વિશ્વભરના 500 મિલિયન ફેસબુક યુઝર્સના ડેટા સાથે છેડછાડ થઇ હોવાના અહેવાલ બહાર આવ્યા બાદ ઓસ્ટ્રેલિયન્સને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સુરક્ષિત રાખવા માટે જણાવાઇ રહ્યું છે.
નામ, ફોન નંબર, ઇમેલ એડ્રેસ તથા એકાઉન્ટ આઇડી અને અન્ય માહિતી ઓનલાઇન માધ્યમ પર લીક થઇ હોવાનું જાણવા મળ્યું છે.
બિઝનેસ ઇનસાઇડર દ્વારા આ અંગે પ્રથમ રીપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 106 દેશના વપરાશકર્તાના ડેટા લીક થયા હોવાની માહિતી આપવામાં આવી હતી.
ફેસબુક દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદન પ્રમાણે, આ માહિતી જૂની છે અને તેનું વર્ષ 2019માં નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
ગાર્ડિયન ઓસ્ટ્રેલિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે વિશેષજ્ઞોએ હજી પણ યુઝર્સના ડેટા સાથે છેડછાડ થઇ શકે તેવી શક્યતા વ્યક્ત કરી છે.

General view of social media apps Facebook, Twitter and Instagram displayed on an iPhone 5. Source: EMPICS Entertainment
કોઇ વપરાશકર્તાનું ઇમેલ આઇડી જો કોઇ હેકર્સ પાસે પહોંચી જાય તો એ તેની મદદથી વધુ માહિતી મેળવી છેડછાડ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે 87 મિલિયન વપરાશકર્તાના ડેટા લીક થયો હોવાની માહિતી પ્રસારિત થતા ફેસબુક દ્વારા વર્ષ 2018માં યુઝરના ફોન નંબર દ્વારા તેમની માહિતી શોધી શકાય તે સુવિધા હટાવી દીધી હતી.
તમારું એકાઉન્ટ કેવી રીતે તપાસી શકાય
સિક્યુરીટી રીસર્ચર્સના જણાવ્યા પ્રમાણે વેબસાઇટ પર ઇમેલ આઇડી દ્વારી એકાઉન્ટ સાથે છેડછાડ થઇ છે કે કેમ તે વિશે જાણકારી મેળવી શકાય છે.
HaveIBeenPwned.com વેબસાઇટમાં ઇમેલ આઇડી ટાઇપ કરીને તમારું એકાઉન્ટ હેક થયું છે અથવા તેની સાથે કોઇ છેડછાડ થઇ છે કે કેમ તેની માહિતી મળે છે.
વિશેષજ્ઞો તમારા એકાઉન્ટ સાથે કોઇ છેડછાડ ન થાય તે માટે પાસવર્ડ બદલી દેવાની સલાહ આપી રહ્યા છે. આ ઉપરાંત એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે વધુ સિક્યોરિટી રાખવી જરૂરી છે.

