જે ઝડપથી કોરોનાવાઇરસની રસી ઉત્પાદિત થઇ રહી છે તેણે વિશ્વના મોટાભાગના લોકોને ચોંકાવી દીધા છે.
બ્રિટન અને યુનાઇટેડ સ્ટેટ્સે ફાઇઝર-બાયોન્ટેકની રસીને તાત્કાલિક ધોરણે મંજૂરી આપી દીધી છે. અને અમેરિકામાં મોડેર્નાની રસી અમુક સમુદાયને આપવામાં પણ આવી રહી છે.
અને, હાલમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના કેસમાં ફરીથી વધારો જોવા મળી રહ્યો છે ત્યારે, ઘણા લોકો કોરોનાવાઇરસની રસી ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે દ્વીધામાં છે.
કેન્દ્રીય સરકારે લોકોને આશ્વાસન આપ્યું છે કે રસી થોડા જ સમયમાં ઉપલબ્ધ થશે અને તેનું વર્ષ 2021ના પ્રથમ તબક્કામાં વિતરણ કરાશે. એટલી જ માહિતી અમને પ્રાપ્ત થઇ છે. આ અંગે હજી સુધી કંઇ ચોક્કસપણે ન કહી શકાય.
ઓસ્ટ્રેલિયાએ હજી સુધી રસીને માન્યતા કેમ આપી નથી?
યુનિવર્સિટી ઓફ સાઉથ ઓસ્ટ્રેલિયાના એપીડેમોલોજીસ્ટ પ્રોફેસર એડ્રીયન ઇસ્ટરમેનના જણાવ્યા પ્રમાણે જવાબ સરળ છે - ઉતાવળ કરવાની જરૂર નથી.

રસી અંગે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ફાઇઝર - બાયોનટેકની રસીને યુનાઇટેડ કિંગડમ અને અમેરિકામાં તાત્કાલિક ધોરણે માન્યતા આપવામાં આવી છે. તેનું હજી ત્રીજું પરીક્ષણ પણ પૂરું થયું નહોતું.
આ પ્રકારની માન્યતા મેળવવી સામાન્ય નથી. પરંતુ યુનાઇટેડ કિંગડમ અને અમેરિકા બંનેમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી વણસી રહી હોવાના કારણે તેઓ વધુ સમય સુધી રાહ જોઇ શકે તેવી પરિસ્થિતીમાં નહોતા. અને, તે સ્વીકાર્ય છે. તેમ તેમણે જણાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા ક્યારે રસી આપશે?
નિયંત્રણ કરનારી સંસ્થા ધ થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન પરીક્ષણના તમામ પરિણામો પર નજર રાખશે. તેનું અધ્યયન કરશે અને, ત્યાર બાદ લોકોને રસી મૂકવા માટે માન્યતા આપશે. તેમ પ્રોફેસર ઇસ્ટરમેને સિડનીમાં તાજેતરમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં વધારો થયો તે અગાઉ નિવેદન આપ્યું હતું.
તેમણે ફાઇઝર - બાયોનટેકની રસી માર્ચ 2021ની આસપાસ ઉપલબ્ધ થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
કોને સૌ પ્રથમ રસી મળશે?
ઓસ્ટ્રેલિયાના એક્ટીંગ ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ જણાવ્યું હતું કે પ્રાથમિકતાના આધારે લોકોને રસી આપવામાં આવશે. જેમાં વૃદ્ધ તથા અગાઉથી જ બિમારીનો સામનો કરતા લોકોને પ્રથમ તક અપાશે.
તેમણે જણાવ્યું હતું કે વાઇરસ વધુ ઝડપથી ગ્રહણ કરી શકે તેવા એજ કેરના કર્મચારીઓને યાદીમાં બીજું સ્થાન અપાશે. અને ત્યાર બાદ ઇમરજન્સી સર્વિસ અને જીવન જરૂરિયાતની સુવિધામાં કાર્ય કરતા કર્મચારીઓને રસી અપાશે.
