ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે વર્ષ 2020-21 માટે સ્કીલ્ડ અને બિઝનેસ વિસાની સંખ્યા નક્કી કરી દીધી છે.
અને, વિવિધ રાજ્યો અને ટેરીટરીને તે પ્રમાણે વિસા ફાળવવામાં આવશે.
આગામી સમયમાં, હવે રાજ્યો અને ટેરીટરી તેમની જરૂરિયાત પ્રમાણે 190 તથા 491 વિસા અંતર્ગત અરજીકર્તાને વિસા માટે આમંત્રિત કરી શકશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2020 - 21 માટે માઇગ્રેશનની કુલ સંખ્યા 160,000 નક્કી કરી છે. અને, વિવિધ વિસાશ્રેણીને તે પ્રમાણે વિસા ફાળવવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની મહામારીના પગલે દરેક રાજ્યો અને ટેરીટરીએ વચગાળાનો ક્વોટા પ્રાપ્ત થયો હતો. પરંતુ હવે તેમને નવો ક્વોટા મળ્યા બાદ તેઓ તેમની જરૂરિયાત પ્રમાણે અરજીકર્તાઓને વિસા માટે આમંત્રિત કરી શકશે, તેમ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું.

Australia will implement further visa incentives for Temporary Graduate Visa holders in 2021. Source: Supplied
બિઝનેસ વિસાને વધુ મહત્વ મળી શકે
કેન્દ્ર સરકારે વિસાની નક્કી કરેલી કુલ સંખ્યામાં વર્ષ 2020 - 21 માં બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિસાને 13,500 વિસા એનાયત કરવામાં આવ્યા છે. જે વર્ષ 2019-20માં 6862 હતા.
બીજી તરફ, વર્ષ 2019-20માં સ્કીલ્ડ વિસાની સંખ્યા 24,968 રાખવામાં આવી હતી, જેને વર્તમાન નાણાકિય વર્ષમાં ઘટાડીને 11,200 કરવામાં આવી છે.
પાર્થ પટેલે જણાવ્યું હતું કે આ નાણાકિય વર્ષમાં બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિસાને અન્ય વિસાની સરખામણીમાં વધુ મહત્વ આપવામાં આવે તેમ લાગી રહ્યું છે. તેથી જ, સ્કીલ્ડ વિસા માટે અરજીકર્તા ઉમેદવારોને વધુ મુશ્કેલ સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.
વિસા 2020-21 2019-20
રીજનલ 11,200 23,000
સ્ટેટ - ટેરીટરી નોમિનેટેડ 11,200 24,968
બિઝનેસ ઇનોવેશન એન્ડ ઇન્વેસ્ટમેન્ટ 13,500 6882
કોવિડ-19 બાદ અર્થતંત્ર મજબૂત બનાવવાની પ્રાથમિકતા
વિવિધ રાજ્યો અને ટેરીટરીએ વચગાળાના ક્વોટા દરમિયાન કોરોનાવાઇરસની મહામારી દરમિયાન જે ક્ષેત્રોએ અર્થતંત્ર મજબૂત બનાવવામાં ફાળો આપ્યો હતો. તેવા ક્ષેત્રોના અરજીકર્તાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
આગામી સમયમાં પણ મોટાભાગના રાજ્યો કોવિડ ક્રિટીકલ ક્ષેત્રોને પ્રાથમિકતા આપે અને તે ક્ષેત્રોમાં કાર્ય કરતા અરજીકર્તાને વિસા માટે આમંત્રિત કરે તેવી શક્યતા છે,
કેટલાક રાજ્યો આ અંગે સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ બહાર પાડે અથવા તમામ વ્યવસાયોને અરજી કરવાની મંજૂરી આપી તેમની જરૂરિયાત પ્રમાણે ઉમેદવારોને પસંદ કરી શકે છે, તેમ પાર્થે ઉમેર્યું હતું.
**આર્ટીકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી બાબત માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.
Share



