંગહામે ઉમેર્યું હતું.
વર્તમાન સમયમાં ભારતીય પ્રવાસીઓ દ્વારા ઓસ્ટ્રેલિયાને વાર્ષિક 1.7 બિલિયન ડોલરની આવક થાય છે અને વર્ષ 2035 સુધીમાં દર વર્ષે 1.2 મિલિયન પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયામાં જ્યારે વન-ડે વર્લ્ડ કપ યોજાયો હતો ત્યારે લગભગ 1 લાખ જેટલા વિદેશી પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત વર્ષ 2018માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે પણ દેશમાં લગભગ 31 હજાર જેટલા ભારતીય પ્રવાસીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.
ટી20 વર્લ્ડ કપમાં ભારતનો કાર્યક્રમ
વિમેન્સ
- ભારત વિ. ઓસ્ટ્રેલિયા 21 ફેબ્રુઆરી, સિડની
- ભારત વિ. ક્વોલિફાયર 24 ફેબ્રુઆરી, પર્થ
- ભારત વિ. ન્યૂઝીલેન્ડ 27 ફેબ્રુઆરી, મેલ્બર્ન
- ભારત વિ. શ્રીલંકા 29 ફેબ્રુઆરી, મેલ્બર્ન
મેન્સ
- ભારત વિ. સાઉથ આફ્રિકા 24 ઓક્ટોબર, પર્થ
- ભારત વિ. ક્વોલિફાયર 29 ઓક્ટોબર, મેલ્બર્ન
- ભારત વિ. ઇંગ્લેન્ડ 1 નવેમ્બર, મેલ્બર્ન
- ભારત વિ. ક્વોલિફાયર 5 નવેમ્બર એડીલેડ
- ભારત વિ. અફઘાનિસ્તાન 8 નવેમ્બર સિડની