વિશ્વ માતૃ માનસિક સ્વાસ્થ્ય દિવસ ગર્ભાવસ્થા અને બાળક જન્મ બાદ મહિલાઓમાં આવતા બદલાવ પુરા પરિવાર પર અસર કરે છે. ગર્ભાવસ્થા અને બાળકનો જન્મ બાદ ઘણી મહિલાઓ ડિપ્રેશન અને માનસિક તાણથી પીડાય છે, અને ગુજરાતી મહિલાઓ આ મુદ્દે સામાન્ય રીતે મદદ માંગતી નથી. આજે વિશ્વ માતૃ માનસિક સ્વાસ્થ્ય દિવસ પ્રસન્ગે જાણીએ રશ્મિ શાહની (નામ બદલાવેલ છે) આપવીતી
રશ્મિ લગ્ન કરીને પોતાના પતિ સાથે વર્ષ 2013માં ઓસ્ટ્રેલિયા આવી,તેણીના પ્રેમ લગ્ન હતા. અહીં રશ્મિને તરતજ તેના ક્ષત્રમાં નોકરી પણ મળી ગઈ, રશ્મિને લાગ્યું કે આથી વધુ સારું જિંદગી પાસે શું માંગી શકાય? ટૂંક સમયમાંજ તેણી ગર્ભવતી બની. પોતે માતા બનવાની છે તે ખબર થી રશ્મિ અને તેનો પરિવાર ખુબ ખુશ હતો. તેઓ પોતાના પરિવારમાં નાના મહેમાનને આવકારવા આતુર પણ હતા.
ગર્ભાવસ્થા દરમયાન રશ્મિએ એક વિડીયો જોયો, જેમાં દેખાડવામાં આવ્યું હતું કે બાળકને જન્મ આપતી વખતે માતા એ કેટલી બધી પીડા ભોગવવી પડે છે. આ વીડિયોએ તેના પર ખુબ ઊંડી અસર કરી અને તેણી બાળક જન્મ અંગે ચિંતિત બની ગઈ. તેણીને થયું કે તેણી આ દર્દ સહન નહિ કરી શકે અને શું થશે?
આ વિડીયો જોયાના અમુક સપ્તાહ બાદ, આ વિડીયો જોવાના કારણે લાગેલ ડર હવે માનસિક રીતે કે ખરાબ અસર પાડવા લાગેલ. આમ પણ તેણી જીવનના અમુક તબક્કામાંથી પસાર થતા ચિંતા અને ડિપ્રેશનનો સામનો કરી ચુકી હતી.
તેણી આ પ્રસન્ગ યાદ કરતા કહે છે કે, જયારે તેણીના ગર્ભાવસ્થાના સાત કે આઠ મહિના થયા હતા, ત્યારે અચાનક એક દિવસ તેણી તેની ઓફિસમાં બેઠી હતી અને તેને રડવું આવ્યું, તેણી જણાવે છે કે તેનું ગર્ભમાં રહેલ બાળક સ્વસ્થ હતું, તેનો પરિવાર ખુશ હતો છતાંય તેણીને રડવું આવતું હતું. તેણી તેના કામમાં ધ્યાન કેન્દ્રિત નહોતી કરી શકતી. તેણે તેના મેનેજર પાસેથી ઘેર જવા રજા માંગી અને રજા મળી પણ ગઈ.
રશ્મિ જણાવે છે કે તે સમયે તેણીને લાગતું હતું કે, " હું પોતાને ખોઈ રહી છું , મને થયું કે હું ક્યારેય સારું અનુભવી નહિ શકું , ક્યારેય કામ પર પરત નહિ ફરી શકે. મને ત્યાં સુધી લાગતું હતું કે હું મારી પ્રેગ્નન્સી પણ પુરી નહિ કરી શકું. મને એવું લાગ્યું કે હું ચટ્ટાન પર થી પડી ગઈ છું અને મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી."
હું પોતાને ખોઈ રહી છું , મને થયું કે હું ક્યારેય સારું અનુભવી નહિ શકું , ક્યારેય કામ પર પરત નહિ ફરી શકે. મને ત્યાં સુધી લાગતું હતું કે હું મારી પ્રેગ્નન્સી પણ પુરી નહિ કરી શકું. મને એવું લાગ્યું કે હું ચટ્ટાન પર થી પડી ગઈ છું અને મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી.
