ભારતમાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના સૌથી વધારે કેસ નોંધાયા છે ત્યારે વિવિધ દેશોએ ભારતને આરોગ્યલક્ષી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.
અમેરિકાએ કોરોનાવાઇરસની રસી બનાવવા માટે તાત્કાલિકપણે કાચી સામગ્રી તથા આરોગ્યલક્ષી સાધનસામગ્રી આપવાનો નિર્ણય લીધો છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમેરિકા તાત્કાલિક ધોરણે ભારતને સામગ્રી પહોંચાડવા માટે કાર્ય કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા દ્વારા આપવામાં આવી રહેલી સામગ્રી દ્વારા ભારત કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી શકશે. અમેરિકા ભારતને વેન્ટીલેટર્સ, ટેસ્ટ કીટ પણ ઉપલબ્ધ કરાવશે.
ઉલ્લેખનીય છે કે બ્રિટન, ફ્રાન્સ, જર્મનીએ ભારતને મદદની જાહેરાત કર્યા બાદ અમેરિકા પર ભારતને મદદ પહોંચાડવાનું દબાણ હતું.
અમેરિકા ભારતને વપરાઇ ન હોય તેવી એસ્ટ્રાઝેનેકાની રસી પણ ઉપલબ્ધ કરાવશે તેમ અમેરિકાના ચેપી રોગના અધિકારી ડો એન્થની ફૌસીએ જણાવ્યું હતું.
ફ્રાન્સ ભારતને જંગી માત્રામાં ઓક્સીજન પૂરી પાડશે તે ફ્રાન્સના રાષ્ટ્રપતિની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
બીજી તરફ, બ્રિટને જીવન રક્ષક આરોગ્યલક્ષી સામધ-સામગ્રી, વેન્ટીલેટર્સ, ઓક્સીજન પૂરા પાડવાનો નિર્ણય લીધો છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિંનતી બાદ બ્રિટનથી 600 જેટલી સાધન સામગ્રી ભારત મોકલવામાં આવશે.
પોતાના નિવેદનમાં યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું હતું કે કોરોનાવાઇરસની મહામારી સામેની લડતમાં અમે ભારતની સાથે છીએ. અમે શક્ય તેટલી મદદ કરવામાં આવશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારતને સંકટના સમયે આરોગ્યલક્ષી સાધન-સામગ્રી તથા અન્ય મદદનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે ટ્વિટરના માધ્યમથી ભારત મહામારીમાંથી બેઠું થાય તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
વિવિધ દેશોએ ભારત સાથેની સરહદો બંધ કરી
વિશ્વના વિવિધ દેશોએ ભારતમાં કોરોનાવાઇરસની પરિસ્થિતી વધુ ગંભીર થતા આંતરરાષ્ટ્રીય સરહદો બંધ કરવાનો નિર્ણય લીધો છે. થાઇલેન્ડે ભારતથી આવતા વિદેશી મુસાફરોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લીધો છે.
ભારત સાથે 4000 કિલોમીટરની સરહદ ધરાવતા પડોશી દેશ બાંગ્લાદેશે પણ 2 અઠવાડિયા સુધી જમીન સરહદો બંધ કરી છે.

