ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 177 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતી કાબુમાં ન આવતા રાજ્ય સરકારે વર્તમાન લોકડાઉન 28મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
જેમાં ગ્રેટર સિડની, વોલોંગોન્ગ, બ્લૂ માઉન્ટેન્સ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં હાલમાં 165 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 56 ICUમાં અને 22 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઇ રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક દર્દીનું મૃત્યું થયું છે. 90 વર્ષીય એક મહિલાનું લિવરપુલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. વર્તમાન કોવિડ-19ના તબક્કામાં રાજ્યમાં આ 11મું મૃત્યું છે.
લોકડાઉન હેઠળ અમલમાં આવનારા નિયંત્રણો...
- ગ્રેટર સિડનીના રહેવાસીઓ માટે ખરીદી કરવાના નિયમો વધુ કડક કરવામાં આવ્યા છે. જે અંર્તગત બુધવારે મધ્યરાત્રીથી 10 કિલોમીટરની બહાર ખરીદી થઇ શકશે નહીં, તમારા સ્થાનિક વિસ્તારમાં રહીને જ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓની ખરીદી કરી શકાશે.
- 16મી ઓગસ્ટથી 12મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે.
- અન્ય વિદ્યાર્થીઓ 28મી ઓગસ્ટ સુધી ઓનલાઇન શિક્ષણ મેળવશે.
- અંતિમ સંસ્કારમાં 10 લોકોને પરવાનગી રહેશે
- 8 સ્થાનિક વિસ્તારો બહારના વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવા બાંધકામનું કાર્ય ફરીથી શરૂ કરી શકાશે.
8 વિસ્તારો કે જ્યાં કોવિડ-19ના સંક્રમણનો સોથી ભય છે ત્યાં કડક નિયમો લાગૂ કરાયા છે.
- કમ્બરલેન્ડ
- કેન્ટરબરી - બેન્ક્સટાઉન
- બ્લેકટાઉન
- લિવરપુલ
- ફેરફિલ્ડ
- પેરામેટ્ટા
- કેમ્પબેલટાઉન
- જ્યોર્જીસ રીવર
શાળાઓ
- 16મી ઓગસ્ટથી 12માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ મેળવી શકશે. અન્ય વિદ્યાર્થીઓ 28મી ઓગસ્ટ સુધી ઓનલાઇન શિક્ષણ મેળવશે.
- ચેપના સંક્રમણનો ભય ધરાવતા 8 સ્થાનિક વિસ્તારોના HSCના વિદ્યાર્થીઓ 16મી ઓગસ્ટથી પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરે તે અગાઉ ફાઇઝરની રસી મેળવી શકશે.

NSW Premier Gladys Berejiklian Source: AAP
- એકલાં રહેતા લોકો તેમને મળવા તથા મદદ મેળવવા અન્ય એક વ્યક્તિનું નામ નોંધાવી શકશે. પરંતુ, આગામી 4 અઠવાડિયા સુધી તે જ વ્યક્તિ તેમની મુલાકાત લઇ શકશે.
- 8 વિસ્તારોના લોકો તેમના વિસ્તારોમાં રહેતી વ્યક્તિને જ પસંદ કરી શકશે જ્યારે કડક લોકડાઉનની બહારના વિસ્તારોના લોકોએ 8 વિસ્તારની બહારની વ્યક્તિને પસંદ કરવી પડશે.
બાંધકામ
- 8 સ્થાનિક વિસ્તારો બહારના વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં નવા બાંધકામનું કાર્ય ફરીથી શરૂ કરી શકાશે.
- લોકડાઉન હેઠળ નથી તેવા વિસ્તારોમાં ટ્રેડવર્ક કરતા લોકો ઘરની મુલાકાત લઇ શકશે પરંતુ તેમણે કોઇ અન્ય વ્યક્તિ સાથે સંપર્કમાં ન આવે તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે.
- ટ્રેડવર્કર્સની મહત્તમ સંખ્યા 2 તથા મોટા કાર્યમાં મહત્તમ સંખ્યા 5 રાખવામાં આવશે.
- જોકે, આ તમામ ગોઠવણ નક્કી કરવામાં આવેલા 8 વિસ્તારોની બહારના વિસ્તારોમાં લાગૂ થશે.
3 દિવસે ટેસ્ટ કરાવવાના નિયમમાં ફેરફાર
- ફેરફિલ્ડ વિસ્તારમાં રહેતા લોકો - આરોગ્ય તથા એજ કેર સાથે સંકળાયેલા લોકોએ જ હવે દર 3 દિવસે કોવિડ-19 ટેસ્ટ કરાવવો જરૂરી છે.
- કેન્ટરબરી - બેન્ક્સટાઉન વિસ્તારમાં રહેતા લોકો - જીવન જરૂરિયાતની સર્વિસમાં કાર્ય કરતા કર્મચારીઓએ દર 3 દિવસે ટેસ્ટ કરાવવો જરૂરી છે.
- ફેરફિલ્ડમાં વોક - ઇન ટેસ્ટીંગ ક્લિનીક - પેઇરીવૂડ યુથ કમ્યુનિટી સેન્ટરમાં બુકિંગ કરાવવાની જરૂરીયાત નથી.
સહાય પેકેજ
- ગ્રેટર સિડની 4 અઠવાડિયા સુધી લોકડાઉન હેઠળ આવતા સરકારે કોવિડ-19 બિઝનેસ સપોર્ટ પેકેજ લંબાવવાનો નિર્ણય લીધો છે.
- જે અંતર્ગત હવે, નોટ ફોર પ્રોફિટ સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. લાયક સંસ્થાઓને તેમના ટર્નઓવર પ્રમાણે 1500 ડોલરથી 100,000 ડોલરની આર્થિક સહાય મળશે. આ સહાય મેળવવાની મર્યાદા 50 મિલીયનના ટર્નઓવરથી વધારીને 250 મિલીયન કરવામાં આવી છે.
- અન્ય કર્મચારી ન ધરાવતા વ્યક્તિગત વેપાર કરતા લોકોને અઠવાડિયે 1000 ડોલર મળવાપાત્ર રહેશે.