ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યના પર્થ શહેરમાં ભારતીય મૂળની સાત વર્ષીય બાળકીને હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયું છે.
વિવિધ માધ્યમોમાં પ્રસારિત થયેલા અહેવાલ અનુસાર, હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં બે કલાક સુધી રાહ જોયા બાદ પણ સારવાર ન મળતા ઐશ્વર્યા અશ્વથનું શનિવારે મોત નીપજ્યું હતું.
હાઇલાઇટ્સ
- ભારતીય મૂળની 7 વર્ષીય બાળકીનું પર્થની હોસ્પિટલમાં મૃત્યુ
- તાવ આવ્યા બાદ હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળી હોવાનો આરોપ
- રાજ્યના આરોગ્ય મંત્રીએ વધુ તપાસના આદેશ આપ્યા
તેના પરિવારજનોના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યાને તાત્કાલિક સારવાર મળે તે માટે તેમણે ઘણી વખત વિનંતી કરી હતી પરંતુ તેમની વિનંતી પર ધ્યાન આપવામાં આવ્યું નહોતું.
શુક્રવારે તાવ આવ્યા બાદ ઐશ્વર્યાને શનિવારે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
તેના માતા-પિતાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી વોર્ડમાં ડોક્ટરની સારવાર મળે તે માટે તેમણે 2 કલાક સુધી રાહ જોઇ હતી અને ત્યાર બાદ તેને અંતે દાખલ કરવામાં આવી હતી પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
રાજ્યના આરોગ્ય મંત્રી રોજર કૂકે આ ઘટના બાદ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે બાળકીના મૃત્યુ બાદ તેના માતા-પિતા અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ એક ભયાનક ક્ષણ છે.

Source: Supplied/Suresh Rajan
આ ઘટના બાદ મેં એક્ટીંગ ડાયરેક્ટર જનરલને તપાસના આદેશ આપ્યા છે અને ઘટના સાથે જોડાયેલી તમામ બાબતો અંગે જવાબ માંગ્યા છે.
બીજી તરફ, ઐશ્વર્યાના પરિવારજનોએ પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલની કાર્ય કરવાની શૈલીની સમીક્ષા કરી વધુ સ્ટાફને ફરજ પર રાખવાની માંગ કરી છે.
પરિવારના પ્રવક્તાએ SBS Malayalam ને જણાવ્યું હતું કે તે બાળકીને શુક્રવારે તાવ આવ્યો હતો અને તેના માતા-પિતાએ પેરાસિટામોલ દવા આપી હતી.
જોકે શનિવારે તેની તબિયત વધુ ખરાબ થઇ હતી અને તેને સાંજે 5 વાગ્યે પર્થ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી અને સારવારમાં વિલંબ થયા બાદ તેનું મોત થયું હતું.


