કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થતા હજારો વિદ્યાર્થીઓ દેશ બહાર ફસાઇ ગયા છે.
એક આંકડા પ્રમાણે 110,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે. જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતમાં ફસાઇ ગયા છે.
ભારત સરકારે વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય પરંતુ હાલમાં ભારતમાં ફસાઇ ગયા હોય તેવા વિદ્યાર્થીઓને રસી માટે પ્રાથમિકતા આપવાનું નક્કી કર્યું છે.
બીજી તરફ, ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇકમિશેને ભારતમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ઓનલાઇન માધ્યમ પર રજીસ્ટ્રેશન કરવા જણાવ્યું છે જેથી તેઓ તેમની વિગતો મેળવી પરત ફરવા માટે મદદ કરી શકે.
ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય હાઇકમિશ્નર મનપ્રિત વોહરાએ એસબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન સરકારે ભારતથી આવતા મુસાફરો પર પ્રતિબંધ તથા ફ્લાઇટ્સની સંખ્યા ઘટાડી હોવા છતાં પણ વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરશે તેવો વિશ્વાસ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયામાં હજારો ડોલરની ફી ભરી છે તેથી જ્યારે ઓસ્ટ્રેલિયાની સરહદો શરૂ થશે ત્યારે તેઓ અભ્યાસ પૂરો કરવા પરત ફરશે.
જોકે, દેશના શિક્ષણ મંત્રી એલન ટજે એસબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે, મોટાભાગની યુનિવર્સિટી આગામી વર્ષના મધ્ય સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરત લાવી શકે તેવી ઓછી શક્યતા હતી પરંતુ, સરકારને વિવિધ રાજ્યો તરફથી પાઇલોટ કાર્યક્રમ માટે પ્રસ્તાવ મળી રહ્યો હોવાનું મંત્રીએ સ્વીકાર્યું હતું.

Federal Education Minister Alan Tudge. Source: AAP Image/Diego Fedele
તેમણે ઉમેર્યું હતું કે, સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી સરકારને પ્રસ્તાવ મળ્યો છે. તથા, આગામી દિવસોમાં ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા તરફથી પણ પ્રસ્તાવની આશા છે.
જોકે, સાઉથ ઓસ્ટ્રેલિયા પાસેથી મળેલા પ્રસ્તાવમાં ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જે દેશોમાં કોરોનાવાઇરસની સંખ્યા નહીવત્ત પ્રમાણમાં છે તે દેશોને સાઉથ ઓસ્ટ્રેલિયાએ પ્રાથમિકતા આપી છે.
શિક્ષણ મંત્રી એલન ટજે પણ ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા માટે મહત્વનું સ્થાન ધરાવતા હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, મુસાફરીના પ્રતિબંધના કારણે ભારતીય વિદ્યાર્થીઓને અન્યાય નહીં થાય.
હાઇકમિશ્નર મનપ્રિત વોહરાએ ઓસ્ટ્રેલિયાના વિવાદાસ્પદ મુસાફરીના પ્રતિબંધનો બચાવ કરી ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા પરત ફરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.