મંગળવારે ઓસ્ટ્રેલિયાની 18મી વખત વસ્તી ગણતરી કરવામાં આવશે. દેશના રહેવાસીઓની ગણતરી દ્વારા સરકારને વિવિધ સમુદાયોની સંખ્યા તથા તેમના માટે યોજના ઘડવાની યોગ્ય માહિતી પ્રાપ્ત થશે.
આ વખતની વસ્તી ગણતરીમાં 2 પ્રશ્નોનો ઉમેરો કરવામાં આવ્યો છો તો, એક પ્રશ્નની બાદબાકી કરવામાં આવી છે.
તમને ક્યા પ્રશ્નો પૂછવામાં આવશે અને કયા નહીં
ઓસ્ટ્રેલિયન સરકારે 10મી ઓગસ્ટ 2021ના રોજ યોજનારી વસ્તી ગણતરીમાં, શું તમને કોઇ લાંબા સમયની બિમારી કે તમે ક્યારેય પણ રક્ષાદળમાં ફરજ બજાવી છે કે કેમ તે અંગેના પ્રશ્નો પૂછવામાં આવશે.
પરંતુ જાતિ આધારીત પ્રશ્નની આ વખતે બાદબાકી કરવામાં આવી છે.
વર્ષ 2006 બાદ લાગૂ કરવામાં આવેલો આ પ્રથમ ફેરફાર છે.
અગાઉ ઘરમાં ઇન્ટરનેટના વપરાશ અંગેનો પ્રશ્ન પણ પૂછવામાં આવતો હતો પરંતુ હવે ઘરની બહાર ફોન તથા અન્ય ઉપકરણોમાં ઇન્ટરનેટનો વપરાશ થતો હોવાથી તે પ્રશ્ન પણ રદ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, વર્ષ 2020માં કોવિડ-19ના કારણે ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓના જીવનને ઘણી અસર થઇ પરંતુ, મહામારીના કારણે તેમના જીવનમાં કેવા ફેરફાર આવ્યા તે અંગેના સવાલ પૂછવામાં આવશે નહીં.
આ વર્ષની વસ્તી ગણતરીમાં કોવિડ અંગેના કોઇ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
મને હજી સુધી ફોર્મ ન મળ્યું હોય તો શું પ્રક્રિયા કરવી પડે?
દેશના મોટાભાગના રહેવાસીઓને ઓનલાઇન કોડ અને કામચલાઉ પાસવર્ડ મળ્યો હશે જેના દ્વારા તેઓ ABS website ની મુલાકાત લઇ ફોર્મ ભરી શકે છે.
ત્યાર બાદ સૂચનાઓનો અમલ કરો અને સવાલોના જવાબ આપો.
તમારું ઇન્ટરનેટ કનેક્શન ખરાબ છે અને તમે ફોર્મ ભરી શકતા નથી તો તમે 1800 130 250 પર સંપર્ક કરી પેપર ફોર્મ મંગાવી શકો છો. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કેટલાક લોકોને પેપર ફોર્મ્સ આપવામાં આવ્યા છે.
શું ફોર્મ વહેલા ભરી શકાય?
યાદ રાખો, જો તમે ફોર્મ વહેલા ભરી રહ્યા છો તો તમારે બધા જ સવાલના જવાબ યોગ્ય રીતે ભરવા જરૂરી છે.
વસ્તી ગણતરીના ફોર્મમાં તમારા ઘરે તે રાત્રે મુલાકાતી તથા બાળક સહિત રોકાનારી તમામ વ્યક્તિની વિગતો ભરવી જરૂરી છે.
જો તમે કોઇ મિત્ર કે અન્ય વ્યક્તિ સાથે રહો છો તથા 10મી ઓગસ્ટે રાત્રે તે નોકરી પર જાય છે અને સવારે પરત ફરશે, તેમ છતાં પણ તમારે ફોર્મમાં તેમની વિગતો ભરવી જરૂરી છે.
હું વસ્તી ગણતરીમાં ભાગ ન લઉં તો મને દંડ થશે?
વસ્તી ગણતરીમાં ભાગ ન લેવા બદલ 222 ડોલર સુધીનો દંડ થઇ શકે છે.
પરંતુ, તે અગાઉ તમને મેલ દ્વારા અથવા એબીએસના કર્મચારી દ્વારા એક વખત યાદ કરાવવામાં આવશે.
વર્ષ 2016માં વસ્તી ગણતરીમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી
વર્ષ 2016માં પ્રથમ વખત વસ્તી ગણતરી ઓનલાઇન માધ્યમ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના મિલીયન્સ લોકોએ તે દિવસે ટેક્નીકલ ખામીનો ભોગ બનવું પડ્યું હતું.
સાઇબર હુમલાના ભયથી ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સે ગણતરી સ્થગિત કરવાની ફરજ પડી હતી પરંતુ આ વર્ષે તે પ્રકારની કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સજ્જ હોવાનું એબીએસ દ્વારા જણાવવામાં આવ્યું છે.