રસીની કઇ કંપનીમાં ઓસ્ટ્રેલિયાએ રોકાણ કર્યું છે?
યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડની રસીને રદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયન સરકાર પાસે 3 વિકલ્પ છે. દર વ્યક્તિ દીઠ 2 ડોઝની જરૂરિયાત છે અને 25 મિલિયનથી વધુની વસ્તીને આવરી લેવાનો પડકાર છે.
એસ્ટ્રાઝેનેકા

કેન્દ્રીય સરકારે ઓક્સફોર્ડ યુનિવર્સિટીની એસ્ટ્રાઝેનેકા રસીના 33.8 મિલિયન ડોઝમાંથી 53.8 મિલિયન ડોઝનો ઓર્ડર આપવાનું તાજેતરમાં નક્કી કર્યું છે. તેની માન્યતા બાકી છે પરંતુ પરિણામો જણાવે છે કે તે 90 ટકા સુધી અસરકારક છે.
પ્રોફેસર ઇસ્ટરમેને જણાવ્યું હતું કે આ રસી ચિન્પાન્ઝી વાઇરસનો ઉપયોગ કરે છે જે નુકસાનકારક નથી અને અસરકારક બની શકે છે.
ઓસ્ટ્રેલિયન બાયોટેક્નોલોજી કંપની CSL એ આ રસીના 50 મિલિયન ડોઝ મેલ્બર્નમાં બનાવવા અંગે જણાવ્યું છે. તેણે તેનું ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે પરંતુ એસ્ટ્રાઝેનેકાને મંજૂરી મળવાની રાહ જોવી જરૂરી છે.
નોવાવેક્સ

અમેરિકાની નોવાવેક્સ રસી હાલમાં ત્રીજા તબક્કામાં છે. તેના 51 મિલિયન ડોઝનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
પ્રોફેસર ઇસ્ટરમેનના મત પ્રમાણે તે પ્રોટીન રસી છે. આ રસી આગામી વર્ષે મંજૂરી મેળવે તેવી તેમણે શક્યતા વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે તેનું સપ્ટેમ્બર મહિનામાં જ પરીક્ષણ શરૂ થયું હતું.
એટલે જ તે આગામી મે અથવા જૂન મહિના સુધી ઉપલબ્ધ થશે નહીં.
ફાઇઝર - બાયોનટેક

ફાઇઝર - બાયોનટેક રસીના 10 મિલિયન ડોઝ, તે 95 ટકા અસરકારક છે. સૌ પ્રથમ આ રસી ઓસ્ટ્રેલિયા પહોંચી તેવી શક્યતા છે. આ રસીના ઉત્પાદનમાં વપરાતી mRNA ટેક્નોલોજી તદ્દન નવી છે અને તેનો અન્ય કોઇ રસી બનાવવામાં ઉપયોગ થયો નથી.
જોકે આ રસી અસરકારક નીવડે તેમ છતાં પણ તેના બે ડોઝ જરૂરી છે અને ફક્ત 5 મિલિયન ઓસ્ટ્રેલિયન્સ જ તે મેળવી શકશે.
ઓસ્ટ્રેલિયન મેડિકલ એસોસિયેશનના ઉપપ્રમુખ ડો ક્રિસ મોયે જણાવ્યું હતું કે કેન્દ્રીય સરકારની અન્ય ઘણી બધી રસી મેળવવાની રણનીતિ મહત્વપૂર્ણ છે.
પરંતુ લેબર પક્ષે જણાવ્યું હતું કે ફક્ત 3 સંભવિત રસી માટે કરાર કરવા એ યોગ્ય રણનીતિ નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પાંચથી છ રસી જરૂરી છે.
ફાઇઝરની રસીનો સંગ્રહ મુશ્કેલ છે?
હા, તેને દર વખતે માઇનસ 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહિત કરવી પડે છે. જે તેને થોડું જટિલ બનાવે છે.
