ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં ભયાનક પૂરની પરિસ્થિતી સર્જાતા રાહત અને બચાવકાર્યમાં મદદ મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના હેલીકોપ્ટર રવાના કરવામાં આવશે.
પૂરનું જોખમ ઓછું થયા બાદ વિવિધ બાબતોમાં મદદ મળી રહે તે માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના વધુ અધિકારીઓ તથા સાધન-સામગ્રી પણ મોકલવામાં આવશે.
કૃષિ, દુકાળ તથા આપાતકાલિન બાબતોના મંત્રી ડેવિલ લીટલપ્રાઉડે જણાવ્યું હતું કે, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના અધિકારીઓને મોકલવામાં આવી રહ્યા છે.
અધિકારીઓ પૂરથી પ્રભાવિત થયેલા વિસ્તારોના સમુદાયોના જનજીવનને ફરીથી સામાન્ય કરવામાં મદદ કરશે.
બીજી તરફ, ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસબેરેજીક્લિયને હવામાન વધુ ખરાબ થાય તે અંગે ચેતવણી જાહેર કરી હતી. તેમણે ગ્રાફ્ટોન સહિત નોધર્ન રીવર્સ વિસ્તાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
આ ઉપરાંત, હૉક્સબરી રીવર ખાતે પૂરના પાણીનું સ્તર વધતા આ વિસ્તારના લોકો વિજળી, પાણી તથા જીવન જરૂરિયાતની અન્ય ચીજવસ્તુઓથી વંચિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર શરૂ કરાયું
ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે વરસાદ તથા પૂરના કારણે હોમબુશ વિસ્તારમાં વધુ એક સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટર દ્વારા સતત બદલાતી પરિસ્થિતી પર નજર રાખવામાં આવશે.
આ સેન્ટર સ્ટેટ ઇમર્જન્સી સર્વિસને મદદ કરશે. સેન્ટરમાં કાર્યરત ટીમ સતત બદલાતી પરિસ્થિતી પર નજર રાખશે તથા મહત્વપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડશે.
મિનિસ્ટર ફોર પોલિસ એન્ડ ઇમર્જન્સી સર્વિસ, ડેવિડ એલિયટે પુરના અસરગ્રસ્તોને ઇમર્જન્સી સર્વિસના આદેશો અંગે જાગૃત રહેવા માટે જણાવ્યું છે.
- તેમણે લોકોને જો સ્થળાંતર કરવાની ફરજ પડે તો તમામ જરૂરી સામાન સાથે રાખવા તથા દવા, ગરમ કપડા, ઇન્સ્યોરન્સના દસ્તાવેજ તથા અન્ય સાધન સામગ્રી સાથે રાખવા જણાવ્યું છે.
- આ ઉપરાંત પીવાનું પાણી, ખોરાક પણ સાથે રાખવા સલાહ આપી છે.
- તેમણે લોકોને તમામ માહિતી તેમના પરિવારજનો, મિત્રો તથા પડોશીઓ સાથે વહેંચીને અન્ય લોકોને પણ મદદ કરવા માટે જણાવ્યું છે.
- શક્ય હોય તો લોકો તેમના પરિવારજનો તથા મિત્રો સાથે રહી શકે છે આ ઉપરાંત, રાહત કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા છે.
Castle Hill RSL, 77 Castle St, Castle Hill
Richmond Club, East Market St, Richmond
North Richmond Community Centre, William St, North Richmond
The Public Information and Inquiry Centre provides information about the severe weather at any time of day on 1800 227 228. For emergency help in floodwaters, call the NSW SES on 132 500.