ઘેર જવાના બદલે રશ્મિ કાર પાર્કમાં જઈ રડવા લાગી, તે ધ્રુસકે ધ્રુસકે રડતી હતી. રશ્મિના એક સહકર્મચારી એ તેને રડતી જોઈ અને તેણીને મદદ કરવા આવ્યા. તેમણે રશ્મિના પતિને ફોન કરી બોલાવ્યા. રશ્મિના પતિ તેને તરતજ ઇમરજન્સી વિભાગમાં લઇ ગયા. તેઓ પણ આ પરિસ્થિતિથી સહેજ ગભરાયેલા હતા. તેમને રશ્મિને રડવા પાછળનું કારણ પણ પૂછ્યું, પણ રશ્મિ કશું જ જણાવી ન શકી અને રડવા લાગી. રશ્મિ ગર્ભવતી હોવાના કારણે ઇમરજન્સી વિભાગ સાવધાની વર્તતું હતું. તે રાતે તેની ઊંઘી ન શકી, આખી રાત તેની આરામ ખુરશી પર બેઠી રહી.
રશ્મિ કહે છે કે ઓસ્ટ્રેલિયાની સ્વાસ્થ્ય સેવાઓનો જોટો જડે તેમ નથી. પ્રાથમિક ચેક અપ કર્યા બાદ તરતજ મનોચિકિત્સક અને સ્ત્રી રોગ નિષ્ણાતે એન્ટી ડિપ્રેસન્ટ આપી તેણીની સારવાર શરુ કરી. તેઓ ગર્ભના બાળકને નુકસાન ન થાય તે માટે હળવો ડોઝ આપતા હતા. થોડા દિવસો રશ્મિ પેનિક રહી.
રશ્મિના સાસુ તેની ડિલિવરી માટે ઓસ્ટ્રેલિયા આવવાના જ હતા, પણ રશ્મિની પરિસ્થિતિ જોઈએ તેના પતિએ તેમને તુરંતજ બોલાવી લીધા. રશ્મિ નબળી પડી ગઈ હતી, હજુ પણ ચિંતિત અને ડિપ્રેશન અનુભવતી હતી. રશ્મિની આ પરિસ્થિતિ જોઈએ તેના સાસુ દુઃખી થયા અને આવનાર બાળક અંગે ચિંતિત બન્યા.
રશ્મિની સારવાર કરનાર મનોચિકિત્સકે રશ્મિને વધુ ને વધુ સમય મિત્રો સાથે અને અન્ય ગર્ભવતી મહિલાઓ સાથે ગાળવાની સલાહ આપી. કેમકે પરિવાર - મિત્રો રશ્મિને ખુશ રાખી શકે અને અન્ય ગર્ભવતી મહિલાઓ તેનો પ્રસુતિની પીડા અંગેનો ડર ઓછો કરી શકે. હોસ્પિટલના સ્ત્રી નિષ્ણાતે રશ્મિને સાંત્વના આપતા કહ્યું કે જો તેણી પીડા સહન નહિ કરી શકે તો સી - સેક્શન વડે પ્રસુતિ કરાવશે જેથી તેણીને જરાય પીડા નહિ થાય. રશ્મિના સાસુએ પણ રશ્મિને ખુબ સપોર્ટ કર્યો. દવાઓ, પરિવારનો સપોર્ટ અને ડોક્ટરોની મદદથી રશ્મિની માનસિક પરિસ્થિતિમાં સુધારો થયો હતો.
આ મુદ્દે વોલોન્ગોન્ગના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. ધર્મેશ કોઠારી જણાવે છે કે," ઓસ્ટ્રેલિયા જેવા ઘણા વિકસિત દેશોમાં પાંચ માંથી એક નવી માતા બનેલ મહિલા પેરીનાટાલ - ચિંતા અનુભવે છે. આ બીમારી મોટાભાગે અવગણવામાં આવે છે, તેની સારવાર કરવામાં આવતી નથી અને ઘણા સંજોગોમાં તેની નકારાત્મક અસર માતા અને બાળક પર જોવા મળે છે."
ઓસ્ટ્રેલિયા જેવા ઘણા વિકસિત દેશોમાં દર પાંચ માંથી એક નવી માતા બનેલ મહિલા પેરીનાટાલ- ચિંતા અનુભવે છે. આ બીમારી મોટાભાગે અવગણવામાં આવે છે, તેની સારવાર કરવામાં આવતી નથી અને ઘણા સંજોગોમાં તેની નકારાત્મક અસર માતા અને બાળક પર જોવા મળે છે.
15મી ઓક્ટોબર 2014ના રશ્મિએ સી - સેક્શન દ્વારા બાળકીને જન્મ આપ્યો. લક્ષ્મીજીના જન્મ તરીકે બાળકીનો જન્મ વધાવી લેવાયો.
