ભારત દેશ આજે 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, એક્ટીંગ મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટિકલ્ચલર અફેર્સ મંત્રી એલન ટજ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાન સહિતના નેતાઓએ ભારતને શુભકામના પાઠવી હતી.
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસન
વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારત તથા ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયને 74માં સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની સંસ્કૃતિ અલગ હોઇ શકે છે પરંતુ બંને દેશ સમાન મૂલ્યો ધરાવે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયાએ ઘણા ક્ષેત્રોમાં ભાગીદારી કરી છે અને ગાઢ મિત્રતાનો સંદેશ આપ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ, પ્રતિભાશાળી કર્મચારીઓ મોટી સંખ્યામાં રહે છે જે ઓસ્ટ્રેલિયાને બહુસાંસ્કૃતિક દેશ બનાવવામાં સહયોગ આપી રહ્યા છે.
કોરોનાવાઇરસ મહામારીના કારણે આ વખતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કંઇક અલગ રીતે થશે પરંતુ હું ભારતના લોકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવું છું.

મંત્રી એલન ટજ
એક્ટીંગ મિનિસ્ટર ફોર ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટિકલ્ચલર અફેર્સ મંત્રી એલન ટજે પોતાના શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયના લગભગ 700,000 લોકો રહે છે. અને, ગયા વર્ષે ભારતીય મૂળના 40,000 લોકોએ ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ સ્વીકાર્યું હતું.
ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય સમુદાય દેશમાં વિવિધ ક્ષેત્રોમાં પોતાનો ફાળો આપે છે. જેનાથી ઓસ્ટ્રેલિયાને ઘણા લાભ થઇ રહ્યો છે.
તેમણે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયને કોરોનાવાઇરસની મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયન સમાજમાં આપેલા સહયોગ બદલ આભાર વ્યક્ત કરી સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.

વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનીસી
એન્થની એલ્બાનીસીએ પોતાના સંદેશમાં ભારતે 73 વર્ષની સ્વતંત્રતા દરમિયાન કરેલા વિકાસને વર્ણવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતે આઝાદીના 73 વર્ષમાં ઘણી પ્રગતિ કરી છે.
કોરોનાવાઇરસના કારણે બહુસાંસ્કૃતિક દેશ ભારતમાં આ વર્ષે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કંઇક અલગ રીતે થશે પરંતુ ભારતીય સમુદાયનો જુસ્સો અંકબંધ રહેશે.
ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર, ગ્લેડિસ બેરેજીક્લિયાન
ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાને રાજ્યમાં વસતા ભારતીય મૂળના લોકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વસતા ભારતીય સમુદાયે અહીં મંદિરો, માતૃભાષા શિખવતી સ્કૂલ, ડાન્સ સ્કૂલનું નિર્માણ કર્યું છે તથા હોળી અને દિવાળી જેવા વિવિધ તહેવારો ધામધૂમથી ઉજવે છે.
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન વિવિધ સામાજિક પ્રવૃત્તિમાં ભારતીય સમુદાયે આપેલા સહયોગને યાદ કરીને પ્રીમિયર બેરેજીક્લિયાને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવી હતી.
સાંસદ જોડી મેકેયે પણ ભારતીય સમુદાયને ફેસબુકના માધ્યમથી સ્વાતંત્ર્ય દિવસની શુભકામના પાઠવી હતી.

