ઓસ્ટ્રેલિયામાં નોકરીનું માર્કેટ સ્પર્ધાત્મક છે. મતલબ કે નોકરી માટેની જગ્યા ઓછી અને ઉમેદવારો વધુ હોય છે. જો તમને ઇન્ટરવ્યુ માટેનો ફોન આવે તો તમારે યોગ્ય રીતે તૈયારી કરવી જરૂરી છે.
AEMS ખાતે કેરીયર ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેટર તરીકે કાર્ય કરતા માર્ગ ડેવિસ જણાવે છે કે, ઉમેદવારોએ ઇન્ટરવ્યુમાં શું પૂછવામાં આવશે તે અંગે જાગૃત રહેવું જરૂરી છે.
તેમણે નોકરી, તેમની જવાબદારી અને તેમણે આ નોકરી માટે કેમ અરજી કરી છે તેની જાણકારી રાખવી જરૂરી છે. આ ઉપરાંત, તેમણે પોતાની સ્કીલ્સ, જ્ઞાન અને અનુભવ વિશે પણ યોગ્ય માહિતી રાખવી જોઇએ.
Image
રીસર્ચ જરૂરી
નોકરી માટે જે સંસ્થામાં અરજી કરી હોય ત્યાં ઇન્ટરવ્યુમાં જતા અગાઉ તે સંસ્થા વિશે રીસર્ચ કરો. તેમની વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર તપાસો.
ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી નોકરી માટેની સંસ્થા Hays ના મેનેજીંગ ડીરેક્ટર ટીમ જેમ્સ જણાવે છે કે કોણ ઇન્ટરવ્યુ અગાઉ લેશે તે પણ જાણવું હિતાવહ છે પરંતુ તેમણે ઇન્ટરવ્યુ અગાઉ જે-તે ઇન્ટરવ્યુ લેનારી વ્યક્તિનો લિન્ક્ડઇન પર સંપર્ક ન કરવા અંગે જણાવ્યું છે.
નોકરી કયા પદ માટે છે તે તપાસવું જોઇએ અને તમે ઇન્ટરવ્યુમાં કયા શબ્દોનો પ્રયોગ કરશો તેની તૈયારી કરો. નોકરીદાતા કેવી જવાબની આશા રાખતા હોય તે અંગે જાણો અને જવાબ તૈયાર કરો.
જવાબ કેવી રીતે તૈયાર કરવા
તમે તમારા વિશે જણાવો, કંપની વિશે જણાવો અને તમારા કાર્યો વિશે માહિતી આપો જેવા સવાલોનો સામનો કરી શકો છો. તમને કોઇ ઘટના અંગેના અનુભવ વિશે પણ પૂછવામાં આવી શકે છે.
માર્ગ ડેવિસના જણાવ્યા પ્રમાણે, તમે ભૂતકાળમાં શું કરો છો એ જણાવશો તો નોકરીદાતાને તમે ભવિષ્યમાં શું કરશો તેનો અંદાજ આવી શકે છે.
આ સવાલો થોડા અઘરા હોય છે અને તેને તૈયાર કરવા માટે સમય જોઇએ. તેથી જ તમે નોકરી વિશે જાણકારી મેળવો, તેની રોલને સમજો, ત્યાર બાદ નાના પોઇન્ટ્સ બનાવીને તેને તૈયાર કરો. નોકરીના ઇન્ટરવ્યુ દરમિયાન તેને યોગ્ય રીતે પ્રસ્તુત કરો.
તમારા મિત્રો સાથો ઇન્ટરવ્યુની થોડી તૈયારી કરો. જો કોઇ વ્યક્તિએ ભૂતકાળમાં ઉમેદવારોનું ઇન્ટરવ્યું લીધું હોય તેની સાથે પણ ઇન્ટરવ્યુ અંગે વાતચીત કરી શકાય છે.
Image
તમારો દેખાવ શ્રેષ્ઠ રાખો
તમે નોકરી વિશે યોગ્ય જવાબ તૈયાર કરો તે જરૂરી છે પરંતુ નોકરીદાતા તમને તમારા શોખ અને નોકરી બહારના કાર્યો વિશે પણ પૂછી શકે છે.
