ઓરીનો વાઇરસ સૌથી ઝડપથી ફેલાતો વાઇરસ છે. ઓસ્ટ્રેલિયામાં ભલે આ વાઇરસ લગભગ એક દશકથી પણ વધુ સમય અગાઉ કાબૂમાં આવી ગયો હોય પરંતુ તેની અસર છેલ્લા કેટલાક સમયમાં વધી રહી હોય તેમ જણાઇ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન એકેડેમી ઓફ સાયન્સ અને કેન્દ્રીય સરકારે આ બિમારી સામે લડવા માટે નવું કેમ્પેઇન અમલમાં મૂક્યું છે અને નાગરિકોને રસી મૂકાવવા માટે સલાહ આપવામાં આવે છે.
કેમ્પેઇનના જણાવ્યા પ્રમાણે, જો તમે વિદેશ પ્રવાસ કરી રહ્યા હોય તો ટિકીટ, સામાનની ચકાસણી કરવા ઉપરાંત MMR રસી પણ મૂકાવવી જરરી છે. સામાન્ય તાવ આવવો, કફ થવો અને અણગમો ઉત્પન્ન થવો એ ઓરીના સામાન્ય લક્ષણો છે.
ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયામાં 180 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે.
બીજી તરફ ન્યૂઝીલેન્ડમાં પણ આ બિમારીની ગંભીર અસર જોવા મળી રહી છે. ઓક્ટોબર મહિનામાં ન્યૂઝીલેન્ડમાં ઓરીના લગભગ 1300 જેટલા કેસ જોવા મળ્યા છે.
આ ઉપરાંત અમેરિકાનું ન્યૂયોર્ક શહેર પણ રોગચાળાની ગંભીર પરિસ્થિતીમાંથી ધીરે-ધીરે બહાર આવી રહ્યું છે.
શહેરમાં લગભગ 650 જેટલા બાળકો આ રોગચાળાનો ભોગ બન્યા હતા. જેમાંથી મોટાભાગના લોકો રૂઢિચુસ્ત જ્યુઇશ સમાજના હતા, જેમના માતા-પિતાએ ધર્મનું કારણ આગળ ધરીને બાળકોને રસી અપાવવાનું ટાળ્યું હતું.
ક્વિન્સલેન્ડ હેલ્થ કમ્યુનિકેબલ ડિસીસ યુનિટના સોન્યા બેનેટ્ટે જણાવ્યું હતું કે જે લોકો આ રોગમાંથી સંપૂર્ણપણે મુક્ત થયા નથી તેઓ ફરીથી આ વાઇરસના કારણે બિમારીનો ભોગ બની શકે છે.
આરોગ્યખાતાના જણાવ્યા પ્રમાણે, જે લોકો તેમણે મૂકાવેલી રસી યોગ્ય હતી કે કેમ તે અંગે દ્વીધામાં હોય તેમણે પોતાનો રેકોર્ડ તપાસવો જોઇએ. અને, તેમ છતાં પણ જો કોઇ શંકા હોય તો રસી ફરીથી મુકાવી શકાય છે. તેમાં કોઇ જોખમ નથી.
કેન્દ્રીય સરકાર 20 વર્ષથી નાના લોકો તથા રેફ્યુજીઓને મફતમાં આ રોગનું નિદાન કરી રહી છે.