ઓસ્ટ્રેલિયાની પર્મેનન્ટ રેસીડન્સી અથવા સ્ટુડન્ટ વિસા મેળવવા માટે ઉમેદવારની અંગ્રેજીની લાયકાતની તપાસ કરતી પરીક્ષા PTE - Pearson Test of English Academic એ તેમની સ્કોરીંગ પ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
જો ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની સરકાર આ ફેરફાર અમલમાં મૂકે તો વિવિધ વિસાહેઠળ ઓસ્ટ્રેલિયા સ્થાયી થવા માંગતા માઇગ્રન્ટ્સ પર તેની અસર પડે તેવી શક્યતા છે.
PTE ની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે, અન્ય મુખ્ય પરીક્ષા સાથે PTE ની સરખામણી કરીને તેનો સતત અભ્યાસ કરવામાં આવે છે. અને, ત્યાર બાદ તમામ પાસાને ધ્યાનમાં રાખીને વર્તમાન પ્રણાલીનું મૂલ્યાંકન કરાયું છે.
અભ્યાસના પરિણામને PTE Academic તથા IELTS Academic ટેસ્ટના સ્કોરની સરખામણી દરમિયાન એક માર્ગદર્શિકા અથવા ભલામણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેમ PTE એ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું હતું.
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તથા માઇગ્રેશનના હેતૂથી ઉમેદવારો PTE Academic ની પરીક્ષા આપે છે. તેની સ્કોરીંગ પ્રણાલીમાં કેટલાક ફેરફાર કરાયા છે.
નક્કી કરવામાં આવેલા ફેરફાર
PTE ના જણાવ્યા પ્રમાણે IELTS માં 7.5 બેન્ડ્સના સ્કોરની સરખામણીમાં PTE Academic ના સ્કોરમાં કેટલાક માર્ક્સનો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે IELTS માં 6.5 બેન્ડ્સના સ્કોર માટે PTE Academic ના વર્તમાન સ્કોરમાં નજીવો ઘટાડો કરવામાં આવ્યો છે.

Source: PTE
8 બેન્ડ્સ માટે પ્રયત્ન કરતા ઉમેદવારોને અસર પડી શકે
PTE Academic ની વર્તમાન સ્કોરીંગ પ્રણાલીમાં 79 માર્ક્સને IELTS ના 8 બેન્ડ્સ ગણવામાં આવતા હતા પરંતુ વેબસાઇટના જણાવ્યા મુજબ હવે 84 માર્ક્સ 8 બેન્ડ્સ તરીકે માન્ય ગણાશે.
તેથી જ, જે ઉમેદવારો 8 બેન્ડ્સ માટે તૈયારી કરતા હશે તેમને આ ફેરફારની અસર પડી શકે છે.
મેલ્બર્ન સ્થિત માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે જણાવ્યું હતું કે, નવા ફેરફાર મુજબ 7 કે 8 બેન્ડ્સ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને અસર પડી શકે છે. જ્યારે 7થી ઓછા બેન્ડ્સની જરૂરિયાત ધરાવતા લોકોને આ ફેરફારથી ફાયદો થાય તેવી શક્યતા છે.
આ ફેરફાર માત્ર PTE એ IELTS ના બેન્ડ્સ સાથે સરખામણી કરીને અમલમાં મૂક્યા છે. તે અંગે ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન ડીપાર્ટમેન્ટે કોઇ નિવેદન આપ્યું નથી. અને, તે સ્વીકારાશે કે ક્યારે લાગૂ થશે તે નક્કી નથી, તેમ પાર્થ પટેલે જણાવ્યું હતું.
નિર્ણયનો અમલ જે - તે દેશની સરકાર પર
PTE એ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ તથા યુનાઇટેડ કિંગડમ સહિતના દેશોને તેમના અભ્યાસના પરિણામ અને સુધારાથી માહિતગાર કર્યા છે પરંતુ, ઇમિગ્રેશન માટે પોઇન્ટ્સ કે બેન્ડ્સની જરૂરિયાત તથા તેને લાગૂ કરવા કે કેમ તે જે - તે દેશ નક્કી કરશે, તેમ PTE એ નિવેદનમાં જણાવ્યું હતું.
** આર્ટીકલમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતી વિશે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટની મુલાકાત લઇ શકાય.
Share