ઇન્ટરવ્યું નાની વાતોથી શરૂ થઇ શકે છ. જેમકે, આજે તમે શું કર્યું, અહીં કેવી રીતે આવ્યા.
જે લોકો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા આવ્યા છે તેમણે લોકોને મળવું જોઇએ. અહીંની સંસ્કૃતિને સમજવી જોઇએ. ઇન્ટરવ્યુમાં પ્રથમ ત્રણથી પાંચ મિનીટ સુધી સામાન્ય પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમ કે, તમે કેમ છો, આ પ્રકારના સવાલોમાં યોગ્ય જવાબ આપવો પણ એટલો જ જરૂરી છે.
યોગ્ય ડ્રેસિંગ જરૂરી
કંપનીના ડ્રેસ કોડ અનુસાર કપડા પહેરો. કેટલાક ઇન્ટરવ્યુમાં ટાઇ અને સૂટ પહેરવા જરૂરી હોય છે.
કંપનીના ડ્રેસ કોડ વિશે તપાસો અને જો તેમ છતાં પણ ખબર ન પડે તો કંપનીના રીસેપ્શન પર ફોન કરીને તે વિશે માહિતી મેળવી શકાય છે.
તમારા શરીર અને અવાજમાં ચોક્કસાઇ રાખો

Smiling candidate in discussion with interviewees during an interview. Source: Getty Images
ઇન્ટરવ્યુના દિવસે તમે જે-તે સ્થાને 10 મિનીટ અગાઉથી જ પહોંચી જાઓ. જેથી તમને મોડું ન થાય.
સકારાત્મક અભિગમ રાખો. ચહેરા પર સ્મિત રાખો, ટટ્ટાર રહો, ઇન્ટરવ્યું લેનારની આંખની ભાષા સમજો, થોડું મોટેથી બોલો અને લોકો સાંભળી શકે તે રીતે ઝડપ રાખો.
ડેવિસ જણાવે છે કે જો તમને પાણીનો ગ્લાસ આપવામાં આવે તો તેને – “યસ પ્લીઝ...” કહીને સ્વીકારો.
ઇન્ટરવ્યુના અંતે સવાલો તૈયાર રાખો
ઇન્ટરવ્યુના અંતે તમને પૂછવામાં આવી શકે છે કે જો તમને કોઇ પ્રશ્વ હોય તો અમને પૂછી શકો છો. તમે પ્રશ્નો તૈયાર રાખો.
એવા સવાલો પૂછો કે જેથી ઇન્ટરવ્યુ પેનલને લાગે કે તમને કંપની વિશે રીસર્ચ કર્યું છે અને તમે નોકરી મેળવવા માટે ઉત્સુક છો. બે કે ત્રણ સવાલો તૈયાર રાખવા જરૂરી છે, તેમ ડેવિસે જણાવ્યું હતું.
Image
ફોલો – અપ
એક વખત ઇન્ટરવ્યુ પૂરું થઇ જાય, તો પેનલનો આભાર માનવાનું ન ચૂકશો. અને તેમને પૂછો કે હવે તમારે શું કરવાનું છે. ડેવિસ ફોલો – અપ ઇ-મેલ કરવા અંગે પણ સલાહ આપી રહ્યા છે.
જેમાં તમે આ નોકરી માટે ઉત્સુક છો તેમ જણાવી શકાય છે.
આશા છે કે તમને નોકરી મળી જાય પરંતુ જો તમને સકારાત્મક જવાબ ન મળે તો નિરાશ થવાની જરૂર નથી. નોકરી મેળવવા માટે કેટલીક વખત ઘણા ઇન્ટરવ્યુમાંથી પસાર થવું પડે છે.
યાદ રાખો કે દરેક ઇન્ટરવ્યુમાંથી તમે કંઇક શીખી શકો છો. અને, નવા ઇન્ટરવ્યુ માટે તે કામમાં આવી શકે છે.