જયારે રશ્મિ બાળકીને લઈને ઘેર આવી ત્યારે તેના સાસુએ તેને એક અજીબ પારિવારિક પ્રથા અંગે જણાવ્યું, જે મુજબ બાળકના જન્મ બાદ એક મહિના સુધી માતા અને બાળક બંને અશુદ્ધ માનવામાં આવતા અને તેમને સીધા સૂર્યપ્રકાશમાં રહેવાની કે પરિવારની કોઈ વ્યક્તિએ અડવાની મનાઈ હતી. આ વાત સાંભળતાજ રશ્મિ ફરી ચિંતિત બની, તેણીને આઘાત લાગ્યો. આ રશ્મિનું પહેલું બાળક હતું તો તેણીએ સમજ નહોતી પડતી કે બધું એકલે હાથે કેમ મેનેજ કરશે? વળી સી - સેક્શનના કારણે તેણીએ ઉઠવા - બેસવામાં પણ તકલીફ થતી હતી, તેણી બાળકીને શાંત નહોતી રાખી શકતી, ધવડાવવામાં પણ તકલીફ થતી હતી, પણ કોઈ તેની મદદ માટે ન હતું.
જયારે જયારે મિડવાઈફ ઘેર તપાસવા આવતી ત્યારે રશ્મિના સાસુ બધું સામાન્ય છે તેવું દેખાડતા.
રશ્મિ હવે વધુ નિરાશ બની હતી, તેણીને થયું કે તેના અને તેની બાળકી માટે કોઈ નથી વિચારતું, તે એકલતા અનુભવવા લાગી. તેણી સરખી રીતે ઊંઘી નહોતો શકતી, તેને થયું આ પરિસ્થિતિનો અંત ક્યારેય નહિ આવે. તેને થયું કે પોતે અને તેની દીકરી પરિવાર પર બોજ સમાન છે આથી તેમના પ્રત્યે આવું વર્તન થઇ રહ્યું છે. એક વાર તો રશ્મિએ પોતાના પતિને કહી પણ દીધેલ કે અમારા બંને વગર જ તારમરી જિંદગી સુખી છે.
રશ્મિના પતિ તેને ખુબ પ્રેમ કરતા હતા, પણ પરંપરાની વિરુદ્ધ જવામાં ડરતા હતા, તમને હતું કે જો પરંપરા તોડી તો ભવિષ્યમાં કશું ખરાબ થશે.
એક વખત રશ્મિ તેના રૂમમાં રડી રહી હતી, તેની દીકરીને ધવડાવવા પ્રયાસ કરી રહી હતી પણ તેના નીપલ ઉઠી આવ્યા હતા. આ સ્થતિ જોઈએ રશ્મિ ના પતિ તેણીએ તુરંત જ મેડિકલ સેન્ટર લઇ ગયા.
મોટાભાગના લોકો એ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિષે સાંભળ્યું છે, પણ આ અંગે જાગૃતિનો અભાવ છે
મેડિકલ સેન્ટર પર ડોક્ટર સમક્ષ રશ્મિ બાળક જેમ રડી પડી અને પોતાની વ્યથા જણાવી, ડોક્ટર મહિલા હતી આથી તેની પરિસ્થિતિને સહેજ સારી રીતે સમજી શકી. તેણીએ તેને સ્તન પર લગાડવા જેલ આપી, નીપલ શિલ્ડ આપ્યા. તેણીએ રશ્મિને શાંત પાડી અને ઈમોશનલ સપોર્ટ આપ્યો. રશ્મિના પતિ સાથે પણ ડોકટરે વાત કરી. રશ્મિ માટે દવાઓ સાથે કાઉન્સેલિંગ સેશન પણ ગોઠવી આવ્યા અને નવી બનેલ માતાઓના ગ્રુપમાં જોડાવાની સલાહ આપી.
આ પગલું રશ્મિના સાસુને બિલકુલ ન ગમ્યું અને તેઓ ભારત પરત ફર્યા.
રશ્મિને મદદ કરવા તેના પતિએ એક મહિનો રજા લીધી અને રશ્મિ ફરી સામાન્ય જિંદગી તરફ પરત ફરી.
રશ્મિ જણાવે છે કે, " મોટાભાગના લોકો એ પોસ્ટપાર્ટમ ડિપ્રેશન વિષે સાંભળ્યું છે, પણ આ અંગે જાગૃતિનો અભાવ છે વિશ્વ માતૃ માનસિક સ્વાસ્થ્ય દિવસ આ અંગે વધુ જાગૃતિ લાવે અને મહિલાઓ આ બીમારી સામે ઈલાજ કરાવતી થાય અને મદદ માંગતી થાય તો ઘણું સારું "
More Gujarati stories

'હું ઓસ્ટ્રેલિયામાં કામ કરી શકું પણ આ વિઝા હેઠળ અહીં રહી ના શકું'