તેને ખાસ પ્રકારના કન્ટેનરમાં સંગ્રહિત કરવી પડે છે. એસ્કી જેવું જ પરંતુ પ્રવાહી નાઇટ્રોજન જેનાથી તે રસી વધુ ઠંડી રહી શકે, તેમ પ્રોફેસર ઇસ્ટરમેને જણાવ્યું હતું.

શું ઓસ્ટ્રેલિયા આ પ્રકારનો સંગ્રહ કરવા માટે સક્ષમ છે કે કેમ, તે અંગે તેમણે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો.
ફાઇઝર તેને ઓસ્ટ્રેલિયા ખાસ પ્રકારની એસ્કીમાં મોકલશે. તેને ઠંડા વાતાવરણમાં સંગ્રહિત કરવી તે એક પડકાર સમાન છે પરંતુ ઓસ્ટ્રેલિયા તેનો આસાનીથી સંગ્રહ કરી શકે તેમ છે.
mRNA રસી ફાઇઝર - બાયોનટેક રસીની જેમ જ અહીં ઉત્પાદિત થઇ શકે તેમ નથી કારણ કે તેના માટે એક અલગ પ્રકારની ટેક્નોલોજી જરૂરી છે.
પ્રોફેસર ઇસ્ટરમેને જણાવ્યું હતું કે mRNA રસી માટે આપણી અલગ જ ઉત્પાદન ક્ષમતા વિકસાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે. અને, મને લાગે છે કે તે આગામી મહામારીને ધ્યાનમાં રાખીને એક સારો વિચાર છે.
UQ/CSL રસીનું શું થયું?
ઓસ્ટ્રેલિયા માટે રસી ઉપ્તાદિત કરવાના ઉદ્દેશ્યને સાથે કાર્યરત યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડ અને CSL ને આ મહિનાની શરૂઆતમાં તેમની રસીનો વિચાર પડતો મૂકવાની ફરજ પડી હતી. પરીક્ષણમાં સામેલ થયેલા સહભાગીઓના HIV ટેસ્ટ ખોટા પોઝીટીવ આવ્યા હતા.
યુનિવર્સિટી ઓફ સિડનીમાં ઇન્ફેક્શિયસ ડિસીસ વિશેષજ્ઞ તરીકે ફરજ બજાવતા પ્રોફેસર રોબર્ટ બૂયે જણાવ્યું હતું કે તેને HIV ના કારણે સંક્રમણ થવાનું જોખમ રહ્યું નથી.
તેમાં થોડી માત્રામાં પ્રોટીનનો ઉપયોગ થતો હતો. તેને સંક્રમણ ધરાવતા વાઇરસ સાથે કોઇ સંબંધ નથી.
ભલે રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોય, પરંતુ વૈજ્ઞાનિકોને તેના HIV સાથેના સંબંધથી ઓસ્ટ્રેલિયાના HIV ટેસ્ટીંગ પ્રોગ્રામ, રક્તબેન્કના કાર્યોમાં અડચણ ઉપરાંત લોકોમાં તે રસી માટેના સકારાત્મક અભિગમ અંગે ચિંતા હતી.
રસી મેળવવા અંગે ઓસ્ટ્રેલિયાના લોકો શું માને છે?
કોઇ પણ રસીને સફળ બનાવવા માટે મોટાભાગના લોકોમાં તે અંગેની જાગૃતિ અને વિશ્વાસ કેળવવો જરૂરી છે.
મેલ્બર્નના ડોક્ટર અભિષેક વર્માએ વર્ષનો મોટાભાગનો સમય તેમના દર્દીઓને કોરોનાવાઇરસ વિશે જ્ઞાન આપવામાં પસાર કર્યો છે. અને હવે તેઓ સંભવિત રસી વિશે રહેલી માન્યતાઓ સામે લોકોને જાગૃત કરી રહ્યા છે.
અમને ઘણા બધા સવાલો મળે છે, શું રસી સંપૂર્ણપણે સલામત હશે. શું તે ફરજિયાત રહેશે. શું તે નુકસાનકારક તો નહીં હોય ને, તેમ તેમણે જણાવ્યું હતું.
