ઇંગ્લેન્ડમાં રમાયેલા આઇસીસી વન-ડે વર્લ્ડ કપની રસાકસી ભરી ફાઇનલની યાદો હજી પણ ક્રિકેટચાહકોના મનમાં તાજી છે ત્યારે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારી ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
ટી20 વર્લ્ડ કપની ટ્રોફીનું સિડનીમાં અનાવરણ
આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં મેન્સ અને વિમેન્સ ટી20 ક્રિકેટ વર્લ્ડ કપ યોજાવાનો છે. ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત યોજાવા જઇ રહેલા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટની મંગળવારે સિડની ખાતે વિવિધત જાહેરાત કરવામાં આવી હતી.
સિડનીના પ્રખ્યાત હાર્બર બ્રિજ પાસે યોજાયેલી પત્રકાર પરિષદમાં ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના રમત મંત્રી જ્હોન સિડોટી તથા ટી20 વર્લ્ડ કપના સીઇઓ નિક હોકલીએ હાજર રહીને ટૂર્નામેન્ટ અંગે વિવિધ માહિતી આપી હતી.
પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને વિમેન્સ – મેન્સ ટી20 વર્લ્ડ કપની યજમાની
ઓસ્ટ્રેલિયા વર્ષ 2020 માં બે ટી20 વિશ્વ કપની યજમાની કરશે. વિમેન્સ વર્લ્ડ કપ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ અને પુરુષોનો વિશ્વ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાશે.
મહિલા વિશ્વ કપમાં દસ ટીમો અને પુરુષોની વિશ્વ કપ 16 ટીમો ભાગ લેશે. બંને વર્લ્ડ કપની ફાઇનલ મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે.
ટૂર્નામેન્ટ અંગે વાત કરતા ન્યૂ સાઉથ વેલ્સના રમતમંત્રી જ્હોન સિડોટીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાને બંને વર્લ્ડ કપની યજમાની મળે તે ગર્વની વાત છે. વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટનું આયોજન દેશના યુવાનોને ક્રિકેટની રમતમાં અપનાવવા પ્રેરિત કરશે.

Source: Supplied
વિમેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા – ભારત વચ્ચે પ્રથમ મેચ
રમતમંત્રી જ્હોન સિડોટીએ જણાવ્યું હતું કે, વિમેન્સ વર્લ્ડ કપની પ્રથમ મેચ સિડની ખાતે રમાશે જેમાં યજમાન ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મુકાબલો થશે. આ ઉપરાંત, સિડની ટૂર્નામેન્ટની સૌથી વધુ 14 મેચોની યજમાની કરશે. જે વિવિધ દેશોના પ્રશંસકો – પર્યટકોને ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની મુલાકાત લેવાની તક પૂરી પાડશે.
આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેના દિવસે ફાઇનલ
મહિલા વિશ્વ કપની ફાઇનલ 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય વિમેન્સ ડેના રોજ યોજવામાં આવશે. આઈસીસી ટી20 વર્લ્ડ કપના ચીફ એક્ઝિક્યુટિવ નિક હોકલીએ સિડનીમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા વિશ્વ કપની ફાઇનલ યોજવાની છે. જે એક રેકોર્ડ સ્થાપિત કરશે.
અગાઉ આ રેકોર્ડ 1999ની વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલમાં નોંધાયો હતો જયારે અમેરિકા અને ચીન વચ્ચેની મેચમાં નેવું હજારથી વધુ પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મેલ્બર્ન ખાતે આવેલા મેલ્બર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની ક્ષમતા એક લાખ જેટલી છે. અને, પુરુષ ટી2૦ વર્લ્ડ કપ ફાઇનલની જેમ મહિલા વર્લ્ડ કપની ફાઇનલ પણ મેલ્બર્નમાં રમાય ત્યારે તે પ્રેક્ષકોથી છલોછલ ભરાઈ જાય તેવી આશા છે.
વિમેન્સ વર્લ્ડ કપની ટિકીટનું વેચાણ શરૂ
ઓસ્ટ્રેલિયાના જુદા – જુદા 6 શહેરોના આઠ ગ્રાઉન્ડ્સમાં યોજાનારા વિમેન્સ ટી2૦ વર્લ્ડ કપ માટેની ટિકીટોનું વેચાણ શરૂ થઇ ચુક્યું છે.
બીજી તરફ, ઓક્ટોબર 2020માં યોજાનારા મેન્સ ટી20 વર્લ્ડકપ માટે ટિકિટનું વેચાણ ઓક્ટોબરમાં શરૂ થશે, તેમ આયોજકોએ જાહેરાત કરી છે.
વિમેન્સ અને મેન્સ વર્લ્ડ કપની મોટાભાગની મેચોની ટિકીટોનો દર નક્કી કરી દેવામાં આવ્યો છે. બાળકો માટે ટીકીટનો ભાવ $5 રાખવામાં આવ્યો છે અને અને પુખ્તો માટે $20 થી ટીકીટના ભાવ શરૂ થશે.

Source: Supplied
ક્રિકેટ ચાહકો વર્લ્ડ કપ માટે આતુર
ઓસ્ટ્રેલિયામાં આગામી વર્ષે રમાનારા વિમેન્સ અને મેન્સ ટી20 વર્લ્ડ કપને લઇને વિવિધ દેશોના પ્રશંસકો પણ ઉત્સાહિત છે. ભારત આર્મીના નામથી ઓળખાતું ભારતીય ક્રિકેટ ટીમના પ્રશંસકોનું ગ્રૂપ સિડની ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યું હતું.
વર્લ્ડ કપ અંગે ભારત આર્મીના સભ્યોએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં મેન્સ અને વિમેન્સ ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમને ચીયર કરવા આતુર છીએ. વન-ડે વર્લ્ડ કપ કરતાં પણ ટી20 વર્લ્ડ કપ વધુ રોમાંચક બને તેવી આશા છે.