ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસના અતિ ચેપી પ્રકારને રોકવાના પ્રયાસ હેઠળ સરકારે દર અઠવાડિયે દેશના વિવિધ રાજ્યોમાં થઇ રહેલા આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે.
જે અંતર્ગત હવે, 15મી ફેબ્રુઆરી 2021 સુધી ન્યૂ સાઉથ વેલ્સ, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને ક્વિન્સલેન્ડ તેમની વર્તમાન સંખ્યા કરતાં 50 ટકા ઓછા વિદેશી પ્રવાસીઓને ઊતરાણની મંજૂરી આપશે.
રાજ્ય પ્રમાણે આંતરરાષ્ટ્રીય ઊતરાણની નવી સંખ્યા
ન્યૂ સાઉથ વેલ્સ - હવે દર અઠવાડિયે 1505 વિદેશથી આવનારા પ્રવાસીઓ ઊતરાણ કરી શકશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા - 512 પ્રવાસીઓ
ક્વિન્સલેન્ડ - 500 મુસાફરો
વિક્ટોરીયા - વિક્ટોરીયા રાજ્ય તેની કુલ ક્ષમતા કરતા 50 ટકા મુસાફરોને જ વર્તમાન સમયમાં ઊતરાણ કરાવી રહ્યું હોવાથી આ સંખ્યામાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. 15મી ફેબ્રુઆરી બાદ તેની સમીક્ષા કરવામાં આવશે.
સાઉથ ઓસ્ટ્રેલિયા - સાઉથ ઓસ્ટ્રેલિયામાં પણ કોઇ ફેરફાર કરાયો નથી. તે દર અઠવાડિયે 490 મુસાફરોને ઊતરાણ કરાવશે.
અન્ય નાના સેન્ટર - ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, નોધર્ન ટેરીટરી અને તાસ્મેનિયા હાલમાં તેમની અગાઉની સમજૂતી અનુસાર જ પ્રવાસીઓને ઊતરાશ કરાવશે. અને, ભવિષ્યમાં કેન્દ્રીય સરકાર સાથે વાતચીત કરીને તે સંખ્યામાં ફેરફાર કરે તેવી શક્યતા છે.
નોધર્ન ટેરીટરી - નોધર્ન ટેરીટરી ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ ફ્લાઇટ્સના ઊતરાણ માટેના એકમાત્ર પ્રાથમિક કેન્દ્ર તરીકે કાર્યરત છે.
આ ઉપરાંત, ઓસ્ટ્રેલિયા પરત ફરી રહેલા મુસાફરોનો તેમના પ્રવાસ અગાઉ કોરોનાવાઇરસનો નેગેટીવ રીપોર્ટ હોય તે ફરજિયાત છે. ઓસ્ટ્રેલિયાની તમામ ડોમેસ્ટીક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ તથા ડોમેસ્ટીક એરપોર્ટ પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

