ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવારે સિડની ખાતે પ્રથમ વન-ડે મેચ રમાનારી છે ત્યારે તેની ટિકીટની માંગમાં ભારે વધારો જોવા મળ્યો છે. જોકે, સત્તાવાર રીતે શ્રેણીની મોટાભાગની મેચની ટિકીટ વેચાઇ ગઇ હોવાથી કેટલાક લોકો સોશિયલ મીડિયા અને અન્ય વેબસાઇટ પર તેનું ઉંચી કિંમતમાં વેચાણ કરી રહ્યા છે.
SBS Hindi ને મળતી માહિતી પ્રમાણે, લોકો ફેસબુક, વોટ્સએપ તથા અને સોશિયલ મીડિયા માધ્યમ પર 100 ડોલરથી 999 ડોલર સુધી ટિકીટો વેચી રહ્યા છે.
સિડની સ્થિત દેબદીપ પાનીગ્રાહીએ 100 ડોલરમાં બે ટિકીટ ખરીદી હતી. જોકે, તેની મૂળ કિંમત 60 ડોલર હતી.

Source: SBS
તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે મોંઘા ભાવે ટિકીટ ખરીદ્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો નહોતો.
જ્યારે ટિકીટનું વેચાણ શરૂ થયું ત્યારે મેં તેને ખરીદવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગણતરીની મિનિટોમાં જ ટિકીટો વેચાઇ ગઇ હતી, તેમ દેબદીપે ઉમેર્યું હતું.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના જણાવ્યા પ્રમાણે, વન-ડે અને ટી20ની કુલ છ મેચમાંથી પાંચ મેચની ટિકીટો વેચાઇ ગઇ છે.

Debadeep Panigahi Source: Supplied by Debadeep Panigahi
વર્લ્ડ ક્રિકેટ ફેન્સ તરફથી ગુરનામ સિંઘે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી મેચ હંમેશાં હાઉસફૂલ રહે છે. અને ટિકીટની ભારે માંગ જોવા મળે છે.
કોરોનાવાઇરસની મહામારીના કારણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ અને માનુકા ઓવલમાં ક્ષમતાના 50 ટકા લોકોને પ્રવેશ આપવામાં આવશે.
બીજી તરફ, ટિકીટો વેચાઇ ગયા બાદ કેટલાક પ્રશંસકો નિરાશ પણ થયા છે.
ડો. દીપક રાય તેમના પરિવારજનો માટે ટિકીટ ખરીદી શક્યા નહીં.

Source: SBS
તેમણે જણાવ્યું હતું કે, તેઓ ટિકીટની મૂળ કિંમત કરતાં ઉંચી કિંમત આપીને ટિકીટ ખરીદશે નહીં. મેં સત્તાવાર રીતે ટિકીટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં નિષ્ફળતા મળી હતી, તેમ ડો. રાયે જણાવ્યું હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27મી નવેમ્બર 2020ના રોજ પ્રથમ વન-ડે મેચ રમાશે.
Share


