છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓસ્ટ્રેલિયન્સે ભયંકર બુશફાયરનો સામનો કર્યો અને ત્યાર બાદ હાલમાં ચીનથી ફેલાયેલા કોરોનાવાઇરસ સામે રક્ષણ મેળવવા માટે દેશના નાગરિકો વિવિધ પ્રકારની સાવચેતી રાખી રહ્યા છે.
બુશફાયર અને કોરનાવાઇરસ ન ફેલાય તે માટે લોકો એક વખત વાપરીને ફેંકી દેવાય તેવું માસ્કનો વપરાશ કરતા હોવાથી માસ્કની અછત વર્તાઇ છે.
રોયલ ઓસ્ટ્રેલિયન્સ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનરે નિવેદન આપ્યા બાદ સરકારે એક મિલીયન માસ્કનો સ્ટોક બજારમાં ઉમેર્યો છે આ સ્ટોક બુશફાયરથી અસર પામેલા વિસ્તારોમાં મોકલવામાં આવશે.
જો તમે પોતાને કોરોનાવાઇરસથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય અને તમારી પાસે માસ્ક ન હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કોરોનાવાઇરસ માટે માસ્ક પહેરવું જરૂરી નથી.
માસ્ક પહેરવાની કોને જરૂર છે
વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે, જે વ્યક્તિ કોરોનાવાઇરસનો શિકાર બની છે તેણે અને જેના શરીરમાં આ વાઇરસ ઉત્પન્ન થઇ શકે તેવી શક્યતા છે તેમણે જ માસ્ક પહેરવું જરૂરી છે.
જો તમે છેલ્લા 14 દિવસમાં ચીન ગયા હોય અને તમને તાવ, કફ, ગળામાં દુખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો જ તમારે માસ્ક પહેરવાની જરૂર છે.
ડોક્ટર્સ અને આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોએ કોરોનાવાઇરસના દર્દીની સારવાર કરતી વખતે માસ્ક પહેરવું જરૂરી છે.
જોકે, બાકી બધા સામાન્ય લોકોએ માસ્ક પહેરવું જરૂરી નથી.
ઓસ્ટ્રેલિયાના ચીફ મેડિકલ ઓફિસર બ્રેન્ડન મર્ફીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાના લોકોએ માસ્ક પહેરવાની જરૂર નથી. માસ્ક ફક્ત ત્યારે જ પહેરવું જ્યારે તેમને બિમારીનો અનુભવ થતો હોય અથવા તો તેઓ તાજેતરમાં ચીનથી આવ્યા હોય.

Public health officials participate in a preparation meeting for coronavirus (AAP) Source: AAP
રોયલ ઓસ્ટ્રેલિયન્સ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનરના પ્રમુખ ડો. હેરી નેસપોલોને ધ ફીડને જણાવ્યું હતું કે રસ્તા પર ચાલતી કોઇ પણ વ્યક્તિને કોરોનાવાઇરસ થાય તેમ નથી. જો કોઇ વ્યક્તિને કોરોનાવાઇરસ થયો હોય તેવી વ્યક્તિના નજીકના સંપર્કમાં આવવાથી જ આ વાઇરસ ફેલાઇ શકે છે.
કોરોનાવાઇરસથી બચવા કેવા માસ્ક જોઇએ
કોરોનાવાઇરસથી બચવાનો પ્રયત્ન કરતા હોય તો તમારે યોગ્ય માસ્ક પસંદ કરવા જરૂરી છે.
સર્જીકલ માસ્ક અને P2 માસ્ક કોરોનાવાઇરસના સંક્રમણથી રક્ષણ આપે છે. જો તમે બુશફાયર સામે રક્ષણ મેળવવા માંગતા હોય તો P2 માસ્ક શ્રેષ્ઠ છે.
કોરોનાવાઇરસથી કેવી રીતે બચી શકાય
તાજેતરમાં જ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થની વેબસાઇટ પર તે અંગે માહિતી આપવામાં આવી છે.
- વારંવાર હાથ ધોવા
- કફ અને શરદી થઇ હોય તો માસ્ક પહેરવું
- જંગલી કે તબેલાના પ્રાણીઓ સાથે સંપર્કમાં ન આવો
- દરેક વખતે હાથ લૂછવા માટે નવા કપડાનો ઉપયોગ કરો
- ખરેખર માંદા હોય તો ઓફિસ ન જવું, આરામ કરવો જેથી અન્ય સહ કર્મચારીઓને તેનો ચેપ ન લાગે