ઓસ્ટ્રેલિયામાં વેપાર - ઉદ્યોગોને તેમના કર્મચારીઓ તથા ગ્રાહકોને કોરોનાવાઇરસની રસી લેવા બદલ વિવિધ સ્કીમ કે વાઉચર આપવા માટે પરવાનગી મળી ગઇ છે.
ઓસ્ટ્રેલિયા રહેવાસીઓને રસી લીધાનો પૂરાવો રજૂ કર્યા બાદ હવે મફતમાં ભોજન અથવા ફ્લાઇટ ટિકીટ્સમાં ડિસ્કાઉન્ટ જેવા લાભ પણ મળી શકે છે.
મેલ્બર્નમાં ક્લાસિક સિનેમા ગ્રૂપે કોવિડ રસી લેનારા લોકોને ‘Free Snacks for Vax' અંતર્ગત મફતમાં પોપકોર્ન આપવાની યોજના અમલમાં મૂકી છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયન એરલાઇન્સ કંપની ક્વોન્ટાસ પણ વર્ષના અંત સુધીમાં રસી લેનારા લોકો માટે 1000 ફ્લાઇટ પોઇન્ટ્સ, ફ્લાઇટ વાઉચર્સ અને એક વર્ષ સુધી મફતમાં મુસાફરી જેવી યોજના અમલમાં મૂકવા વિચારણા કરી રહી છે.
જોકે, વિશ્વના અન્ય દેશોમાં રસી મેળવનારા લોકો માટે ઓસ્ટ્રેલિયા કરતા અલગ યોજના અમલમાં મૂકાઇ રહી છે. જેમાં યુનિવર્સિટી સ્કોલરશિપ, સોનાના દાગીના જેવી ભેટ આપવામાં આવી રહી છે.
અમેરિકામાં કેવી ભેટ અપાય છે
અમેરિકામાં અડધાથી પણ વધુ લોકોને કોરોનાવાઇરસની રસી અપાઇ ચૂકી છે. પરંતુ એપ્રિલ મહિનાથી રસી મેળવવાની પ્રક્રિયા થોડી ધીમી થઇ છે.
અમેરિકામાં લોકો રસી લેવા પ્રોત્સાહિત થાય તે માટે મફતમાં બિયર, લોટરીની ટિકીટ જેવી યોજના અમલમાં મૂકાઇ છે.
અમેરિકાના વોશિંગ્ટન, કનેક્ટીકટ તથા ન્યૂ જર્સીમાં મફતમાં બિયર, વાઇન તથા કોકટેલ્સ જેવા પીણા અપાય છે. ન્યૂ યોર્કમાં પણ યુનિવર્સિટી સ્કોલરશિપ આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત, મે 24થી જુલાઇ 4 સુધી અમેરિકામાં ઉબર અને લેફ્ટ ટેક્સી કંપની રસી લેવા જવા માટે મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે.
ઓહાયોમાં, રસી મેળવનારા લોકોને 1 મિલીયનની ઇનામી રકમ ધરાવતી લોટરીમાં ભાગ લેવાની તક અપાઇ રહી છે.
ભારતમાં પણ વિવિધ યોજના અમલમાં
ભારતમાં પણ કોવિડ-19 રસી લેનારા લોકોને લોટરીમાં ભાગ લેવાની તક અપાઇ રહી છે. રસી મેળવીને લોકો સોશિયલ મીડિયા પર તેમનો ફોટો મૂકી અન્ય લોકોને પણ રસી લેવા પ્રોત્સાહિત કરી શકે છે.
આ લોટરીમાં 5000 રૂપિયા (88 ડોલર) ની રકમ જીતવાની તક રહેલી છે.
ગુજરાતના રાજકોટ શહેરમાં પણ રસી મેળવનારી મહિલાઓને સોની સમાજ દ્વારા સોનાના દાગીના તથા પુરુષોને હેન્ડ બ્લેન્ડર ભેટ સ્વરૂપે અપાઇ રહ્યું છે. આ ઉપરાંત, વિવિધ શહેરોમાં મફતમાં ભોજન પણ આપવામાં આવી રહ્યું છે.
મધ્ય પ્રદેશમાં પણ જે ગામમાં રસી મેળવવાનો દર 100 ટકા હશે તેમને 10 લાખ રૂપિયા (17,000 ડોલર) જીતવાની તક મળશે.
સર્બિયામાં પણ મે મહિનો પૂરો થયો તે અગાઉ રસી મેળવનારા લોકોને 3000 દિનાર (40 ડોલર) આપવામાં આવી રહ્યા છે.