છેલ્લા કેટલાક સમયમાં ઓસ્ટ્રેલિયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા પ્રમાણે, વર્ષ 2018-19માં 9.3 મિલિયન લોકોએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી.
જેમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા 372,000 જેટલી હતી. વર્ષ 2017-18ની સરખામણીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં 11 ટકા જેટલો વધારો નોંધાયો છે.
ઓસ્ટ્રેલિયા આવતા ભારતીયોની સંખ્યામાં વધારો થતા કેન્દ્રીય પ્રવાસન મંત્રી સાઇમન બર્મિંગહામે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી.
આ અંગે સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયા આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. ઓસ્ટ્રેલિયા આવતા 90 ટકા પ્રવાસીઓએ અન્ય દેશોમાં ફ્લાઇટ બદલીને ઓસ્ટ્રેલિયા આવવું પડે છે.
જે ઓસ્ટ્રેલિયાનું ભારત સાથે સીધું જોડાણ ન હોવાનું દર્શાવે છે.
ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવા અંગે સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપમાં ભારતીય પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તે માટે 5 મિલિયન ડોલરના ખર્ચે વિવિધ પ્રકારના જાહેરાત કેમ્પેઇન પણ હાથ ધરવામાં આવશે.
આગામી સમયમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે વધુ સીધી ફ્લાઇટ્સ શરૂ કરાય તેવી આશા વ્યક્ત કરતા બર્મિંગહામે વધુમાં ઉમેર્યું હતું કે તેનાથી ઓસ્ટ્રેલિયન અર્થતંત્રમાં વેગ આવશે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018-19ના માર્ચ મહિનામાં 40,600, ડિસેમ્બરમાં 39,300 અને જૂન મહિનામાં 34,300 ભારતીય પ્રવાસીઓએ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધી હતી.
સાઇમન બર્મિંગહામે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વેપારની તકોનું નિર્માણ થવા ઉપરાંત શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા આવી રહ્યા હોવાના કારણે દેશમાં આવતા ભારતીય પ્રવાસીઓની સંખ્યા વધી છે.
Share


