ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસ વધતા પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને શનિવારે સમગ્ર ગ્રેટર સિડની, વોલોંગોન્ગ તથા સેન્ટ્રલ કોસ્ટમાં લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો.
આ લોકડાઉન 2 અઠવાડિયા એટલે કે શુક્રવાર 9મી જુલાઇની મધ્યરાત્રી સુધી અમલમાં રહેશે.
શુક્રવાર રાત્રે 8 વાગ્યા બાદથી રાજ્યમાં સામુદાયિક સંક્રમણથી 29 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
જે અંતર્ગત, ફક્ત ચાર કારણોસર ઘરની બહાર જઇ શકાશે.
- જીવન જરૂરિયાતની ચીજવસ્તુની ખરીદી,
- નોકરી
- આરોગ્ય સુવિધા
- સાર-સંભાળ લેવા
જરૂરીયાત ધરાવતી પ્રવૃત્તિમાં રસી લેવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના રહેવાસીઓને નિર્ધારીત એપોઇન્ટમેન્ટ પ્રમાણે રસી લેવા જણાવવામાં આવ્યું છે.
અન્ય નિયંત્રણો...
- કોવિડ સેફના અમલ સાથે આ વીકેન્ડમાં લગ્નો યોજી શકાશે પરંતુ આગામી સોમવારથી લગ્ન સમારંભો પર પ્રતિબંધ
- 10 લોકોના સમૂહમાં કસરત કરી શકાશે.
- અંતિમ સંસ્કારમાં 100 લોકોને ભેગા થવાની પરવાનગી, ચાર સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ અમલમાં રહેશે
- ન્યૂ સાઉથ વેલ્સમાં શાળાની રજાઓનો પ્રથમ દિવસ હોવાથી શહેરના ઘણા રહેવાસીઓ રીજનલ ન્યૂ સાઉથ વેલ્સની મુલાકાતે ગયા છે. તેમણે ઘરે જ રહોના આદેશનું પાલન કરવું પડશે પરંતુ તેમણે તાત્કાલિકપણે સિડની પરત ફરવાની જરૂર નથી.
- જરૂરીયાતની શ્રેણીમાં નહીં આવતા હોય તેવા વેપાર - ઉદ્યોગ બંધ રાખવા પડશે.

People wear face masks at the Sydney Opera House in Sydney. Source: AAP Image/Steven Saphore
- બાળકો સહિત એક ઘરની મહત્તમ પાંચ વ્યક્તિ મુલાકાત લઇ શકશે
- હોસ્પિટાલિટી ઉદ્યોગો બેસવાની સુવિધા સાથે કાર્ય કરી શકશે, ચાર સ્ક્વેયર મીટરે 1 વ્યક્તિનો નિયમ
- આઉટડોર કાર્યક્રમોમાં 50 ટકાની ક્ષમતા સાથે મંજૂરી,
- ઇન્ડોર સ્થળે માસ્ક ફરજિયાત જેમાં કાર્યસ્થળ અને આઉટડોર ઇવેન્ટ્સનો પણ સમાવેશ થશે
- ડાન્સ અને જીમ ક્લાસિસમાં 20 લોકોને પરવાનગી
સરહદો બંધ
તાસ્માનિયાએ શનિવાર સાંજે 4 વાગ્યાથી ગ્રેટર સિડનીથી આવતા મુસાફરો માટે રાજ્યની સરહદો બંધ કરવાનો નિર્ણય લીધો છે.
દંડ
ગ્રેટર સિડનીથી રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ જવા પર પ્રતિબંધ હોવાના કારણે વાહનની નંબર પ્લેટના આધારે પોલિસ તપાસ કરશે. જો ગ્રેટર સિડનીની કાર રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં ઝડપાશે તો પોલિસ તાત્કાલિક વ્યક્તિદીઠ 11,000 ડોલરનો દંડ ફટકારી શકે છે. કારમાં 5 મુસાફર હશે તો 55,000 ડોલરનો દંડ થઇ શકે છે.