ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયન પ્રવાસ પર વિરોધી ટીમના ખેલાડીઓ સાથે કોઇ પણ પ્રકારની તકરાર કરવા માગતો નથી.
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળતા અગાઉ કોહલીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે ત્યાર જ શાબ્દિક તકરારમાં ઊતરશે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ તે શરૂ કરશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ત્રણ ટી20 મેચ, ચાર ટેસ્ટ મેચ તથા ત્રણ વન-ડે મેચની શ્રેણી રમશે.
ભારતીય ટીમનો કેપ્ટન કોહલી તેના આક્રમક વલણ માટે જાણિતો છે. પરંતુ તેના કહેવા પ્રમાણે ભારતીય ટીમ આક્રમકતા નહીં પરંતુ પોતાની ક્ષમતા પર વધારે ધ્યાન આપશે.
કોહલીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી મેદાન પર તકરારની વાત છે ત્યાં સુધી હું એવી કોઇ પણ તકરારમાં પડ્યા વિના ક્રિકેટ રમવા માગું છું.

Indian cricket captain Virat Kohli speaks during press conference in Mumbai, India, Thursday, Nov 15, 2018. Source: AAP Image/ AP Photo/Rajanish Kakade
"મને મારી ક્ષમતા પર પૂરો ભરોસો છે અને હું તકરાર વિના પણ રમી શકું છું."
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓનું મેદાન પરનું વર્તન ચર્ચામાં રહ્યું છે. તેમના ત્રણ મુખ્ય ખેલાડીઓ બોલ ટેમ્પરિંગ વિવાદમાં સપડાયાં હતા.
કોહલીએ જણાવ્યું હતું કે, તે ઓસ્ટ્રેલિયન ટીમ પર કોઇ પણ પ્રકારનું આક્રમણ કરશે નહીં. પરંતુ તેના જણાવ્યા પ્રમાણે ભૂતકાળમાં તમામ ઘટનાઓ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
"એક ટીમના કેપ્ટન હોવાના કારણે તમારી પાસે આ પ્રકારની તકરાર કરવાનો સમય હોતો નથી. અમે ક્યારેય તકરાર શરૂ કરતા નથી."
કોહલીના જણાવ્યા પ્રમાણે, "જ્યાં સુધી આ પ્રકારની તકરાર શરૂ થતી નથી. અમે અમારી રમત પર જ ધ્યાન આપવા માગીએ છીએ, અને અન્ય બાબતોને મહત્વ આપતા નથી."
"જો તેઓ એ પ્રકારે જ રમવા માંગશે, તો અમે પણ જવાબ આપીશું,"
ભારતીય ટીમનું તાજેતરમાં વિદેશ પ્રવાસમાં પ્રદર્શન સારું રહ્યું નથી. સાઉથ આફ્રિકા સામે તેનો 2-1થી તથા ઇંગ્લેન્ડ સામે તેનો 4-1થી પરાજય થયો હતો પરંતુ કોહલીના જણાવ્યા પ્રમાણે તેની ટીમે આ પરાજયમાંથી ઘણું શીખ્યું છે.
"ઇંગ્લેન્ડ સામે હાર્યા બાદ અમે ટીમમાં ચર્ચા કરી હતી અને તમામ ખેલાડીઓ પોતાની ભૂલ સુધારવા માટે તૈયાર છે."
ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયામાં ક્યારેય પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. જોકે અત્યારે ટીમ પાસે શ્રેણી જીતવાની તક રહેલી છે.
Share