બજારમાં ઝડપથી રસી ઉપલબ્ધ કરાવવા માટે તેની ગુણવત્તા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવી હશે તેવું તેમના કેટલાક દર્દીઓ માની રહ્યા છે.
તેમના મનમાં રહેલા સવાલોનું નિરાકરણ લાવવા માટે અમે તેમની સાથે વાર્તાલાપ કરીએ છીએ.
અમે તે માટે ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થના આંકડા અને તબીબી પરીક્ષણના આંકડા પ્રસ્તુત કરીએ છીએ. જેથી તેમની સમક્ષ સુરક્ષિત અને અસરકારક રસી અંગેનો ખ્યાલ મુકી શકાય.
નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટી દ્વારા 3061 ઓસ્ટ્રેલિયન વયસ્ક લોકો પર કરવામાં આવેલા સર્વે પ્રમાણે 58.5 ટકા લોકોએ રસી મેળવવા અંગે સહેમતિ દર્શાવી હતી જ્યારે 6 ટકા લોકોએ તેને નહીં લેવાનું કહ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના તમામ સમુદાયને રસીના કાર્યક્રમમાં સ્થાન મળશે?
ડો વર્મા જણાવે છે કે કેટલાક માઇગ્રન્ટ્સ સમુદાયને ભાષાની દ્વીધા તથા સાંસ્કૃતિક રીતે આરોગ્ય સાથે જાગૃત નહીં હોવાના કારણે મહત્વપૂર્ણ સંવાદોમાં સ્થાન મળતું નથી.
કેટલાક સમુદાયો પરંપરાગત રીતે આરોગ્ય સાથે સંકળાયેલી બાબતોમાં ભાગ લેતા નથી અને તેના કારણે મને લાગે છે કે આ પ્રકારના લોકો જે સત્તાવાર સંસ્થા પાસેથી આરોગ્ય વિશેનું જ્ઞાન નહીં મેળવે તો ગેરસમજણ વધતી જશે, તેમ ડો વર્માએ જણાવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગો કોરોનાવાઇરસની મહામારી દરમિયાન ઓસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજને યોગ્ય રીતે સંબોધવામાં નિષ્ફળ રહ્યા હોવા બદલ ટીકાને પાત્ર બન્યા હતા. નબળા ભાષાંતરથી લઇને વિવિધ સમુદાયના આગેવાનો સાથે વાર્તાલાપ નહીં કરવાના કારણે તેઓ બિનસત્તાવાર સ્ત્રોત પર આધારિત બન્યા હતા.
ઇસ્લામિક કાઉન્સિલ ઓફ વિક્ટોરીયાના પ્રવક્તા આદેલ સલમાને જણાવ્યું હતું કે રસી અંગે ઘણી ખોટી માહિતી ઓનલાઇન માધ્યમો પર પ્રસરી રહી છે. અને, તે ફક્ત ઓસ્ટ્રેલિયાના લઘુમતી સમુદાયો જ નહીં પરંતુ સમગ્ર દેશના લોકો માટે તે એક પડકાર સમાન છે.
સાચો સંદેશ ફેલાવવાની જરૂર છે કારણ કે તે અંગે વિવિધ પ્રકારની માન્યતાઓ અને ગેરસમજણ છે. આપણે સત્તાવાર અને વિશ્વસનીય સ્ત્રોત દ્વારા લોકો સુધી માહિતી પહોંચાડવાની દિશામાં કાર્યો કરવા જોઇએ.
તેમણે રસી ઉપલબ્ધ થાય તે અગાઉ તેના વિશેનું કેમ્પેઇન શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
આરોગ્ય મંત્રી ગ્રેગ હંટના પ્રવક્તાએ SBS News ને જણાવ્યુંહતું કે સરકાર કોરોનાવાઇરસની રસીના ઉત્પાદન તથા તેના અમલીકરણ અંગેની રણનીતિ તૈયાર કરી વિવિધ સમુદાયના આગેવાનો સાથે વાત કરશે અને તેમની સલાહ તથા ભલામણો સ્વીકારશે.
