સમગ્ર વિશ્વના ઘણા દેશોમાં ગુજરાતી લોકો વસ્યા છે. તેઓ જે દેશમાં વસ્યા છે તે દેશની સંસ્કૃતિ તથા તેમની રહેણીકરણીને અપનાવી છે. સાથે જ, તેઓ ગુજરાતની સંસ્કૃતિ તથા તેના વારસાનું જતન કરવાનું ભૂલ્યાં નથી.
ઓસ્ટ્રેલિયામાં પણ મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને તેઓ તેમના બાળકોને ગુજરાતી કલા, સંસ્કૃતિ, રીત-રીવાજ તથા ભાષા સાથે અવગત કરાવે છે. સમગ્ર ઓસ્ટ્રેલિયામાં વિવિધ સ્થળોએ ગુજરાતી સમાજના બાળકો માટે ગુજરાતી ભાષાના વર્ગો ચાલે છે જેમાં તેમને ગુજરાતી જોડકણાં, પ્રાર્થના તથા કવિતાઓ દ્વારા ગુજરાતી ભાષાનું જ્ઞાન અપાય છે.
પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં દર અઠવાડિયે ત્રણ અલગ અલગ સ્થળોએ બાળકોને ગુજરાતી શીખવાડાય છે. જેમાં લગભગ ૧૦૦થી વધારે બાળકો ભાગ લે છે. તેમને કડકડાટ ગુજરાતી જોડકણાં તથા પ્રાર્થના ગાતા જોઇને ગુજરાતીની જ કોઇ શાળાનું દ્રશ્ય હોય તેમ લાગે છે.
પોતાની માતૃભાષા પ્રત્યે દરેક વ્યક્તિને આકર્ષણ તથા માન હોય છે. દેશથી હજારો કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી સમાજના લોકોના બાળકોમાં ગુજરાતી ભાષાનું મહત્વ તથા તેનો વપરાશ ધીરે – ધીરે ઘટતો જઇ રહ્યો છે અને તે એક ચિંતાજનક સ્થિતિ છે.
પરંતુ, માતૃભાષા ગુજરાતીની જાળવણી તથા તેના સંવર્ધન માટે પર્થમાં ઘણા સ્વયંસેવકો કાર્યરત છે. તેઓ ગુજરાતી ભાષાના વર્ગો દ્વારા પર્થમાં રહેતા ગુજરાતી સમાજના બાળકોને ભાષાનું જ્ઞાન આપે છે.
પર્થના લેન્ડ્સડેલ વિસ્તારમાં નેહલભાઈ શાહ તેમના ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને કારણે દર શનિવારે તેમના વિસ્તારના ૨૦ જેટલા બાળકોને ગુજરાતી શીખવાડે છે અને તે પણ વિના મુલ્યે. નેહલભાઇના જણાવ્યા "પ્રમાણે, જો ભાવિ પેઢીને ગુજરાતી નહીં આવડે તો આપણી પેઢીઓનો અનુભવ જતો રહેશે, ગુજરાતી ભાષા ન આવડવી એટલે તેજ વગરના સૂર્ય જેવું કહેવાય."
"નાના બાળકોને ગુજરાતી ભાષા વાંચતા આવડે અને આપણા શાસ્ત્રોની મહત્વ જળવાઈ રહે."
નેહલભાઇ બાળકોને કક્કો, બારાખડી, નાની વાર્તાઓ, જોડકણાં તથા બાળગીતો શીખવાડે છે. આ બાળકો "ઓ ઈશ્વર ભજીએ તને..., રવિ પછી તો સોમ છે..., ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિ...," જેવી પ્રાર્થના તથા જોડકણાં કડકડાટ બોલે છે.
આ ઉપરાંત, પર્થના વાંગારા વિસ્તારમાં એક સંસ્થામાં અંદાજે ૬૦ જેટલા બાળકો જ્યારે ડાઈનેલા વિસ્તારની એક સંસ્થામાં લગભગ ૨૦ જેટલા બાળકો ગુજરાતી ભાષા શીખે છે. આ ઉપરાંત શ્રી કચ્છી લેવા પટેલ સમાજ માં પણ બાળકોને ગુજરાતી શીખવાડાય છે.