સરકારે તાજેતરમાં જ બહુભાષીય અને બહુસાંસકૃતિક સમુદાયો માટે કોરોનાવાઇરસ આરોગ્ય સલાહ ગ્રૂપની રચના કરી છે. તે સમૂહ આ મહિને પ્રથમ વખત મળ્યું હતું.
તેની કોઇ આડઅસર થઇ શકે?
પ્રોફેસર પૌલ ગ્રીફીન, યુનિવર્સિટી ઓફ ક્વિન્સલેન્ડમાં ઇન્ફેક્શનના કારણે થતા રોગના નિષ્ણાત છે તે જણાવે છે કે ઓસ્ટ્રેલિયાનો રસીનો કાર્યક્રમ થોડો જટિલ બની શકે છે.
મને લાગે છે કે રસીની જાળવણી તથા તે અંગે મનમાં રહેલો સંદેહ, આ બે બાબતો મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે. મને ખબર નથી કે શું આપણે આ બંને બાબતો અંગે પૂરતા પ્રમાણમાં ધ્યાન આપ્યું છે કે નહીં. તેમ તેમણે જણાવ્યું હતું.
રસીની જાળવણી ખૂબ જ જટિલ બની શકે છે કારણ કે આ પ્રકારનું કાર્ય ક્યારેય કરવામાં આવ્યું નથી.
આપણે અગાઉ પણ વિવિધ પદ્ધતિઓ દ્વારા કેટલીક રસી ઉપલબ્ધ કરાવી છે. અને, આપણને નિર્ધારીત પરિણામ મળ્યું નથી. તેમ તેમણે જણાવ્યું હતું.
આ ઉપરાંત, લોકોએ તે રસી મેળવી કે નહીં તે અંગે કોઇ ચોક્કસ રેકોર્ડ રાખવો જરૂરી છે. આ રસીના બે ડોઝ લેવા જરૂરી છે. જો લોકો બીજો ડોઝ લેવા ન આવે તો મુશ્કેલી સર્જાઇ શકે છે.
શું રસી અસરકારક રહેશે?
ડો મોય જણાવે છે કે ટૂંકાગાળાના રસી તથા લાંબાગાળાના રસીના કાર્યક્રમ અંગે ચોક્કસ સ્પષ્ટતા હોવી જરૂરી છે.
તે તમને માંદગીમાંથી બચાવી શકે છે પરંતુ હાલના તબક્કે તેના સંક્રમણથી તમે કેવી રીતે બચી શકો છો તે નક્કી નથી. તે એક તબક્કે અસરકારક રહી શકે બીજા તબક્કે તેની અસર ન પણ થાય, તેમ તેમણે ઉમેર્યું હતું.
આપણે ફક્ત વ્યક્તિગત રીતે લોકોમાં વાઇરસનું સંક્રમણ ન થાય એટલે નહીં પરંતુ સમુદાયમાં પણ તે ન ફેલાય એ માટે કાર્ય કરી રહ્યા છીએ. એટલે જ આ બધા રસીના સારા - નરસા પાસા છે. અને, તે કેટલી અસરકારક રહેશે તે અંગે કોઇ ચોક્કસપણે નક્કી થઇ શક્યું નથી.
આપણને આ અંગે ક્યારે કોઇ ચોક્કસ માહિતી મળશે?
પ્રોફેસર કેલીએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના રસીના કાર્યક્રમ અંગેની તમામ માહિતી જાન્યુઆરી મહિનામાં જાહેર કરાશે.
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો.
જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો.
સમાચાર અને માહિતી www.sbs.com.au/coronavirus પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.
તમારા રાજ્ય કે ટેરીટરીમાં મુસાફરીના દિશાનિર્દેશ વિશે અહીંથી માહિતી મેળવો - NSW, Victoria, Queensland, Western Australia, South Australia, Northern Territory, ACT, Tasmania.

